SRA પ્રોજેક્ટ માટે હાઈ કોર્ટે કહ્યું કે પાત્રતા નક્કી થવાની રાહ જોવાની જરૂર નથી
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) પ્રોજેક્ટ્સ અને રીડેવલપમેન્ટના કિસ્સામાં જણાવ્યું છે કે પ્રાઇવેટ ડેવલપરે સ્ટ્રક્ચરના રહેવાસીઓને જે દિવસથી મકાન તોડી પાડવામાં આવ્યું હોય (ડિમોલિશન) એ તારીખથી જ ટ્રાન્ઝિટ રેન્ટ (ભાડું) ચૂકવવાનું રહેશે. આ માટે રહેવાસીની પાત્રતા નક્કી થવાની તારીખની રાહ જોવાની જરૂર નથી.
ભાડાના મુદ્દે દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓની સુનાવણી દરમ્યાન કોર્ટે આદેશ આપ્યો હતો કે જો અરજીકર્તાઓને ડિમોલિશનની તારીખથી ભાડું ન મળ્યું હોય તો ડેવલપરે આગામી ૪ મહિનામાં એની ચુકવણી કરવી પડશે. જો ભાડા સંબંધિત કોઈ વિવાદ હોય તો એના ઉકેલ માટે રચાયેલા SRAના સ્પેશ્યલ સેલનો સંપર્ક કરવા જણાવાયું છે.
ADVERTISEMENT
સુનાવણી દરમ્યાન ડેવલપરના વકીલે દલીલ કરી હતી કે ડિમોલિશનની તારીખથી ભાડું આપવાના SRAના સર્ક્યુલરને પડકારવામાં આવ્યો છે. આ મામલો બાંદરા અને પશ્ચિમ ઉપનગરોમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે.
