Central Railway Updates: કલ્યાણ-ઠાકુર્લી વચ્ચે પેન્ટાગ્રાફ તૂટતાં મધ્ય રેલવેમાં લોક ટ્રેન સેવાને અસર
ફાઇલ તસવીર
આજે બપોરે મધ્ય રેલવે (Central Railway)ની સેવા ખોરવાતા મુસાફરો પરેશાન થયાં હતા. મધ્ય રેલવેના કલ્યાણ (Kalyan) સ્ટેશન નજીક પેન્ટાગ્રાફ તૂટતાં મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train)ની સેવા ખોરવાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, મુંબઈથી કલ્યાણ સુધીની લોકલ સેવા ખોરવાઈ ગઈ છે. કલ્યાણ-ઠાકુર્લી (Thakurli) વચ્ચે ફાસ્ટ ટ્રેક પર દોડતી લોકલ ટ્રેનના પેન્ટાગ્રાફમાં ખરાબીના કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. રેલવે કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાસ્ટ ટ્રેક પરની તમામ ટ્રેનોને સ્લો ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
Pantograph of EMU local train entangled near Kalyan. Services affected. @mid_day pic.twitter.com/030JQBRYsu
— Rajendra B. Aklekar (@rajtoday) April 4, 2024
લોકલ પેન્ટાગ્રાફ તૂટવાને કારણે મધ્ય રેલવેના ટ્રાફિકને અસર થઈ છે. આ ઘટના કલ્યાણ ઠાકુર્લી રેલવે સ્ટેશનની વચ્ચે બની હતી. જેને કારણે મુંબઈથી કલ્યાણ અને કલ્યાણથી મુંબઈ તરફના ટ્રાફિકને અસર થઈ છે. મધ્ય રેલવેનો ટ્રાફિક અનિયમિત સમયપત્રક પર ચાલી રહ્યો છે. મુંબઈથી કર્જત (Karjat) અને કસારા (Kasara) તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. મુંબઈ જતી લોકલ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ આ ઘટના બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, પેન્ટોગ્રાફ એ ઇલેક્ટ્રિક ટ્રેનની છત પર એક ઉપકરણ છે જે ઓવરહેડ વાયરમાંથી વીજળી એકત્રિત કરે છે. પેન્ટોગ્રાફ ટ્રેનને પાવર સપ્લાય કરવા માટે મહત્વપૂર્ણ છે. પેન્ટોગ્રાફ સાથેની સમસ્યાઓ મુંબઈની લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ અને વિક્ષેપનું કારણ બની શકે છે. દાખલા તરીકે, જો પેન્ટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે ફસાઈ જાય, તો તે ટ્રેનને અટકાવી શકે છે.
અગાઉ ૨૯ માર્ચે પેન્ટોગ્રાફ તૂટવાથી પણ લોકલ ટ્રેન સેવા ખોરવાઈ હતી.
તે પહેલાં ૧૯ માર્ચે પશ્ચિમ રેલવે (Western Railway)ની સેવા ખોરવાઈ હતી. વેસ્ટર્ન રેલવેમાં વિરાર (Virar) રેલવે સ્ટેશન પાસે ૧૯ માર્ચે સાંજે પાંચ વાગ્યે સિગ્નલ સિસ્ટમ ખોટકાઈ હતી એને લીધે વસઈ (Vasai) અને વિરાર વચ્ચે ઉપનગરીય ટ્રેન સર્વિસ એક કલાક ખોરવાયેલી રહી હતી. વિરાર અને ચર્ચગેટ (Churchgate) જતી ટ્રેનો બંધ પડતાં મુંબઈથી ઘરે પાછા ફરી રહેલા સેંકડો પ્રવાસીઓની હાલત કફોડી બની હતી. ઘણા પ્રવાસીઓ રેલવે-ટ્રૅક પર ચાલીને ઘરે ગયા હતા. દરમ્યાન વિરાર-નાલાસોપારા (Nalasopara) અને વસઈ રેલવે-સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.
નોંધનીય છે કે, મુંબઈની લોકલ ટ્રેન મુંબઈગરાંની જીવાદોરી છે. લોક ટ્રેનના વાહનવ્યવહાર પર જરાક પણ અસર થાય તો તેની સીધી અસર મુંબઈગરાંઓ પર પડે છે. લોકલ ટ્રેન અટલે તો જાણે મુંબઈગરાંઓનું જીવન પણ થંભી જાય છે.