આ વર્ષે પાણી ઉલેચવા પંપ નહીં બેસાડવામાં આવે : મોગરાનાળાને પહોળું કરવાની યોજના ત્રણ વર્ષમાં પૂરી થશે
અંધેરી સબવે
દર વર્ષે ચોમાસામાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જાય છે એ સબવે પાસે આવેલા સિવેજને લીધે ભરાય છે. વળી અંધેરી સબવેનો આકાર રકાબી જેવો હોવાથી ચારેબાજુથી પાણી આવતાં અહીં જળબંબાકાર થાય છે. જોકે આ સમસ્યાના ઉકેલ માટે સુધરાઈ આ વખતે આ ડ્રેનેજને પહોળું કરવાનો પ્લાન કરી રહી છે, પણ જગ્યાની અછત મુખ્ય પડકાર છે. હાલની સિવેજ ડ્રેનેજને પહોળું કરવામાં આવ્યા બાદ પણ ડ્રેનેજની ક્ષમતા વધશે કે નહીં એ સવાલ છે એટલે આ વખતે પણ અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમ રહી શકે એમ છે. ગયા વર્ષે ૨૧ વાર અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં, આ વખતે ૩૦ વાર પાણી ભરાય એવી શક્યતા છે. સુધરાઈ આ વખતે આ વિસ્તારમાં હાઈ-કૅપેસિટી પમ્પ નથી લગાવવાની, કારણ કે ગયા વર્ષે એનો કોઈ ઉપયોગ થયો નહોતો.
આ વર્ષે હજી ભારે વરસાદ થયો નથી એ છતાં બે વાર પાણી ભરાઈ ગયાં હતાં. સુધરાઈના અધિકારીઓનું કહેવું છે કે આ સબવે રકાબી જેવો છે એટલે ચારે બાજુએથી પાણી વચ્ચે જમા થાય છે. મોગરાનાળાને પહોળું કરવાની શક્યતા નથી, કારણ કે એ નાળાની બન્ને તરફના વિસ્તારમાં અતિક્રમણ થયું છે.
ADVERTISEMENT
ડ્રેનેજની લાઇનને પહોળી કરવા માટે સુધરાઈએ અંધેરી-વેસ્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરી છે, પણ આ કામને કમસે કમ ત્રણ વર્ષ લાગવાની શક્યતા છે. સુધરાઈ હવે મોગરાનાળાની બાજુમાં સમાંતર રીતે બીજી ડ્રેનેજ લાઇન નાખવાની છે.
ક્યાં લાવી શકાયો છે ઉકેલ?
સુધરાઈએ પરેલમાં હિન્દમાતા, કિંગ્સ સર્કલમાં ગાંધી માર્કેટ અને સાંતાક્રુઝમાં મિલન સબવેમાં ભરાતાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. આ માટે વૉટર સ્ટોરેજ ટૅન્કનું નિર્માણ, ડ્રેનેજ નેટવર્કમાં સુધારો અને હાઈ કૅપેસિટી પમ્પનો સહારો લેવામાં આવ્યો છે. જોકે અંધેરી સબવેમાં આવી રીતે ઉકેલ લાવવો મુશ્કેલ લાગે છે. હાલમાં આ સબવે ખુલ્લો છે કે નહીં એની જાણકારી આપતાં ડિજિટલ સાઇન બોર્ડ અંધેરી-ઈસ્ટમાં લગાવવામાં આવ્યાં છે જેથી મોટરિસ્ટોને આ માર્ગે જવું કે નહીં એની જાણ થાય.