વિલે પાર્લેમાં યુવતીની છેડતી કરનાર આરોપી જુહુ પોલીસના હાથમાં આવી ગયો હતો

જુહુ પોલીસના હાથમાં આવી ગયેલા સિરિયલ મૉલેસ્ટર કલ્પેશ ગોપીનાથ દેવધર સામે ૧૮ યુવતીની સતામણી કરવાના આરોપ છે
કૉલેજ અને ટ્યુશન-ક્લાસની બહાર ૧૮થી વધુ યુવતીઓને નિશાન બનાવનાર ૩૧ વર્ષના સિરિયલ મૉલેસ્ટરની તાજેતરમાં જુહુ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે ‘૨૦૨૧માં આરોપીની વિલે પાર્લેમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર બહાર આવ્યા બાદ તેણે ફરી તેની ખરાબ વર્તણૂક ચાલુ રાખી હતી. આરોપી કલ્પેશ ગોપીનાથ દેવધરે ડ્રાઇવર છે. તે ચર્ની રોડના ગિરગામ ખાતે ત્રિમૂર્તિ બિલ્ડિંગમાં રહેતો હતો. તે સામાન્ય રીતે ૧૮થી ૨૦ વર્ષની વયની છોકરીઓને નિશાન બનાવતો હતો.’
પોલીસના જણાવ્યા મુજબ આરોપી કૉલેજ અને ટ્યુશન-ક્લાસની બહાર તકની રાહ જોતો. છોકરી રિમોટ એરિયામાંથી પસાર થતી ત્યારે દેવઘરે તેના પર હુમલો કરીને છેડતી કરતો. અગાઉ તે રસ્તા પર હસ્તમૈથુન કરવા અને કૉલેજની છોકરીઓની છેડતી કરવા માટે પકડાઈ ચૂક્યો છે.
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજિત વર્તકે જણાવ્યું હતું કે અમે આરોપી કલ્પેશ દેવઘરેની ધરપકડ કરી છે.
એપીઆઇ વિજય ધોત્રેએ જણાવ્યું હતું કે ‘આરોપી ૧૫થી ૨૦ વર્ષની છોકરીઓને ટાર્ગેટ કરતો હતો. શહેરનાં ૧૮ પોલીસ સ્ટેશનોમાં તેના નામે ગુના નોંધાયેલા છે. તે ગુનો કર્યા બાદ પોતાનું સરનામું બદલી દેતો હતો.’