AIMIMની મુંબ્રામાંથી ચૂંટાઈ આવેલી મહિલા કૉર્પોરેટરના આવા ભાષણ પર થયો વિવાદ, જોકે પછી તેણે ફેરવી તોળ્યું
સહર શેખ
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની મુંબ્રામાંથી ચૂંટાઈ આવેલી બાવીસ વર્ષની મહિલા કૉર્પોરેટર સહર શેખનું ચૂંટણીમાં જીત મેળવ્યા પછીનું ભાષણ વાઇરલ થયું છે જેમાં તેણે તેના વિસ્તારને ‘લીલો રંગ’ કરવાનો સંકલ્પ લીધો હતો. સહર શેખએ કહ્યું હતું કે પૂરે કે પૂરે મુંબ્રા કો ગ્રીન કલર સે ઐસે રંગના હૈ કિ ઉન લોગોં કો યહાં સે બુરી તરહ સે પછાડકે ભેજના હૈ, ઇન્શા અલ્લાહ.
તેના હરીફોએ દાવો કર્યો હતો કે આ રંગ તેના સંદર્ભમાં ધાર્મિક રંગ છે અને આગામી પાંચ વર્ષમાં મુંબ્રામાં દરેક ઉમેદવાર AIMIMનો હશે. મુંબ્રાને સંપૂર્ણપણે લીલો રંગ કરવો જોઈએ એમ સહર શેખે તેના ભાષણમાં કહ્યું હતું. આ ભાષણ પરના વિવાદ બાદ સહર શેખે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે મારી કમેન્ટ ફક્ત મારા પક્ષના સંદર્ભમાં હતી, કોઈ સમુદાય વિરુદ્ધ નહીં. સહર શેખે કહ્યું હતું કે ‘મારી પાર્ટીનો ધ્વજ લીલો છે. જો એ ભગવો હોત તો મેં કહ્યું હોત કે અમે મુંબ્રાને ભગવો રંગ કરીશું.’
ADVERTISEMENT
સહર શેખ મુંબ્રાના યુનુસ શેખની દીકરી છે. યુનુસ શેખ વર્ષોથી જિતેન્દ્ર આવ્હાડના નજીકના સાથીદાર રહ્યા છે. યુનુસ શેખે જિતેન્દ્ર આવ્હાડ પાસે દીકરી સહર માટે NCP (SP)માંથી ટિકિટ માગી હતી, પણ જિતેન્દ્ર આવ્હાડે તેને ટિકિટ ન ફાળવતાં યુનુસ શેખે દીકરી સાથે AIMIM જૉઇન કરી હતી અને એમાંથી ટિકિટ મેળવીને દીકરી સહરને ઉમેદવાર બનાવીને ઉતારી હતી. જબરદસ્ત પ્રચાર દરમ્યાન પણ તેમણે જિતેન્દ્ર આવ્હાડને ચેતવણીઓ આપી હતી.
TMCની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળના AIMIMએ નોંધપાત્ર લાભ મેળવ્યો હતો. એણે ૧૩૧ બેઠકોમાંથી પાંચ બેઠકો જીતીને કૉન્ગ્રેસ જેવા પક્ષને પાછળ છોડી દીધો હતો જે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો અને શિવસેના (UBT)ને પણ એક જ બેઠક મળી હતી.
સહર શેખે કહ્યું હતું કે ચૂંટણીનાં પરિણામોએ રાજકીય વિરોધીઓના અહંકારને તોડી નાખ્યો છે જેઓ તેમના મતે માનતા હતા કે તેઓ મુંબ્રાના લોકો પર પ્રભુત્વ મેળવી શકે છે.
AIMIMની વૈચારિક શક્તિ પર ભાર મૂકતાં સહર શેખે જાહેર કર્યું કે ‘ફક્ત અલ્લાહ જ સર્વોચ્ચ છે. AIMIMનો ઉદ્દેશ મુંબ્રા અને મુંબઈમાં પોતાનો વ્યાપ વધારવાનો છે અને આગામી પાંચ વર્ષમાં આ વિસ્તાર ‘લીલાશથી છવાયેલો’ રહેશે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મુમ્બ્રામાંથી બધા વિજેતા ઉમેદવારો AIMIMના હશે.’


