આ બાબતે રાજ્ય સરકાર, સબર્બન કલેક્ટર, MMRDA સહિતના પક્ષકારો ૨૦ નવેમ્બર સુધી તેમનો જવાબ નોંધાવી શકશે
મીઠાના અગર
આરે-BKC-કોલાબા મેટ્રો-૩ માટે પહેલાં કાંજુરમાર્ગની મીઠાના અગરની જમીન પર કારશેડ બનાવવાનો વિકલ્પ અજમાવાયો હતો, પણ એમાં સફળતા મળી નહોતી. જોકે હવે અંધેરી લોખંડવાલા (સ્વામી સમર્થનગર)થી વિક્રોલી મેટ્રો-૬ના કારશેડ માટે ફરી એ જ જગ્યાનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના સૉલ્ટ-કમિશનરે બૉમ્બે હાઈ કોર્ટમાં આ સંદર્ભે મુંબઈ સબર્બન કલેક્ટર દ્વારા એ જમીન મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને હૅન્ડઓવર કરવાનો ખોટો આદેશ આપ્યો હોવાનું કહીને રિટ પિટિશન દાખલ કરી છે. એથી કોર્ટે હવે એ જમીન પર સ્ટે મૂકી દીધો છે. આ બાબતે રાજ્ય સરકાર, સબર્બન કલેક્ટર, MMRDA સહિતના પક્ષકારો ૨૦ નવેમ્બર સુધી તેમનો જવાબ નોંધાવી શકશે.
કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ સૉલ્ટ-કમિશનરની ભાંડુપ સૉલ્ટ ફૅક્ટરી સર્વે નંબર ૨૭૪ની અંદાજે ૧૫ હેક્ટર જમીન MMRDAને આપવાનો આદેશ મુંબઈ સબર્બન કલેક્ટરે ૨૦૨૩ની ૧૭ એપ્રિલે આપ્યો હતો. એ આદેશ ખોટો હોવાનું કેન્દ્ર સરકારના સૉલ્ટ-કમિશનરે દાખલ કરેલી રિટ પિટિશનમાં કહ્યું છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં આ બાબતે રજૂઆત કરતાં કહેવાયું છે કે ‘એ જમીન હજી પણ કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ જ છે. ખુદ રાજ્ય સરકાર દ્વારા એ માટે ૨૦૧૬માં કરાયેલી અરજી પેન્ડિંગ છે. એમ છતાં સબર્બન કલેક્ટરે એ સંદર્ભે ગેરકાયદે આદેશ બહાર પાડ્યો છે. એ આદેશ કાઢતાં પહેલાં તેમણે અમને આ બાબતે રજૂઆત કરવાનો પણ મોકો આપ્યો નથી.’
