Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: કલ્યાણ અને ડોમ્બિવલીમાં દામિની સ્ક્વૉડનો તરખાટ

News in Shorts: કલ્યાણ અને ડોમ્બિવલીમાં દામિની સ્ક્વૉડનો તરખાટ

Published : 16 February, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાહેરમાં અયોગ્ય વર્તન કરતા અને છેડતી કરતા લોકો પર ત્રાટકી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વૅલેન્ટાઇન્સ ડે પર દામિની સ્ક્વૉડ દ્વારા અચાનક જલદ અભિયાન ચલાવવાથી કલ્યાણ અને ડોમ્બિવલીમાં જાહેરમાં અશ્લીલ હરકતો કરતાં યુગલો અને કથિત ગુનેગારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં કલ્યાણ ઝોન હેઠળ રચાયેલી આ સ્ક્વૉડ દ્વારા બગીચાઓ, મૉલ, એકાંત સ્થળો, સ્કૂલો અને કૉલેજોની આસપાસના વિસ્તારો સહિત અનેક જાહેર સ્થળોએ અણધારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘સંપૂર્ણ મહિલા પોલીસ-કર્મચારીઓની બનેલી આ ટીમે શહેરમાં સ્કૂટર પર પૅટ્રોલિંગ કર્યું હતું અને જાહેર સ્થળો પર કડક નજર રાખી હતી. છેડતી, જાહેર સ્થળોએ ધૂમ્રપાન, શૈક્ષણિક સંસ્થાઓ નજીક ડ્રગ્સનું સેવન અને અયોગ્ય અથવા અશ્લીલ વર્તન કરતી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી જાહેરમાં એટિકેટ જળવાઈ રહે અને ખાસ કરીને મહિલાઓ અને યુવાન વિદ્યાર્થીઓની સલામતી, સાવચેતી અને સુધારાનાં પગલાં તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી.’ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અતુલ ઝેન્ડેએ જણાવ્યું હતું કે થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેના નિર્દેશો બાદ દામિની સ્ક્વૉડની રચના કરવામાં આવી હતી. 

પવઈમાં ત્રણ મહિના માટે ઑડ-ઈવન પાર્કિંગ નિયમ લાગુ



મુંબઈ ટ્રાફિક-પોલીસે પવઈમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે કામચલાઉ ધોરણે ઑડ-ઈવન પાર્કિંગ સિસ્ટમ શરૂ કરી છે. ૧૪ મે સુધી હીરાનંદાની ગાર્ડન્સ એરિયામાં ઑડ-ઈવન પાર્કિંગ લાગુ પડશે અને ભારે વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ હશે. પવઈ પ્લાઝા બસ-સ્ટૉપથી ઑલિમ્પિયા જંક્શન અને ડી-માર્ટ સર્કલથી ઈડન બિલ્ડિંગના એન્ટ્રી ગેટ સુધી ઑડ-ઈવન પાર્કિંગના નિયમ લાગુ પડશે. ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ નિયમ ૧૪ મે સુધી અમલમાં રહેશે. ઑડ નંબર (૧, ૩, ૫ જેવી)ની તારીખે રસ્તાની જમણી બાજુએ અને ઈવન નંબર (૨, ૪, ૬ જેવી)ની તારીખે રસ્તાની ડાબી બાજુએ પાર્કિંગ હશે.


ટેરરિસ્ટ લિન્ક અને એના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે ATSની ૨૧ જગ્યાએ રેઇડ

આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક કરીને યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવાના પ્રયાસો વિશે માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ રવિવારે રાજ્યભરમાં ૨૧ સ્થળોએ રેઇડ પાડી હતી. યવતમાળ જિલ્લાના પુસદ અને ઉમરખેડમાં ૧૪ સ્થળોએ અને અહિલ્યાનગરમાં ૭ સ્થળોએ રેઇડ પાડવામાં આવી હતી. શંકાસ્પદ ઍક્ટિવિટી મળી આવ્યા બાદ વહેલી સવારથી આ કાર્યવાહી શરૂ થઈ હતી. એકસાથે તપાસ કરવા અને પુરાવા એકઠા કરવા માટે ATSની અનેક ટીમો તહેનાત કરવામાં આવી હતી. આ કાર્યવાહી ચોક્કસ વ્યક્તિઓ અને ઉદ્દામવાદી જૂથો વચ્ચે સંભવિત લિન્ક ચકાસવા માટે ચાલી રહેલી તપાસનો એક ભાગ હતી. 


ઉત્તર ભારતમાં સાત રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી

દેશભરમાંથી ઠંડી લગભગ હવે વળતાં પગલાં માંડી રહી છે, પરંતુ કમોસમી વરસાદ ચિંતા વધારે એવું શક્ય છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા આજથી ૧૮ ફેબ્રુઆરી સુધી ઉત્તર ભારતનાં ૭ રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ પલટાઈ શકે છે. આ દરમ્યાન ભારે પવન, વાદળોના ગડગડાટ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવતા અઠવાડિયામાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. પહાડી રાજ્યોમાં ધુમ્મસની સમસ્યા હશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં મધ્યમથી ભારે વરસાદપડવાની આગાહી ભારતીય મોસમ વિભાગે કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK