મુલુંડમાં દેરાસર ગયેલા ગુજરાતી પરિવારના ઘરમાંથી રોકડ અને દાગીના મળી આઠ લાખ રૂપિયાની ચોરી

જ્યાં ચોરી થઇ છે તે રામ નિવાસ
મુલુંડમાં જૈન કમ્યુનિટીમાં સારું નામ ધરાવતા ગુજરાતી વેપારીનો પરિવાર દેરાસર ગયો હતો ત્યારે ચોરોએ ખાલી ઘરને ટાર્ગેટ બનાવીને દાગીના તથા રોકડ રૂપિયા મળી ૮ લાખ રૂપિયાની ચોરી કરી હતી. મુલુંડ પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે જૂના બિલ્ડિંગમાં સીસીટીવી કૅમેરા ન હોવાથી પોલીસ આસપાસ લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાની મદદથી તપાસ કરી રહી છે.
મુલુંડ-વેસ્ટમાં બાવાજીની ઝોંપડી પાસે આવેલા શ્રીરામ નિવાસ બિલ્ડિંગના બીજે માળે રહેતા અને લોખંડબજારના વેપારી ૫૪ વર્ષના તરુણ સલોતે કરેલી ફરિયાદ અનુસાર રોજિંદા ક્રમ અનુસાર તેઓ શનિવારે સવારે ઑફિસ જવા નીકળી ગયા હતા. એ પછી પત્ની અમી અને પુત્ર ઉત્સવ બપોરે એક વાગ્યે ઉત્સવે રાખેલા તપ માટે ઝવેર રોડ પરના દેરાસર જવા નીકળ્યાં હતાં. તપ પૂરું થયા પછી બન્ને બપોરે ૩ વાગ્યે ઘરે પાછાં ફરતાં ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. અંદર જઈને જોતાં તમામ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. એ પછી બેડરૂમમાં તપાસ કરતાં લૉકરમાં રાખેલા તમામ દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મુલુંડ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
તરુણ સલોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોજિંદા ક્રમ અનુસાર હું ઑફિસ જવા ઘરેથી નીકળી ગયો હતો. મારા પુત્રએ રાખેલા તપ માટે પત્ની અને પુત્ર બન્ને દેરાસર ગયાં હતાં, ત્યાંથી તેઓ પાછાં ફરતાં ઘરે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ઘરમાં રાખેલા દાગીના અને રોકડ સહિત આશરે આઠથી નવ લાખ રૂપિયાની ચોરી થઈ છે.’
મુલુંડના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથંબીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ અમે નોંધી તપાસ હાથ ધરી છે. જોકે ચોરી થઈ એ બિલ્ડિંગમાં સીસીટીવી કૅમેરા ન હોવાથી અમે આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાના આધારે તપાસ કરી રહ્યા છીએ.’