Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાઉદ ઇબ્રાહિમના ઘરનું ‌ડિમો‌લિશન શરૂ તો થયું, પણ બૉમ્બે હાઈ કોર્ટે અટકાવ્યું

દાઉદ ઇબ્રાહિમના ઘરનું ‌ડિમો‌લિશન શરૂ તો થયું, પણ બૉમ્બે હાઈ કોર્ટે અટકાવ્યું

Published : 20 November, 2026 08:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મસ્જિદની જમીન પરના વિવાદ વચ્ચે જર્જરિત બાંધકામને તોડવાની નોટિસને અદાલતમાં પડકારવામાં આવી એટલે અપાયો વચગાળાનો સ્ટે

દાઉદના ‌બિ‌લ્ડિંગમાં ગઈ કાલે ચાલતું ‌ડિમો‌લિશન.

દાઉદના ‌બિ‌લ્ડિંગમાં ગઈ કાલે ચાલતું ‌ડિમો‌લિશન.


એક સમયે દાઉદ ઇબ્રાહિમ જ્યાં રહેતો હતો એ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગુરુવારે સવારે હાથ ધરી હતી. જોકે બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ આ બિલ્ડિંગ તોડવાની કાર્યવાહી કામચલાઉ ધોરણે અટકાવી દેવાઈ છે. અત્યાર સુધીમાં જે હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે એની તસવીરો લઈ લેવામાં આવી છે. હવે આ મામલે સુનાવણી પચીસ નવેમ્બરે થશે. ભીંડીબજાર વિસ્તારમાં પાકમોડિયા સ્ટ્રીટ પર આવેલા હાજી ઇસ્માઇલ હાજી હબીબ મુસાફિરખાના નામના આ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી ભારે પોલીસસુરક્ષા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું આ પૈતૃક ઘર છે. ૧૯૮૬માં ભારત છોડીને ભાગી જતાં પહેલાં ૧૯૭૦ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમ અને તેનો પરિવાર આ બિલ્ડિંગમાં રહેતો હતો. BMCએ આ જર્જરિત અને જોખમી જાહેર કરાયેલા બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી અગાઉના હાઈ કોર્ટના નિર્દેશ મુજબ શરૂ કરી હતી. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું અને એ જર્જરિત થઈ જતાં BMCએ એને ‘C-1’ કૅટેગરીમાં મૂક્યું હતું અને કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ એને તોડી પાડવું જરૂરી હતું.

જર્જરિત બિલ્ડિંગ માટે કોર્ટમાં



મુસાફિરખાનાના પરિસરમાં આવેલી મસ્જિદના કબજા હેઠળની જગ્યા ખાલી કરવા માટે BMC દ્વારા આપવામાં આવેલી નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી હતી. BMCના C વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ૧૬ નવેમ્બરે નોટિસ આપવામાં આવી હતી જેમાં ૧૮ નવેમ્બર સુધીમાં જગ્યા ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શેખ અબ્દુલ રઝાક અને અન્ય એક અરજદારે આ નોટિસ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરીને આ નોટિસના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવાની અને એને સંપૂર્ણપણે રદ કરવાની માગણી કરી છે. અરજદારોની દલીલ છે કે આ નોટિસ નૅચરલ જસ્ટિસના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને સુપ્રીમ કોર્ટ તથા વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા અગાઉ આપવામાં આવેલા આદેશોની વિરુદ્ધ છે. અરજી અનુસાર આ મિલકત ૧૮૬૪માં હાજી ઇસ્માઇલ હાજી હબીબ દ્વારા હજ યાત્રીઓ માટે મુસાફિરખાના તરીકે ઉપયોગમાં લેવા માટે એક મસ્જિદની સાથે આપવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી છે કે આ એક વક્ફ મિલકત છે અને એને તોડી પાડવાની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોની વિરુદ્ધ છે. આ વિવાદ સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) દ્વારા મિલકતના રીડેવલપમેન્ટ સાથે પણ સંકળાયેલો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK