ખાડાઓ માટે ૧૩ એન્જિનિયરોને નોટિસ આપવામાં આવી હતી એનું રીઍક્શન
ખાડા
મુંબઈના રસ્તાઓ પર ખાડા દેખાશે તો કૉન્ટ્રૅક્ટરોને નહીં, એન્જિનિયરોને પકડવામાં આવશે એવી ચેતવણી સુધરાઈ કમિશનરે આપી હતી. શહેર અને ઉપનગરોના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય દેખાતાં સુધરાઈએ ૧૩ એન્જિનિયરોને નોટિસ ફટકારી હતી, પણ હવે એન્જિનિયરોનું અસોસિએશન મેદાનમાં આવ્યું છે. ધ અસોસિએશન ઑફ મુંબઈ સિવિક એન્જિનિયર્સે સુધરાઈને એન્જિનિયરો સામે નહીં પણ કૉન્ટ્રૅક્ટર્સ સામે પગલાં લેવા જણાવ્યું છે.
મુંબઈમાં રસ્તાઓ પર ૯૦૫૭ ખાડા નોંધાયા હતા જે પૈકી ૮૭૯૧ ખાડા પૂરવામાં આવ્યા છે. ખાડાના મુદ્દે મુંબઈ સુધરાઈના એન્જિનિયરોના યુનિયનના પ્રમુખ સાંઈનાથ રાજાધ્યક્ષે જણાવ્યું હતું કે ‘સુધરાઈ પ્રશાસને ૧૩ એન્જિનિયરોને નોટિસ ફટકારી છે, પણ અધિકારીઓએ ગ્રાઉન્ડ લેવલની હકીકત સમજવાની જરૂર છે. કૉન્ટ્રૅક્ટરો ખાડા પૂરવા માટે યોગ્ય પ્રમાણમાં મટીરિયલ અને લેબર ફોર્સ આપતા નથી. ભારે વરસાદના કારણે ખાડા પૂરવાનું લગભગ અશક્ય હતું. બીજા માળખાકીય પ્રોજેક્ટનાં કામ પણ ચાલી રહ્યાં છે જેના પણ રસ્તાઓ પર ખાડા પડે છે અને સુધરાઈ એ ખાડા પણ પૂરી રહી છે. અમારા એન્જિનિયરો રોજ ૧૮ કલાક કામ કરે છે, વીક-એન્ડમાં પણ તેઓ કામ પર હાજર હોય છે. અમે સુધરાઈના કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખ્યો છે અને હાલમાં થયેલી વિવિધ કાર્યવાહી પર અમારી ચિંતા વ્યક્ત કરી છે. આવી નોટિસો આપીને એન્જિનિયરોને હતોત્સાહિત કરવાની જરૂર નથી એમ પણ અમે જણાવ્યું છે. આ મુદ્દે બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરવા પણ અમે મીટિંગ ગોઠવવાની માગણી કરી છે.’

