Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીએમસીના બાવન હજાર કરોડ રૂપિયાના બજેટમાં રાજ્ય સરકારની છાપ દેખાઈ

બીએમસીના બાવન હજાર કરોડ રૂપિયાના બજેટમાં રાજ્ય સરકારની છાપ દેખાઈ

05 February, 2023 08:00 AM IST | Mumbai
Prakash Bambhrolia

કુલ બજેટના પચાસ ટકા રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોસ્ટલ રોડ, એસટીપી, સિમેન્ટના રસ્તા, પાણી અને સિવરેજ ટનલ, મીઠી નદી સહિતની નદીઓના કાયાકલ્પ, આશ્રય યોજના અને હૉસ્પિટલના ડેવલપમેન્ટનાં કામ માટે ફાળવવામાં આવ્યા

મુંબઈ બીએમસીનું બજેટ રજૂ કરતા મુંબઈના કમિશનર-કમ-ઍડ્‍મિનિસ્ટ્રેટર ઇકબાલસિંહ ચહલ અને તેમની ટીમ.   સૈયદ સમીર અબેદી

BMC Budget

મુંબઈ બીએમસીનું બજેટ રજૂ કરતા મુંબઈના કમિશનર-કમ-ઍડ્‍મિનિસ્ટ્રેટર ઇકબાલસિંહ ચહલ અને તેમની ટીમ.   સૈયદ સમીર અબેદી



મુંબઈ ઃ ભારતની સૌથી શ્રીમંત મુંબઈ મહાનગરપાલિકાનું ગઈ કાલે ૨૦૨૩-’૨૪નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પહેલી વખત ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમના પ્રસ્તાવ રજૂ કરાયા હતા. ગયા વર્ષની તુલનામાં આ વખતના બજેટમાં ૧૪.૫ ટકાના વધારા સાથે ૫૨,૬૧૯.૦૭ કરોડ રૂપિયાનું બજેટ સુધરાઈના કમિશનર અને પ્રશાસક ડૉ. ઇકબાલ સિંહ ચહલે રજૂ કર્યું હતું. આ બજેટમાં પચાસ ટકા એટલે કે ૨૭,૨૪૭.૮૦ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોસ્ટલ રોડ, એસટીપી, સિમેન્ટના રસ્તા, પાણી અને સિવરેજ ટનલ, મીઠી નદી સહિતની નદીઓના કાયાકલ્પ, આશ્રય યોજના અને હૉસ્પિટલ ડેવલપમેન્ટ તથા બીએમસીના કામકાજમાં સુધારો કરવાના કામ માટે ફાળવવામાં આવ્યા છે. આ પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે બીએમસીના આ વખતના બજેટમાં રાજ્ય સરકારની છાપ છે. ખુદ કમિશનરે તેમની બજેટની સ્પીચમાં પાંચથી છ વખત મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના નિર્દેશથી અમુક યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું કહ્યું હતું.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઍર પૉલ્યુશન ઓછું કરવા માટેની યોજના બજેટમાં સામેલ કરવાનો નિર્દેશ કર્યો હોવાથી આ બાબતની મહત્ત્વની યોજના જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, નવા કોઈ ટૅક્સ નથી નખાયા અને કોવિડને લીધે લોકોની આર્થિક સ્થિતિને અસર પહોંચી હોવાથી પાંચસો ચોરસ ફીટના મકાન પરના પ્રૉપર્ટી ટૅક્સની રાહત વધુ એક વર્ષ લંબાવવામાં 
આવી છે.



મુંબઈમાં અવારનવાર આગ લાગવાની ઘટના બને છે એને ધ્યાનમાં રાખીને બજેટમાં આગ ઓલવવા માટેની યંત્રણામાં સુધારો કરવાની જરૂર હતી એ નથી કરાઈ. અગાઉના બજેટની જેમ આ વખતે કુલ બજેટના અડધા ટકા કરતાં પણ ઓછી એટલે કે માત્ર ૨૨૭.૦૭ કરોડ રૂપિયા ફાયર સંબંધિત યંત્રણા માટે ફાળવાયા છે. ગયા વર્ષે ૩૦૦ કરોડ ફાળવાયા હતા એમાં આ વખતે મુખ્ય બજેટ ૧૪.૫ ટકા વધ્યું હોવા છતાં ફાયર બ્રિગેડનું બજેટ ઘટાડવામાં આવ્યું છે.
મુંબઈ બીએમસીના કમિશનર અને પ્રશાસક ડૉ. ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહાનગર મુંબઈના વર્ષોથી પેન્ડિંગ રહેલા મહત્ત્વના પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. એ સિવાય દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાય છે એનો કાયમી ઉકેલ લાવવા માટે બજેટમાં ૨,૭૯૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સુધરાઈનો દાવો છે કે નાળાંની સફાઈ અને નદીમાંથી માટી કાઢવાની સાથે વરસાદના પાણીના નિકાલ માટેનાં કામ પૂરાં થઈ ગયા બાદ મુંબઈમાં ચોમાસામાં કોઈ જગ્યાએ પાણી નહીં ભરાય. જો આ દાવો યોગ્ય ઠરશે તો આગામી ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને રાહત મળશે.


કાયાકલ્પ માટે ૨૭,૨૪૭.૮૦ કરોડ
મુંબઈગરાઓને બહેતર સુવિધા અને ક્વૉલિટી લાઇફ મળે એ માટે ૨૦૨૩-’૨૪ના બજેટમાં માતબર કહી શકાય એટલા ૨૭,૨૪૭.૮૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈની ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ચાલી રહેલા કોસ્ટલ રોડ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટને ગતિ આપવા માટે અનુક્રમે ૩,૫૪૫ કરોડ અને ૧,૦૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. સત્તર વર્ષથી સતત અવગણના કરાઈ છે એ પાણીને પ્રોસેસ કરવા માટે સાત એસટીપી પ્લાન્ટ બાંધવા, નદીઓની કાયાપલટ કરવી, હૉસ્પિટલોના ડેવલપમેન્ટ, આશ્રય વગેરે યોજના તેમ જ બીએમસીના કામકાજમાં સુધારો કરવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.

સાંકડા રસ્તાઓમાં ફુટપાથ
મુંબઈ બીએમસીના કમિશનરે મુંબઈના તમામ નવ મીટર પહોળા રસ્તામાં ફુટપાથ બનાવવાની જાહેરાત કરી છે. એ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. સાંકડા રસ્તાની બંને બાજુએ ફુટપાથ બની જશે તો રાહદારીઓને ચાલવામાં સરળતા રહેશે. મુંબઈમાં પાર્કિંગની મોટી સમસ્યા છે એને ધ્યાનમાં રાખીને જુદા-જુદા સ્થળે મલ્ટિ-લેવલ પાર્કિંગ બનાવવા માટે બજેટમાં ૨૮૨૫.૦૬ કરોડ રૂપિયા ફાળવાયા છે. દાદરના ટિળક પુલ, રે રોડના રેલવે પુલ અને ભાયખલા પૂર્વના પુલને ફરીથી બાંધવા માટે બજેટમાં ૨૧૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. 


પહેલી વખત ખર્ચમાં ઘટાડો થયો
મુંબઈ બીએમસીમાં અત્યાર સુધી આવકની કુલ રકમમાંથી ૭૨ ટકા જેટલા રૂપિયાનો ખર્ચ પગારથી લઈને બીજા ખર્ચમાં વપરાતો હતો. ૨૦૨૦-’૨૧માં કુલ આવકમાંથી ૭૨ ટકા રૂપિયા ખર્ચમાં જતા હતા અને માત્ર ૨૮ ટકા રૂપિયા મહત્ત્વનાં વિકાસનાં કામ માટે બચતા હતા. ૨૨૦૧-’૨૧માં આ ટકાવારી ૬૫ઃ૩૫ થઈ હતી. ૨૦૨૨-’૨૩માં ૫૨ઃ૪૮ રહી હતી અને ૨૦૨૩-’૨૪ના બજેટમાં પહેલી વખત ૪૮ ટકા ખર્ચ સામે બાવન ટકા રકમ મહત્ત્વનાં કામ માટે બચશે.

ઍર પૉલ્યુશન પર નિયંત્રણનો પ્લાન
છેલ્લા બે મહિનાથી મુંબઈમાં હવાનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ બીએમસીને આ બાબતે યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આથી બીએમસીના બજેટમાં ઍર પૉલ્યુશનમાં ઘટાડો કરવા માટેનો ત્રિસૂત્રીય પ્લાન બનાવવામાં આવ્યો છે. આમાં દરેક ક્ષેત્રમાં થતા હવાના પ્રદૂષણને રોકવું, શહેરમાં મલ્ટિ-લેવલ મૉનિટરિંગ કરવાની વ્યૂહરચના બનાવવી અને પ્લાનિંગનું વિકેન્દ્રીકરણ કરીને વ્યક્તિગત જોખમ ઓછું કરવા માટે સામૂહિક જાગૃતિ લાવવી. શહેરમાં સૌથી વધુ ઍર પૉલ્યુશન રોડ અને બાંધકામ, ટ્રાફિક જૅમ, ઇન્ડસ્ટ્રીઝ અને પાવર સેક્ટર તેમ જ નકામી વસ્તુઓને સળગાવવાથી થાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બીએમસીએ સાત તબક્કાની વ્યૂહરચના બનાવી છે. આ સિવાય દહિસર ટોલનાકા, મુલુંડ ચેકનાકા, માનખુર્દ, કલાનગર જંક્શન અને હાજી અલી જંક્શન જેવા સૌથી ગીચ ભાગોમાં પાંચ ઍર પ્યુરિફાયર મૂકવાની યોજના છે. મુંબઈમાં દોડતી તમામ ૩,૪૦૦ બસોને ઇલેક્ટ્રિકની કરવાનું પ્લાનિંગ છે, જેથી હવામાં કાર્બનનું પ્રમાણ ઓછું થાય. 

હાઇપરટેન્શન-ડાયાબિટીઝ
કમિશનર ઇકબાલ સિંહ ચહલની માહિતી મુજબ મુંબઈ બીએમસી દ્વારા મુંબઈમાં રહેતા ૧૫ વર્ષથી મોટી ઉંમરના યુવાનોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જણાયું છે કે ભારતમાં ૨૨ ટકા યુવાનો હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ ધરાવે છે. એની સામે મુંબઈમાં ૨૭.૩ ટકા યુવાનો આ બીમારીથી પીડિત છે. બીજા શબ્દોમાં કહીએ તો દર ચોથો યુવક દરરોજની હાડમારીને લીધે તાણનો ભોગ બન્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ સંબંધે ખાસ ધ્યાન આપીને યોજના બનાવવાનું કહ્યું છે. આથી બીએમસીએ મુંબઈકરો માટે આરોગ્યમ કુટુંબકમ પ્રોગ્રામ બનાવ્યો છે. એમાં આશા અને હેલ્થ વર્કરો મુંબઈના ૩૫ લાખ પંદરથી ૩૦ વર્ષથી મોટી વયના લોકોનું સ્ક્રીનિંગ કરીને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે - આપલા દવાખાના સાથે લિંક કરશે. લિંક કરાયા બાદ બીએમસીના દવાખાનામાં ફ્રીમાં સારવાર અપાશે. 

આરોગ્યમાં ૧૨ ટકા ફંડ ફાળવાયું
કોવિડ બાદ મુંબઈ બીએમસીએ કુલ બજેટના ૧૨ ટકા એટલે કે ૬,૩૦૯.૩૮ કરોડ રૂપિયા આરોગ્ય માટે ફાળવ્યા છે. આમાં ૧૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ભગવતી હૉસ્પિટલનું રીડેવલપમેન્ટ, ૯૫ કરોડના ખર્ચે એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલનું એક્સ્પાન્શન, ૭૫ કરોડના ખર્ચે કાંદિવલી-વેસ્ટમાં હૉસ્પિટલ બાંધવાનું, ૭૦ કરોડના ખર્ચે સાયન હૉસ્પિટલનું રીડેવલપમેન્ટ, ભાંડુપના ‘એસ’ વૉર્ડમાં ૬૦ કરોડના ખર્ચે મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ બાંધવાનું, બાંદરામાં આવેલી ભાભા હૉસ્પિટલનું એક્સ્પાન્શન કરવા માટે ૫૩.૬૦ કરોડ રૂપિયાનું કામ વગેરેનો સમાવેશ થાય છે. દરેક મુંબઈકરને ફ્રીમાં પ્રાથમિક સારવાર મળી શકે એ માટે અત્યાર સુધી ૧૦૨ હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ - આપલે દવાખાના શરૂ કરાયાં છે, જેની સંખ્યા માર્ચના અંત સુધીમાં ૨૦૮ કરવાનો અને આવાં કુલ ૨૭૦ દવાખાનાં ઊભાં કરવાનો પ્રસ્તાવ છે.

હૉકર્સ ઝોન પ્લાન
મુંબઈમાં ફેરિયાઓની સમસ્યાની અનેક ફરિયાદો મળે છે અને કોર્ટ દ્વારા અનેક વખત બીએમસીને આ બાબતે નીતિ ઘડવાની સૂચના અને નિર્દેશ કરવામાં આવ્યાં છે. આથી આગામી સમયમાં ફેરિયાઓની ગણતરી કરીને તેમને ધંધો કરવા માટે સ્પેશ્યલ હૉકર્સ ઝોન બનાવવાની યોજના હોવાનું કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું.

૯૬૫ લોકોએ સૂચનો આપ્યાં
બજેટ તૈયાર કરતાં પહેલાં મુંબઈ બીએમસી દ્વારા મુંબઈગરાઓને અપીલ કરવામાં આવી હતી કે મુંબઈમાં તેઓ કેવા સુધારા કરવા માગે છે એ માટેનાં સૂચનો આપે. કમિશનર ઇકબાલ સિંહ ચહલે આ વિશે કહ્યું હતું કે ૯૬૫ લોકોએ સૂચનો મોકલ્યાં હતાં. એમાંથી મોટા ભાગનાં સૂચનો યોગ્ય લાગતાં બજેટમાં સામેલ કરવામાં આવ્યાં છે.

 

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 08:00 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK