૧૫ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના કેસના આરોપીને બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપીને કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
૧૫ વર્ષની છોકરી પર બળાત્કારના કેસમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ કાયદા હેઠળ પકડાયેલા બાવીસ વર્ષના યુવાનને બૉમ્બે હાઈ કોર્ટે ગયા અઠવાડિયે જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે છોકરીને પૂરતી જાણ હતી કે તે શું કરી રહી છે, તે આ યુવાન સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને તેની સાથે સ્વેચ્છાએ સંબંધ બાંધ્યો હતો, વળી આ છોકરીના પરિવારને યુવાન સાથેના સંબંધની જાણકારી હતી.
આ કેસમાં જસ્ટિસ મિલિંદ એન. જાધવની સિંગલ જજની બેન્ચે આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે એક યુવાનને ૩ વર્ષ ૧૧ મહિના માટે જેલમાં રાખવામાં આવ્યો હતો અને નજીકના ભવિષ્યમાં તેની સામે ટ્રાયલ શરૂ થવાની કે સમાપ્ત થવાની કોઈ શક્યતા દેખાતી નથી તેથી તે જામીન પર મુક્ત થવાને પાત્ર છે.
ADVERTISEMENT
૨૦૨૦માં ઘરેથી નાસી ગયાં
આરોપી યુવાન અને પીડિતા છોકરી એકબીજાને ઓળખે છે અને ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં તેઓ નવી મુંબઈના ઘરેથી નાસી ગયાં હતાં. છોકરીને લઈને આરોપી તેના ઉત્તર પ્રદેશના ગામમાં જતો રહ્યો હતો.
છોકરી ગર્ભવતી થઈ
આરોપી અને છોકરી ઉત્તર પ્રદેશમાં સાથે રહેતાં હતાં. ૨૦૨૧ના મે મહિનામાં છોકરીએ તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે છોકરો લગ્ન કરવાની ના પાડે છે અને તે ગર્ભવતી છે. આથી છોકરીના પિતા તેને ઉત્તર પ્રદેશથી નવી મુંબઈ લાવ્યા હતા અને યુવાન સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. છોકરી ગર્ભવતી થઈ ત્યારે તેની ઉંમર ૧૫ વર્ષ ત્રણ મહિના હતી. આથી આરોપી સામે POCSO ઍક્ટ હેઠળ કેસ નોંધાયો હતો.
છોકરીએ નિવેદનમાં શું કહ્યું હતું?
આ છોકરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું આરોપીને ૨૦૧૯થી ઓળખું છું. એ જ વર્ષે તેણે પ્રેમ વિશેની લાગણી વ્યક્ત કરી હતી. મેં જવાબ હામાં આપ્યો પછી અમે નિયમિત મળતાં હતાં, પણ મારાં માતા-પિતાને એ મંજૂર નહોતું. ૨૦૨૦ના માર્ચ મહિનામાં તેણે મારી સાથે બળજબરીથી જાતીય સંબંધો બાંધ્યા હતા.’
જોકે કોવિડ-19ને કારણે તે ગામ જતો રહ્યો હતો. બાદમાં જુલાઈ ૨૦૨૦માં મહારાષ્ટ્ર બહારના તેમના રોકાણ વખતે જે શારીરિક સંબંધો બંધાયા એને કારણે તે ગર્ભવતી થઈ હતી.
આરોપીનો બચાવ
આરોપી વતી ઍડ્વોકેટ મતીન કુરેશીએ દલીલ કરી હતી કે છોકરી તેની મરજીથી મે ૨૦૨૧થી ૧૦ મહિના સુધી તેની સાથે રહી હતી અને ત્યારે તેણે બળજબરીનો આરોપ મૂક્યો નહોતો. છોકરી ક્યાં છે એની જાણ તેના પિતાને હોવા છતાં તેમણે તેની કસ્ટડી મેળવવા કોઈ પગલાં લીધાં નહોતાં. આથી ફરિયાદ પક્ષનો કેસ ખૂબ જ શંકાસ્પદ બન્યો હતો. વળી આરોપી લાંબા સમયથી કેદમાં છે તેથી તે જામીન પર મુક્ત થવાને પાત્ર છે.

