કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારના જોરદાર ચાબખા
કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર
પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં પ્રેગ્નન્ટ મહિલાને પૈસાના અભાવે સારવાર ન અપાઈ હોવાના કેસમાં મહિલાનું મૃત્યુ થયા બાદ થયેલા વિવાદમાં હવે કૉન્ગ્રેસના નેતા અને રાજ્યના ભૂતપૂ્ર્વ પ્રધાન વિજય વડેટ્ટીવારે ઝુકાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘મંગેશકર પરિવારે ક્યારેય કોઈ સામાજિક કાર્ય માટે દાન આપ્યું હોવાનું સાંભળ્યું છે? ફક્ત તેઓ સારું ગાય છે એટલે તેમને માન આપવામાં આવે છે. મંગેશકર પરિવાર લૂંટારો છે.’
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાન પરિષદના સભ્ય અમિત ગોરખેનાં પત્ની તનીશાને પુણેમાં આવેલી લતા મંગેશકર પરિવારની માલિકીની દીનાનાથ મંગેશકર મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં ૧૦ લાખ રૂપિયાની ડિપોઝિટ માગવામાં આવી હતી જે તેઓ ન ભરી શકતાં તેમને દાખલ કરાયાં નહોતાં. એ પછી તનીશાએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો, પણ તેમનું મૃત્યુ થયું હતું. આ કેસને કારણે હૉસ્પિટલના આવા વલણ સામે ભારે ઊહાપોહ મચ્યો હતો અને વિરોધ-પ્રદર્શનો પણ થયાં હતાં.
ADVERTISEMENT
કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આના જ સંદર્ભે ગઈ કાલે કહ્યું હતું કે ‘મંગેશકર પરિવાર એ માનવતાના નામ પર કાળો ધબ્બો છે. તેઓ તો લૂંટારાઓની ગૅન્ગ છે. ક્યારેય તેમણે સામાજને ઊંચો લાવવા કામ કર્યું હોય એવું તમે સાંભળ્યું છે? ફક્ત તે લોકો સારું ગાય છે એટલે લોકો તેમને માન આપે છે. જે માણસે તેમને હૉસ્પિટલ માટે દાનમાં જગ્યા આપી તેની પણ તેમણે અવહેલના કરી હતી. ચૅરિટી હૉસ્પિટલ ખોલી એના બધા લાભ મેળવે છે તો ગરીબોને લૂંટવાનું તેમણે બંધ કરવું જોઈએ.’

