કસ્ટમ્સે ૨૮થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ડ્ર્ગ્સ, દાણચોરીનું સોનું અને દાણચોરીના હીરા સહિત કુલ બાવન કરોડ રૂપિયાથી વધુની માલમતા ઝડપી લીધી હતી
બ્રાઝિલના પૅસેન્જર પાસેથી કોકેનની ૧૭૦ કૅપ્સ્યુલ મળી આવી હતી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે ૨૮થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ડ્ર્ગ્સ, દાણચોરીનું સોનું અને દાણચોરીના હીરા સહિત કુલ બાવન કરોડ રૂપિયાથી વધુની માલમતા ઝડપી લીધી હતી. આ સંદર્ભે ૬ કેસ નોંધી ૮ જણની ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટમ્સે કરેલી આ કાર્યવાહી હેઠળ ૫૦.૧૧ કરોડ રૂપિયાનું માટી વિનાની ખેતીથી ઉગાડેલું ૫૦.૧૧ કિલો અફીણ, ૯૩. ૮ લાખ રૂપિયાના હીરા અને ૧.૫ કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
કોકેનની ૧૭૦ કૅપ્સ્યુલ પકડાઈ
અન્ય એક કાર્યવાહી હેઠળ કસ્ટમ્સે બ્રાઝિલના સાઓ પાઓલોથી વાયા પૅરિસ મુંબઈ આવેલા એક પ્રવાસીને સ્પેસિફિક ઇન્ફર્મેશનના આધારે ૨૮ જાન્યુઆરીએ ઝડપ્યો હતો. ૧૬.૪૯ કરોડ રૂપિયાની કિંમતના ૧.૬૪ કિલોગ્રામ કોકેનની ૧૭૦ કૅપ્સ્યુલ્સ તેની પાસેથી હસ્તગત કરવામાં આવી હતી. કુલ ૧૭૦ કૅપ્સ્યુલમાંથી કેટલીક તે ગળી ગયો હતો, જ્યારે કેટલીક તેણે તેની ગુદામાં છુપાવી હતી. તેના પર ઑપરેશન કરીને પેટમાંની કૅપ્સ્યુલ પાછી મેળવવામાં આવી હતી.

