એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ડૉક્ટર પ્રોવાઇડ કરતા ટ્રસ્ટ પર પાલિકા અને પોલીસ પ્રશાસન મહેરબાન હોવાનો થયો આક્ષેપ : ટ્રસ્ટ પર બોગસ ડૉક્ટરો દ્વારા ઇલાજ થતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે
મુલુંડની એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલ
મુલુંડમાં પાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં આઇસીયુ વૉર્ડમાં ડૉક્ટર પ્રોવાઇડ કરતા ટ્રસ્ટ સામે હત્યા સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ મુલુંડ પોલીસે ફરિયાદ નોંધી છે. ટ્રસ્ટ પર બોગસ ડૉક્ટરો દ્વારા ઇલાજ થતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. જોકે આટલા ગંભીર આરોપ થયા હોવા છતાં હાલમાં આ ટ્રસ્ટ દ્વારા આવેલા ડૉક્ટરો નાગરિકોના ઇલાજ કરી રહ્યા છે.
બીજી તરફ પોલીસની આ કેસમાં ગોકળગાય ગતિએ કાર્યવાહી થતી હોવાનું જાણવા મળ્યું છે. જો વધુ લોકોના જીવ આવા ડૉક્ટરોને કારણે જશે તો એના માટે જવાબદાર કોણ?
ADVERTISEMENT
મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક પાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ૧૦ બેડ પર આવતા દરદીઓનો ઇલાજ જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલા ડૉક્ટરો કરે છે. આ ટ્રસ્ટ સામે ૧૧ મેએ ગોલ્ડી શર્માએ હત્યા સહિત બોગસ ડૉક્ટરો અહીં સેવા પૂરી પાડતા હોવાનો આરોપ કરીને મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદ સામે પોલીસ તરફથી હાલમાં કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં નથી આવી. આટલો ગંભીર આરોપ હોવા છતાં અત્યારે આ ટ્રસ્ટ દ્વારા આવતા ડૉક્ટરો જ દરદીના ઇલાજ કરી રહ્યા છે.
મુંબઈ પાલિકા હૉસ્પિટલનાં સિનિયર ડૉક્ટર અને ડીન વિદ્યા ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટનો ગયા વર્ષના અંતે ફરી બે વર્ષ માટે કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવામાં આવ્યો છે. અહીંના આઇસીયુ વૉર્ડમાં એમબીબીએસ અને એની ઉપરની ડિગ્રી ધરાવતા ડૉક્ટરો દરદીઓનો ઇલાજ કરી રહ્યા છે. હાલમાં તેમની સામે થયેલી ફરિયાદ બાદ ટ્રસ્ટ તરફથી આવતા ડૉક્ટરોના ડૉક્યુમેન્ટ્સ તપાસ્યા બાદ જ તેમને દરદીના ઇલાજ માટે પરમિશન અપાઈ રહી છે. સ્થાનિક પોલીસ સાથે અમારું કો-ઑર્ડિનેશન ચાલી રહ્યું છે. તેમને જોઈતી માહિતી અમે તેમને પ્રોવાઇડ કરી રહ્યા છીએ.’
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે ટ્રસ્ટ સામે હત્યા સહિતના વિવિધ ગંભીર આરોપ છે તો તેમને ટર્મિનેટ કરવાની કોઈ પ્રોસીજર થઈ રહી છે કે નહીં? એનો જવાબ આપતાં તેમણે કહ્યું કે ‘હાલમાં અમારા તરફથી આવી કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ નથી. હા, તેમના તરફથી આવતા ડૉક્ટરો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.’
એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં પહેલા માળે આવેલા આઇસીયુ વૉર્ડનો દરવાજો
મુલુંડના પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) ભૂષણ ડાયમાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જે ડૉક્ટરો પર આરોપ મૂકવામાં આવ્યા છે તેમને અમારા તરફથી નોટિસ આપીને સ્ટેટમેન્ટ નોંધાવવા બોલાવવામાં આવ્યા છે. આઇસીયુ વૉર્ડમાં જેમનાં મૃત્યુ થયાં છે તેમના રિપોર્ટકાર્ડ એટલે કે તેમના પર શું ઇલાજ કર્યો હતો અને કોના કહેવાથી તેમનો ઇલાજ કર્યો હતો એની માહિતી અમે પાલિકા હૉસ્પિટલ પાસેથી માગી છે.’

