બંગલાદેશી ઘૂસણખોરના દાવાને ફગાવીને આવું કહ્યું બૉમ્બે હાઈ કોર્ટે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવેલા બંગલાદેશી બાબુ અબ્દુલ રઉફના જામીન ફગાવતાં બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે માત્ર આધાર કાર્ડ, પૅન કાર્ડ, અને વોટર કાર્ડ મેળવી લેવાથી કંઈ ભારતીય નાગરિક બની નથી જવાતું.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અમિત બોરકરે આ વિશે કહ્યું હતું કે ‘સિટિઝનશિપ ઍક્ટ હેઠળ ભારતીય નાગરિકતા માટે શું જોગવાઈઓ છે, કયા દસ્તાવેજો હોવા જોઈએ એ એમાં જણાવાયું છે. આધાર કાર્ડ, પૅન કાર્ડ કે પછી વોટર કાર્ડ એ માત્ર આઇડેન્ટિટી કાર્ડ હોય અને એથી સુવિધા મળી શકે, પણ એ મળવાથી તમે ભારતીય નાગરિક નથી બની જતા.’
ADVERTISEMENT
બાબુ અબ્દુલ રઉફ ખોટા દસ્તાવેજો બનાવીને બંગલાદેશથી ભારત આવ્યો હતો. ત્યાર બાદ તેણે ખોટા દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ, પૅન કાર્ડ અને વોટર બનાવડાવી લીધાં હતાં. જસ્ટિસ બરકરે કહ્યું હતું કે ‘૧૯૫૫માં સંસદે સિટિઝનશિપ ઍક્ટ બનાવ્યો છે જે નાગરિકતા મેળવવાની સંપૂર્ણ સિસ્ટમ દર્શાવે છે. મારા મતે આ ઍક્ટ જ કોણ ભારતીય નાગરિક છે, કેવી રીતે ભારતીય નાગરિકતા મેળવી શકાય અને કયા સંજોગામાં એ ખોઈ દેવામાં આવે એ બાબતને નિયંત્રિત કરતો મુખ્ય કાયદો છે.’


