અનિલભાઈ અને પરિવારજનો ઘરે જ હતા : કુલ ૬ સ્થળોએ દરોડા : SBIએ નોંધાવેલી ફ્રૉડની ફરિયાદ પર થઈ કાર્યવાહી
કફ પરેડમાં આવેલા સી વિન્ડ બિલ્ડિંગમાં અનિલ અંબાણી રહે છે.
મની-લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પૂછપરછ કર્યાના થોડા દિવસો બાદ કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ગઈ કાલે રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) અને એના પ્રમોટર ડિરેક્ટર સાથે સંબંધિત ૬ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. CBIએ બૅન્ક-છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી કરી છે. અધિકારીઓ સવારે ૭ વાગ્યાની આસપાસ કફ પરેડમાં સી વિન્ડ સ્થિત અનિલ અંબાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યારથી શોધખોળ ચાલી રહી છે. અનિલ અંબાણી અને તેમનો પરિવાર ઘરે હાજર હતો.
અનિલ અંબાણી અને RCom વિરુદ્ધ SBIની ફરિયાદ પર CBI દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ બદલ નવો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં ૩૦૭૩ કરોડ રૂપિયાના ફ્રૉડની વાત છે.
SBIએ કરી હતી ફરિયાદ
ADVERTISEMENT
થોડા દિવસો પહેલાં SBIએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને ફ્રૉડ જાહેર કર્યાં હતાં. SBIનું કહેવું છે કે RComએ બૅન્કમાંથી લીધેલી ૩૧,૫૮૦ કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. એમાંથી લગભગ ૧૩,૬૬૭ કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા અને ૧૨,૬૯૨ કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એવો SBIનો આરોપ છે.
SBIએ ૨૪ જૂને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ને એની જાણ કરી હતી. કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ‘SBIએ આ મામલે CBIમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ઉપરાંત બૅન્કે અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરી છે, જે મુંબઈ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)માં પેન્ડિંગ છે.
રિલાયન્સ ગ્રુપમાં ખળભળાટ
CBIની કાર્યવાહીથી રિલાયન્સ ગ્રુપમાં ખળભળાટ મચી ગયો છે. તપાસ-એજન્સી આ કેસમાં સંપૂર્ણ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં નવા ખુલાસા થવાની અપેક્ષા છે. આ અગાઉ પાંચમી ઑગસ્ટે EDએ રિલાયન્સ ગ્રુપ (RAGA કંપનીઓ)ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીની નવી દિલ્હી સ્થિત મુખ્યાલયમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના બૅન્ક લોન કૌભાંડ સંદર્ભે પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં ED દ્વારા અનિલ અંબાણીને પૂછવામાં આવ્યું હતું કે શું લોન શેલ કંપનીઓને મોકલવામાં આવી હતી? શું પૈસા રાજકીય પક્ષોને આપવામાં આવ્યા હતા? અને શું તમે
કોઈ અધિકારીને લાંચ આપી હતી?
આ કેસ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીઓ સાથે સંબંધિત છે જેમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ કમ્યુનિકેશન્સનો સમાવેશ છે. આ કેસ ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન અનિલ અંબાણી સાથે સંકળાયેલી રિલાયન્સ ગ્રુપ કંપનીઓને યસ બૅન્ક દ્વારા આપવામાં આવેલી લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની લોન સાથે સંબંધિત છે. કંપનીએ આ લોન ચૂકવી નહોતી.


