બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ભારત ડાયમન્ડ બુર્સની સામેની ૪.૮ હેક્ટર જમીન પર આ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે ૬૦૦૦ મજૂરો કામ કરશે અને એને માટે ૩૬૮૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની શક્યતા છે

ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાઈ સ્પીડ રેલ એટલે કે મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનું સપનું આગળ વધી રહ્યું છે. મુંબઈમાં જ્યાંથી બુલેટ ટ્રેનની શરૂઆત થવાની છે એ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મંગળવારે હાઈ સ્પીડ રેલના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મુંબઈ-અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા માટે સોમવારે મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા અહીંના કેટલાક રસ્તાઓ પરના વાહનવ્યવહારને જૂન ૨૦૨૪ સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી) સહિતના બિઝનેસ સેન્ટરોમાં જવા-આવવા માટેના કેટલાક માર્ગને ડાઇવર્ટ કરવામાં આવ્યા બાદ મંગળવારે બીડીબી સામેની ૪.૮ હેક્ટર જમીનમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં હાઈ સ્પીડ રેલના પહેલવહેલા અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એજન્સીએ આપેલી માહિતી મુજબ બીકેસીના આ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે ૬૦૦૦ મજૂરો કામ કરશે અને અહીંથી ૧૮ લાખ ક્યુબિક મીટર માટી બહાર કાઢવામાં આવશે. આ સ્ટેશન બનાવવા માટે ૩૬૮૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની શક્યતા છે.
પાંચ વર્ષ એટલે કે માર્ચ ૨૦૨૮ સુધીમાં આ સ્ટેશન તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીકેસીના આ સ્ટેશન ઉપરાંત મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનાં સ્ટેશનો તૈયાર થઈ ગયા બાદ માત્ર ૨ કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ-પ્રોજેક્ટ માટે ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, જેના માટે જપાને લાંબા ગાળાની લોન આપી છે.
આ કામ માટે બાંદરા રેલવે સ્ટેશન કે કુર્લાથી બીકેસી જવા માટેના કેટલાક રસ્તાઓને ડાઇવર્ટ કરવામાં આવ્યા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ભારત ડાયમન્ડ બુર્સમાં દરરોજ ૫૦,૦૦૦ લોકો કામકાજ અર્થે જાય છે. તેમની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.