કાંદાના ટેકાના ભાવ ૧૫.૮૦ રૂપિયે પ્રતિ કિલો, કાંદાની નિકાસ પર મુકાયેલો પ્રતિબંધ દૂર કરવાનું પણ કેન્દ્ર સરકારનું આશ્વાસન
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓ વિશે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.
કાંદા અને શેરડીની નિકાસ વિશે આગામી ૧૦ દિવસમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન કેન્દ્ર સરકારે આપ્યું હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહલાદ જોશીને મળ્યા બાદ જણાવ્યું હતું. ખેડૂતોની સમસ્યા વિશે ચર્ચા કરવા માટે બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવાર કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ તેમ જ અન્ય કેન્દ્રીય પ્રધાનોને મળ્યાં હતાં અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. ૪૫ મિનિટ ચાલેલી આ બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય પ્રધાનો સાથે થયેલી ચર્ચા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કાંદાની નિકાસ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે અને આગામી ૧૦ દિવસમાં જ આ વિશે નિર્ણય લેવાશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાંદાની નિકાસના મુદ્દે તેમ જ શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની સમસ્યાને લઈને વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. જોકે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા માટે સકારાત્મક વલણ દાખવ્યું હોવાનું સુનેત્રા પવારે જણાવ્યું હતું.
હાઈ લેવલની મીટિંગનાં તારણો
નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (NAFED) અને નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF)એ બે લાખ ટનની જગ્યાએ ૧૦ લાખ ટન કાંદાની ખરીદી કરાય એવી માગણી કરી હતી.
હાલ મહારાષ્ટ્ર સરકાર ૧૫૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કાંદા ખરીદી કરે છે એ વધારીને ૩૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવાની માગણી ખેડૂતોની છે.
સરકારે ખેડૂતો પાસેથી ૧૫.૮૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે કાંદાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે.
ભવિષ્યમાં પણ MSP વધારવા વિશે કેન્દ્ર સરકાર વિચારશે એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત NAFED અને NCCF વેપારીઓ-બજારને બદલે ખેડૂતો પાસેથી ખરીદી કરે એ માગણી પણ કેન્દ્ર સરકારે સ્વીકારી હતી.
બેઠક દરમ્યાન ખેતીઉત્પાદનોના ગ્રેડિંગ અને કાંદાના બિયારણની નિકાસ પર સરચાર્જ વિશે પણ ચર્ચા થઈ હતી.
બે મહિનામાં એથનૉલનો ક્વોટા વધારવા બાબતે નિર્ણય લેવામાં આવશે.
આફૂસ કેરીની ખેતી કરતા ખેડૂતોને સામનો કરવો પડે છે એ સમસ્યાઓ વિશેનું મેમોરેન્ડમ પણ કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને આપવામાં આવ્યું હતું.
ચર્ચા સકારાત્મક રહી હોવાનું મુખ્ય પ્રધાનનું આશ્વાસન
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય પ્રધાનો સાથે થયેલી ચર્ચા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં સાકરનાં કારખાનાં, શેરડી-ઉત્પાદકો અને કાંદા-ઉત્પાદકોની સમસ્યાઓ તેમ જ કોકણના કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ વિશે સકારાત્મક ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા કાંદાની ખરીદી સહિતના મુદ્દે પણ બેઠક દરમ્યાન ચર્ચા થઈ હતી. મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) વધારવા, એથનૉલનો જથ્થો વધારવા, પોસાય એવા ભાવ માટેની સિસ્ટમ તૈયાર કરવા વિશે ચર્ચા થઈ હતી. આ સિવાય લોન રીસ્ટ્રક્ચરિંગ અને ઇન્ટરેસ્ટ સબવેન્શનના પૈસા આપવા વિશે પણ અમિત શાહ સાથે સકારાત્મક ચર્ચા થઈ હતી એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
દિવાળી પર કાંદાનો ભાવ ૭૦ રૂપિયા સુધી પહોંચવાની આશંકા : કમોસમી વરસાદ અને ગરમીથી ૮૦ ટકા સ્ટૉક ફેલ, સારી ગુણવત્તાનો માલ ૨૦ ટકા જ છે
મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં ટૂંક સમયમાં જ કાંદાની ભારે અછતનો અને ભાવવધારાનો સામનો કરવો પડી શકે છે. નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં કાંદા-બટાટાબજારના વેપારીઓએ ચેતવણી આપી છે કે પ્રતિકૂળ હવામાન, કમોસમી વરસાદ, અતિશય ગરમી અને નિકાસ પરના પ્રતિબંધોને કારણે કાંદાનો જથ્થો મોટા પાયે બગડી ગયો છે. આ નુકસાનને કારણે દિવાળીના તહેવારો દરમ્યાન કાંદાના છૂટક ભાવ ૭૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચે એવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ પાક નિષ્ફળ જતાં અને પૂરતા ભાવ ન મળતાં ખેડૂતો પણ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.
અત્યારે જથ્થાબંધ બજારમાં આવી રહેલા કાંદામાંથી આશરે ૮૦ ટકા સ્ટૉક નુકસાનીવાળો છે અને માત્ર ૨૦ ટકા માલ જ સારી ગુણવત્તાનો બચ્યો છે. APMC માર્કેટના વેપારી શ્યામ નરવાડેએ કહ્યું હતું કે ‘કાંદાના વાવેતરનો સમય હતો ત્યારે ભારે વરસાદે પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. હવે પડી રહેલી અતિશય ગરમીને કારણે વેરહાઉસમાં રાખેલા કાંદાની ગુણવત્તા અને આયુષ્ય પણ ઝડપથી ઘટી રહ્યાં છે.’
કાંદાના ભાવની આંકડાબાજી
જથ્થાબંધ બજારમાં પ્રીમિયમ ક્વૉલિટીના કાંદાનો ભાવ : દસથી ૧૫ રૂપિયા પ્રતિ કિલો
મીડિયમ ક્વૉલિટીના કાંદાનો ભાવ : પાંચથી ૮ રૂપિયા પ્રતિ કિલો
દિવાળીમાં અપેક્ષિત જથ્થાબંધ ભાવ : ૪૦થી ૫૦ રૂપિયા પ્રતિ કિલો
દિવાળીમાં છૂટક બજારમાં અપેક્ષિત ભાવ : ૬૦થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો.
ક્લાઇમેટ ચેન્જની પણ અસર
APMC માર્કેટના ડિરેક્ટર અશોક વાળુંજે આ સમગ્ર કટોકટી માટે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે ‘માર્કેટમાં આવી રહેલાં દર ૧૦૦ કન્ટેનરમાંથી આશરે ૮૦ કન્ટેનર જેટલા કાંદા બગડેલા નીકળે છે અને માંડ ૨૦ કન્ટેનરમાં સારો માલ હોય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને બચાવવા માટે સરકારે તાત્કાલિક દરમ્યાનગીરી કરવી જોઈએ અને શેરડીના પાકની જેમ કાંદાના ઉત્પાદકોને પણ ટેકાના ભાવનું રક્ષણ આપવું જોઈએ.’
