મતદાન થવાનું છે ત્યારે કમોસમી વરસાદ અવરોધ બની શકે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રના નાશિક, પુણે, અહમદનગર, કોંકણ, થાણે અને મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાની આગાહી કરી છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પુણે, અહમદનગર અને શિર્ડી સહિત ૧૧ બેઠક પર મતદાન થવાનું છે ત્યારે કમોસમી વરસાદ અવરોધ બની શકે છે. મોટા ભાગે કમોસમી વરસાદ બપોર બાદ કે સાંજના સમયે પડે છે એટલે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં મતદાન થઈ જાય તો સારું એવી સલાહ હવામાન વિભાગે મતદારોને આપી છે. હવામાન વિભાગે આજથી મરાઠવાડા, વિદર્ભ, ખાનદેશ, નાશિક, પુણે, સાતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, કોંકણ, થાણે અને મુંબઈ સહિતના ૧૯ જિલ્લામાં આગામી એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોકે અમુક સ્થળે છૂટોછવાયો વરસાદ થવાનો અંદાજ છે એટલે ગરમીમાં થોડી રાહત રહેશે. હવામાન વિભાગની માહિતી મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં સમુદ્રની સપાટીથી દોઢ કિલોમીટરની ઊંચાઈ સુધી હળવા સાઇક્લોનની સ્થિતિ ઊભી થઈ છે જેને લીધે હવામાં હળવું દબાણ નિર્માણ થવાથી મરાઠવાડાથી કન્યાકુમારી સુધીના ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે.
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી ૩૦૦ વ્યક્તિનાં મોત
ADVERTISEMENT
અફઘાનિસ્તાનમાં અસામાન્ય ભારે વરસાદને કારણે અચાનક આવેલાં પૂરથી આશરે ૩૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૦૦૦થી વધુ ઘર નાશ પામ્યાં હતાં. આ પહેલાં એપ્રિલમાં આવેલાં પૂરને કારણે ૭૦ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને ૨૦૦૦ જેટલાં ઘરોને નુકસાન પહોંચ્યું હતું.

