કાગનો વાઘ ગણાતી બીએમસી અંતે જાગી અને કોલ્ડ મિક્સની સ્થિતિની સમીક્ષા તથા કયા રોડની મરામતનું કામ ધરવું એ વિશે સર્વેનો આદેશ

બાંદરાની એમએસઆરડીસીની ઑફિસની સામે માર્ગ પર પડેલો વિશાળ ખાડો (તસવીર : સમીર માર્કંડે)
આ ચોમાસામાં કાચા માલ અને ફન્ડ્સના અભાવનો અહેવાલ આ અખબારે પ્રગટ કર્યો, એ પછી કૉર્પોરેશને ચોમાસા પછી કયા રોડને રીસર્ફેસ કરાશે, એના સર્વેનો આદેશ આપવાની સાથે-સાથે કોલ્ડ મિક્સની સ્થિતિની સમીક્ષા કરવાની કવાયત હાથ ધરી છે.
કૉર્પોરેશનના રોડ ડિપાર્ટમેન્ટે વૉર્ડના સ્તરે કોલ્ડ મિક્સિંગની સમીક્ષા અને કૉન્ટ્રૅક્ટર્સ માટે બજેટની ફાળવણી શરૂ કરી છે. કૉર્પોરેશનનો કોલ્ડ મિક્સનો સ્ટૉક ઑગસ્ટ સુધીમાં વપરાઈ ગયો હોવાના અને ઘણા ઝોનમાં ખાડા પૂરવા માટેનું બજેટ પૂરું થઈ ગયું હોવાથી માર્ગોનું રિપેરિંગ કરવું મુશ્કેલ બન્યું હોવાના ગુરુવારના ‘મિડ-ડે’ના અહેવાલ પછી આ કામગીરી કરવામાં આવી છે. કૉર્પોરેશને રીસર્ફેસિંગ માટે માર્ગોની સ્થિતિની આકારણી કરવા સર્વે પણ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ઘણા વૉર્ડ-અધિકારીઓએ ગયા મહિનાથી કોલ્ડ મિક્સની પ્રાપ્યતા વિશે ચિંતા વ્યક્ત કરી છે. બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રોડ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું, ‘અમે ખાડા પૂરવા માટે ફંડની ફાળવણી અને કોલ્ડ મિક્સના ઉપયોગ વિશે વૉર્ડ્ઝના એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ પાસેથી સમીક્ષા મેળવી રહ્યા છીએ.’
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારસુએ જણાવ્યું હતું કે, વૉર્ડ્ઝને પૂરતું ભંડોળ આપવામાં આવશે અને ભંડોળ કે માલ-સામાનનો કોઈ અભાવ નહીં વર્તાય.
ગયા જુલાઈમાં મોસમના પહેલા ભારે વરસાદ પછી માર્ગો પર ખાડા પડવા માંડ્યા, ત્યારે નવી રચાયેલી રાજ્ય સરકારે શહેરના તમામ રસ્તાને બે વર્ષમાં સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવાની જાહેરાત કરી હતી. એ પછી કૉર્પોરેશને ઑગસ્ટમાં ૪૦૦ કિલોમીટરના અસ્ફાલ્ટના માર્ગો માટે ટેન્ડર્સ બહાર પાડ્યાં હતાં.
પણ સમય વીતવા સાથે ખાડાની સમસ્યા વકરી અને લોકો રોષ ઠાલવવા માંડ્યા, ત્યારે કૉર્પોરેશને તાત્કાલિક ઉપાયો અજમાવ્યા. કૉન્ટ્રૅક્ટર્સ માટેના ફંડ અને કોલ્ડ મિક્સની ગેરહાજરીમાં કૉર્પોરેશન હવે શક્ય હોય ત્યાં રસ્તાનું રીસર્ફેસિંગ કરવા તરફ નજર દોડાવી રહ્યું છે.
રીસર્ફેસિંગ એ મેઇન્ટેનન્સની સરળ ટેક્નિક છે, જેમાં હાલની લગભગ ત્રણ ઇંચ રોડની સપાટી હટાવીને સમગ્ર રોડને બદલવાને બદલે એના પર નવું મટીરિયલ પાથરવામાં આવે છે. કામ પૂરું થતાં ૩-૪ દિવસ લાગે છે, પણ આ કામ ચોમાસા સિવાયના સમયગાળામાં જ થઈ શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું, ‘ઘણા માર્ગોને સિમેન્ટ-કૉન્ક્રીટમાં રૂપાંતરિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત અમે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળના માર્ગોને બાજુ પર રાખીશું. બાકીના રસ્તાઓનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.’
400
મુંબઈ કૉર્પોરેશને આસ્ફાલ્ટના આટલા રોડને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે.

