મુંબઈમાં જો મહિલાના નામે પ્રૉપર્ટી લેવામાં આવે તો એના પર પાંચ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી લેવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં જગ્યાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે બૅન્ક અને અન્ય નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા પણ લોનનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. એમ છતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એટલી ઘરાકી નથી એટલે એને પુશ આપવા લાંબા સમયથી બિલ્ડર અને ડેવલપર્સના અસોસિએશન દ્વારા સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફીમાં ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવતી હતી. એના પર હવે સરકાર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે એમ રાજ્યના ગૃહનિર્માણપ્રધાન અતુલ સાવેએ કહ્યું હતું.
મુંબઈમાં જો મહિલાના નામે પ્રૉપર્ટી લેવામાં આવે તો એના પર પાંચ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી લેવામાં આવે છે, જ્યારે પુરુષોના નામ પર પ્રૉપર્ટી ખરીદવામાં આવે તો એના પર સાત ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવી પડે છે. હવે મુંબઈના અનેક વિસ્તારોમાં વન બેડરૂમ હૉલ કિચનના ફ્લૅટનો ભાવ પણ એક કરોડથી સવા કરોડ રૂપિયા અને એની આસપાસ પહોંચી ગયો છે ત્યારે એ પાંચ કે સાત ટકાની વૅલ્યુ પણ લાખો રૂપિયામાં પહોંચે છે એટલે એ જો ઘટાડવામાં આવે તો રિયલ એસ્ટેટને પુશ મળી શકે એમ છે એવી રજૂઆત બિલ્ડર અને ડેવલપર્સના અસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

