ભ્રષ્ટાચાર, હત્યા જેવા અનેક આરોપોમાં ઘેરાયેલા મહાયુતિની સરકારના મિનિસ્ટરની તકલીફો વધતી જાય છે, જોકે કરુણા શર્મા કહે છે કે મને ૧૫ લાખ રૂપિયા જોઈએ છે
કરુણા શર્મા, ધનંજય મુંડે
ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાઇઝ ખાતાના પ્રધાન ધનંજય મુંડેને વધુ એક ફટકો પડ્યો છે. તેઓ જેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા તે કરુણા શર્માએ કરેલા ડોમેસ્ટિક વાયલન્સના કેસમાં બાંદરાની ફૅમિલી કોર્ટે કરુણા શર્માના આરોપ માન્ય રાખીને ધનંજય મુંડેને આદેશ આપ્યો છે કે તેઓ દર મહિને બે લાખ રૂપિયા ભરણપોષણ પેટે કરુણા શર્માને ચૂકવે.
મંગળવારે આપેલા આ આદેશમાં ફૅમિલી કોર્ટે નોંધ્યું હતું કે કરુણા શર્મા ધનંજય મુંડેનાં પહેલાં પત્ની છે. કરુણા શર્મા સાથે મારપીટ કરવામાં આવી હોવાથી ભરણપોષણ માટે તેમને મહિનાના ૧,૨૫,૦૦૦ રૂપિયા અને તેમની દીકરી શિવાનીને લગ્ન ન થાય ત્યાં સુધી મહિનાના ૭૫,૦૦૦ રૂપિયા આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
કોર્ટના આદેશ બાદ કરુણા શર્માએ ગઈ કાલે કહ્યું હતું કે ‘પહેલી પત્ની તરીકે કોર્ટે મને માન્ય રાખી છે. કરુણા શર્મા નહીં, હવે મને કરુણા મુંડે કહો. આ મારો અધિકાર છે. હું લડી છું અને એની કિંમત પણ મેં ચૂકવી છે. ૩૩ મહિનાથી હું ખૂબ હેરાન થઈ રહી છું.’
જોકે બે લાખ રૂપિયાના ભરણપોષણના કોર્ટના આદેશથી તેને સમાધાન નથી. તેણે કહ્યું હતું કે ‘મને મહિનાના ૧૫ લાખ રૂપિયા જોઈએ છે. એના માટે જ મેં કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હું હાઈ કોર્ટમાં દાદ માગવાની છું. તેમના નોકરની પાસે ચાર હજાર કરોડની પ્રૉપર્ટી હોવાનું બહાર આવ્યું છે. મારા અને મારાં સંતાનોના નામ પર કંઈ નથી. મારો ૨૧ વર્ષનો દીકરો પણ બેરોજગાર છે.’
મારા પપ્પા બેસ્ટ નથી, પણ તેમણે અમને ક્યારેય હાનિ નથી પહોંચાડીઃ સીશિવ મુંડે
ધનંજય અને કરુણાના પુત્ર સીશિવ મુંડેએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘હું સીશિવ ધનંજય મુંડે છું અને મને લાગે છે કે અત્યારે મારા માટે બોલવું મહત્ત્વનું બની ગયું છે કારણ કે મીડિયાએ મારી ફૅમિલીને મનોરંજનનો અખાડો બનાવી દીધી છે. મારા પપ્પા બેસ્ટ નથી, પણ તેમણે ક્યારેય મારી મમ્મીની જેમ અમને હાનિ નથી પહોંચાડી. મમ્મીએ ઘણા આઘાત સહન કર્યા છે, પણ એનો ઘા અમને પણ આપીને તેણે આ પરિસ્થિતિને બહુ જ ખરાબ રીતે હૅન્ડલ કરી. પોતાની સાથે હિંસા કરવામાં આવી હોવાનો જે આરોપ મમ્મીએ કર્યો છે એ હિંસા ખરેખર તો મારા, મારી બહેન અને પપ્પા સાથે થઈ છે. વારંવાર મારઝૂડ કરવાને લીધે પપ્પા તેને છોડીને જતા રહ્યા હોવાથી મમ્મીએ અમને પણ જતાં રહેવાનું કહ્યું હતું, કારણ કે તેને અમારી સાથે કંઈ લેવાદેવા નહોતી. ૨૦૨૦થી પપ્પા અમારી સારસંભાળ રાખી રહ્યા છે. મારી મમ્મીને પૈસાની કોઈ તકલીફ નથી. તેણે જાણી જોઈને બૅન્ક લોન ન ભરી અને હવે ખોટી સ્ટોરી ઉપજાવી કાઢીને પપ્પા સાથે બદલો લઈ રહી છે.’
સીશિવની આ પોસ્ટ વિશે કરુણા શર્માએ કહ્યું હતું કે ‘મારા દીકરાની વાત સાચી છે કે તેના પપ્પા તેમને સારી રીતે રાખે છે. પુત્રો સાથે ધનંજયના બહુ જ સારા સંબંધ છે. જોકે આ બધું બોલવા માટે મારા દીકરા પર દબાણ કરવામાં આવ્યું છે.’
ધનંજય મુંડેનાં વકીલનું શું કહેવું છે?
જોકે આ મામલે ધનંજય મુંડેનાં વકીલ સાયલી સાવંતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કોર્ટે ઘરેલુ હિંસાના મામલે હજી કોઈ નિર્ણય આપ્યો નથી. આ ભરણપોષણ માટેનો ઇન્ટરિમ આદેશ છે, એના સિવાય બીજી કોઈ બાબતે કોર્ટે હજી કંઈ નથી કહ્યું. ધનંજય મુંડેએ પોતે જ કરુણા શર્મા સાથે લિવ-ઇનમાં હોવાનું કોર્ટને કહ્યું હતું અને ભરણપોષણના આદેશનો આ જ આધાર છે. મીડિયાને મારી વિનંતી છે કે તેમણે જવાબદારીપૂર્વક આ બાબતે રિપોર્ટિંગ કરવું જોઈએ.’
મુખ્ય પ્રધાનને આ બધું દેખાતું કે સંભળાતું કેમ નથી? : આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરેએ કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘પ્રધાનપદ પર રહેનારી વ્યક્તિની ખિલાફ આ રીતનો ચુકાદો આવવો એ ખૂબ જ ધક્કાદાયક છે. મુખ્ય પ્રધાનને આ બધું દેખાતું કે સંભળાતું કેમ નથી?’
કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે તો ધનંજય મુંડેને પ્રધાનમંડળમાંથી કાઢી મૂકવાની વાત કરતાં કહ્યું હતું કે જે વ્યક્તિ સામે ઘરેલુ હિંસાના આરોપ સિદ્ધ થયા હોય તે પ્રધાનમંડળમાં કઈ રીતે રહી શકે?

