હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.
સુનીલ પટેલ
મહારાષ્ટ્રમાં સોમવારે અંતિમ તબક્કાની ૧૩ બેઠક માટે મતદાન હાથ ધરવામાં આવ્યું ત્યારે ફોર્ટ ખાતેના એક મતદાનકેન્દ્રમાં તહેનાત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ૫૬ વર્ષના ગુજરાતી કર્મચારી સુનીલ પટેલ (પડાયા)નું મૃત્યુ થયું હતું. તેઓ મતદાનકેન્દ્રમાં હતા અને રાત્રે ૧૧ વાગ્યે પણ કામ ચાલતું હતું ત્યારે પડી ગયા હતા. હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.
માઝગાવમાં તાડવાડીમાં રહેતા મૂળ મેઘવાળ સમાજના ભાવનગરના ભડી ભંડારિયા ગામના વતની સુનીલ પટેલનું મૃત્યુ થવા વિશે તેમના પિતરાઈ ભાઈ જયસિંહ પડાયા (પટેલ)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીલની ૩૫ વર્ષથી BMCના એચ/સાઉથ વૉર્ડમાં સિપાહીની જૉબ હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ તેને ફોર્ટમાં આવેલા ઓલ્ડ કસ્ટમ્સ હાઉસ પાસેના મતદાનકેન્દ્રમાં ચૂંટણીની ડ્યુટી આપવામાં આવી હતી. ગઈ કાલે સવારના સાત વાગ્યાથી તે મતદાનકેન્દ્રમાં કામ કરી રહ્યો હતો. મોડે સુધી મતદાન ચાલુ રહ્યું હતું ત્યારે ૧૧ વાગ્યે તેને ચક્કર આવતાં તે પડી ગયો હતો. ટૅક્સીમાં બેસાડીને તેને સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં લઈ જવાતો હતો ત્યારે રસ્તામાં જ તેને હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. સખત ગરમી વચ્ચે સવારના સાતથી રાતના ૧૧ વાગ્યા
સુધી એટલે કે ૧૬ કલાક સુધી કામ કરવાને લીધે સુનીલને હાર્ટ-અટૅક આવ્યો હતો. પત્ની, એક દીકરો અને એક દીકરીના પરિવારમાં સુનીલ કમાનારો એકલો હતો.’

