આજે મટકી ફોડવા માટે મેદાનમાં ઊતરશે
પ્રતીકાત્મક તસવીર
પાર્લે સ્પોર્ટ્સ ક્લબની મહિલા ટીમે દહીહંડી માટે ૭ થરનો પિરામિડ બનાવીને વિક્રમ કર્યો છે. મહિલાઓની ગોવિંદા ટીમ દ્વારા બનેલો આ સૌથી ઊંચો પિરામિડ છે. ગુરુવારે પ્રૅક્ટિસ-સેશનમાં આ મહિલા ટીમે ૭ થરનો પિરામિડ બનાવ્યો હતો. આજે દહીહંડીમાં મહિલાઓની આ ગોવિંદા ટોળકી મટકી ફોડશે.
૨૦૦૧માં જ્યારે આ ટીમ બની ત્યારે પહેલી વાર તેમણે પાંચ થરનો પિરામિડ બનાવ્યો હતો. ૨૦૦૬માં તેમણે ૬ થરનો પિરામિડ બનાવવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ ૨૦૧૩માં ૭ થરનો પિરામિડ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ નિષ્ફળ રહ્યો હતો. ત્યારથી પાર્લે સ્પોર્ટ્સ ક્લબની મહિલા ટીમ દર વર્ષે ધગશ અને મહેનતથી પ્રૅક્ટિસ કરવા લાગી હતી. આ વર્ષે તેમની મહેનત રંગ લાવી અને ૭ થરનો પિરામિડ બનાવવામાં તેમને સફળતા મળી છે.
ADVERTISEMENT
પાર્લા અને પ્રભાદેવી જેવા જુદા-જુદા વિસ્તારોમાંથી આવતી આ મહિલાઓ બે મહિનાથી રોજ ૩ કલાક પ્રૅક્ટિસ કરતી હતી. આજે તેઓ મટકી ફોડવા માટે મેદાનમાં ઊતરશે.


