મુલુંડમાં એક જ ઘરમાં રહેતાં પતિ-પત્ની છે અલગ-અલગ વૉર્ડનાં મતદાર : વૉર્ડ-નંબર ૧૦૪માં આવતા લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સના ૬૧૪ જણનાં નામ વૉર્ડ-નંબર ૧૦૩ની મતદારયાદીમાં નોંધાયેલાં છે
મુલુંડનું લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સ, જે વૉર્ડ-નંબર ૧૦૪ અંતર્ગત આવે છે
મુલુંડના ૧૦૪ નંબરના વૉર્ડમાં આવેલા લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સમાં રહેતા અનેક રહેવાસીઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટેના વોટર્સ-લિસ્ટમાં ગરબડ હોવાનો દાવો કર્યો છે. આ સોસાયટીના ૬૧૪ રહેવાસીઓનાં નામ ૧૦૩ નંબરના વૉર્ડના LBS રોડ પર આવેલા BEST સ્ટાફ ક્વૉર્ટર્સમાં નોંધાયેલાં હોવાનું જાણવા મળ્યું છે. એક સોસાયટીમાં એક જ ફ્લોર પર રહેતાં અને એક કિસ્સામાં તો એક જ ઘરમાં રહેતાં હસબન્ડ-વાઇફનાં નામ પણ બે જુદા-જુદા વૉર્ડમાં મતદાર તરીકે નોંધાયેલાં હોવાની ફરિયાદ રહેવાસીઓએ કરી છે.
વોટર્સ-લિસ્ટની આ ગરબડમાં સૌથી રોચક બાબત સોસાયટીમાં રહેતા પવાણી દંપતીના નામમાં જોવા મળી છે. પ્રિયંકા અને વિપુલ પવાણી બન્નેની ઉંમર પચાસ વર્ષ છે. હવે લગ્નનાં આટલાં વરસોમાં પહેલી વાર પતિ-પત્ની અલગ-અલગ વૉર્ડમાં મતદાન કરવાનાં છે. પ્રિયંકા પવાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મારું નામ વૉર્ડ ૧૦૩ના વોટર્સ-લિસ્ટમાં નોંધાયેલું છે, જ્યારે મારા હસબન્ડનું નામ સાચા લિસ્ટમાં એટલે કે વૉર્ડ ૧૦૪માં છે.
ADVERTISEMENT
શું કહે છે અન્ય રહેવાસીઓ?
લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સમાં રહેતાં ૪૪ વર્ષનાં લલિતા સોનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ૨૦ વર્ષથી અહીં રહું છું અને અનેક ચૂંટણીઓમાં આ સોસાયટીના મતદાર તરીકે મેં વોટિંગ કર્યું છે. આવું કન્ફ્યુઝન કેવી રીતે સર્જાયું એ સમજાતું નથી. વોટર્સ-લિસ્ટમાં મારું નામ વૉર્ડ ૧૦૪માં હોવું જોઈએ, પણ ૧૦૩માં બતાવે છે.’
અન્ય એક રહેવાસી મૂળરાજ ગણાત્રાએ કહ્યું હતું કે એ કેવી રીતે શક્ય બને કે એક જ સોસાયટીમાં રહેતા અડધા લોકો અલગ વૉર્ડમાં મતદાર હોય અને અડધા લોકો બીજા વૉર્ડમાં?
અપક્ષ ઉમેદવારે નોંધાવી ફરિયાદ
વૉર્ડ-નંબર ૧૦૩ના ઇન્ડિપેન્ડન્ટ કૅન્ડિડેટ સમીર પાટીલે આ વિશે ઇલેક્શન કમિશનમાં અને ઍડ્મિનિસ્ટ્રેશન વૉર્ડ-ઑફિસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દાવો કર્યો હતો કે ઇલેક્શનમાં તો ૧૦ વોટ પણ બાજી પલટી નાખી શકે છે ત્યારે ૬૧૪ મતદારોનાં નામ ખોટી જગ્યાએ ન ચાલી શકે.
નોંધનીય છે કે ૧૦૪ અને ૧૦૩ બન્ને વૉર્ડ BMCના T વૉર્ડની અંદર પડે છે. વૉર્ડ ૧૦૪માં ૫૩,૩૪૩ મતદારો રજિસ્ટર્ડ છે, જ્યારે વૉર્ડ ૧૦૩માં ૪૮,૦૫૫ વોટર્સ છે. BMCના એક અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે ‘મતદારયાદીમાં નામ કે ઍડ્રેસમાં ભૂલો હોય તો એ સુધારવા માટે સમય આપવામાં આવ્યો હતો એ પૂરો થઈ ગયો છે. અત્યારે તો વોટર ઇન્ફર્મેશન સ્લિપ્સની વહેંચણી કરવાની પ્રોસેસ ચાલી રહી છે.’
- ઈશાનપ્રિયા એમ. એસ.


