સાયરસ મિસ્ત્રી સાથે પાંચમી સપ્ટેમ્બરે થયેલા અકસ્માતમાં તેમની સાથે જ પ્રવાસ કરી રહેલા તેમના મિત્ર દરિયસ પંડોલે અને તેમનાં પત્ની ડૉ. અનાહિતા પંડોલે ઘાયલ થયાં હતાં.
‘સાયરસ મિસ્ત્રી અકસ્માત’માં ઘાયલ થયેલા દરિયસ પંડોલેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ
મુંબઈ : સાયરસ મિસ્ત્રી સાથે પાંચમી સપ્ટેમ્બરે થયેલા અકસ્માતમાં તેમની સાથે જ પ્રવાસ કરી રહેલા તેમના મિત્ર દરિયસ પંડોલે અને તેમનાં પત્ની ડૉ. અનાહિતા પંડોલે ઘાયલ થયાં હતાં. તેમને એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગઈ કાલે દરિયસ પંડોલેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે તેમનાં પત્નીને હજી થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે એમ છે.
દરિયસને હાથ અને ચહેરા પર ઈજા થવાથી તેમને એ બંનેની સર્જરી કરાવવી પડી હતી. આ ગંભીર ઈજાઓને કારણે તેમને ઇન્ફેક્શન પણ થયું હતું, જ્યારે અનાહિતા પંડોલેને પણ સર્જરી કરાવવી પડી હતી અને હાલ તેમની ફિઝિયોથેરપીની સારવાર ચાલુ છે. એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના સીઈઓ ડૉ. તરંગ જ્ઞાનચંદાનીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પંડોલે દંપતીને થયેલી ઈજાઓ ગંભીર અને જટિલ હતી. અમારા બેસ્ટ ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. તેમને થયેલી ઈજાઓની કઈ રીતે સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે એ માટે વિશ્વભરના જે-તે ફીલ્ડના એક્સપર્ટ્સની સલાહ લેવામાં આવી હતી. આખરે હવે તેઓ બંને સાજા થઈ રહ્યા છે જે અમારા માટે મોટી સફળતા છે. મૉડર્ન ટેક્નૉલૉજી, ટેક્નૉલૉજીનો ચોકસાઈભર્યો ઉપયોગ, ક્લિનિકલ એક્સપર્ટીઝ અને એ બધાથી ઉપર દરદીને સાજા કરવાના સેવાભાવ સાથે કરાયેલી સારવારને કારણે અમને આ પૉઝિટિવ રિઝલ્ટ મળ્યું હતું.’

