Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડિજિટલ હોર્ડિંગ્સમાંથી સુધરાઈ કરોડો રૂ​પિયા કમાશે

ડિજિટલ હોર્ડિંગ્સમાંથી સુધરાઈ કરોડો રૂ​પિયા કમાશે

01 April, 2024 09:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફુટપાથ અને ​​ડિવાઇડરની ફાજલ જગ્યાએ કાયદેસરનાં એક જ સાઇઝનાં ​ડિજિટલ હોર્ડિંગ્સ લગાડીને એમાંથી કમાણી કરવાનું વિચાર્યું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈમાં ફુટપાથ પર અનેક જગ્યાએ ગેરકાયદે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે જે કાઢવા માટે પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સ્ટાફ નીમવો પડે છે અને એ માટે પણ ખર્ચ કરવો પડે છે. જોકે હવે સુધરાઈએ રસ્તા, ફુટપાથ અને ​​ડિવાઇડરની ફાજલ જગ્યાએ કાયદેસરનાં એક જ સાઇઝનાં ​ડિજિટલ હોર્ડિંગ્સ લગાડીને એમાંથી કમાણી કરવાનું વિચાર્યું છે.

સુધરાઈ દ્વારા એક પાર્ટીને વધુમાં વધુ ૨૦૦ (બન્ને બાજુ મળીને ૪૦૦) હોર્ડિંગ્સની પરવાનગી આપવામાં આવશે. વળી એ ​બિલ્ડ, ઑપરેટ ઍન્ડ ટ્રાન્સફરના ધોરણે આપવામાં આવશે. સુધરાઈનું માનવું છે કે આમ કરવાથી સુધરાઈને દર વર્ષે ૩૦ કરોડ રૂ​પિયા કરતાં વધુની આવક થઈ શકશે. આ હોર્ડિંગ્સ ૯ વર્ષ માટે એક પાર્ટીને આપવાનું હાલ નક્કી કરવામાં આવ્યું છે. ૯ વર્ષ પછી એ સુધરાઈને ટ્રાન્સફર કરી દેવાનાં રહેશે. આમ ગેરકાયદે હોર્ડિંગ્સથી છુટકારો મળશે અને વિદેશની જેમ ડિજિટલ હોર્ડિંગ્સથી મુંબઈના રસ્તા ઝગમગતા થશે.૨૨.૮૦ લાખનાં LSD બ્લૉટ સાથે ચાર જણ ઝડપાયા


ઍ​ન્ટ-નાર્કોટિક્સ સેલ (ANC)ના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે નવી મુંબઈમાં ૨૨.૮૦ લાખ રૂપિયાનાં ડ્રગ્સ સાથે કથિત રીતે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નવી મુંબઈ યુનિટ ANCના સિ​નિયર ઇન્સ્પેક્ટર નીરજ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમને એક સૂચના પર પકડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘પહેલા આરોપીને ૨૮ માર્ચે વહાલગાંવમાંથી પકડવામાં આવ્યો હતો અને તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાનાં ૫૦ LSD બ્લૉટ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેના ત્રણ સહયોગીઓને એક દિવસ પછી ૧૨.૮૦ લાખનાં અન્ય ૬૪ LSD બ્લૉટ્સસાથે પકડવામાં આવ્યા હતા. NRI પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પેડલિંગ નેટવર્કની વધુ તપાસ ચાલી રહી છે.’

થાણેમાં સ્ક્રૅપના ગોડાઉનમાં આગ


આગ ફાટી નીકળ્યા બાદ થાણેનું સ્ક્રૅપનું એક ગોડાઉન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘શનિવારે મોડી રાત્રે ભિવંડી ટાઉનશિપના વાલપાડા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પારસનાથ કમ્પાઉન્ડમાં સ્ક્રૅપ ગોડાઉનમાં રાત્રે ૧૧.૩૫ વાગ્યે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિવારે સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કૂલિંગ કામગીરી ચાલી રહી છે. આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.’

લોઅર પરેલમાં આગ : કોઈ જાનહાનિ નહીં

લોઅર પરેલમાં સેનાપતિ બાપટ રોડ પર ગ્રાઉન્ડ પ્લસ એક માળની જનતા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પહેલા માળે આવેલા ૨૦૦૦ સ્ક્વેર ફુટના એક સૅલોંમાં ગઈ કાલે બપોરે ૨.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઇલે​ક્ટ્રિક વાયરિંગ, સોફા, સૅલોંની ખુરશીઓ વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ તરત જ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરએન્જિન, જમ્બો ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ અઢી વાગ્યે લાગેલી આગ આખરે ત્રણ કલાકની જહેમત બાદ સાડાપાંચ વાગ્યે ઓલવી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થવાના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.  

દેહદાનના કેસ ઘણા ઓછા, પણ લોકોમાં જાગૃતિ વધી

વિદેશોમાં બ્રેઇન-ડેડ દરદીઓનાં સગાંસંબંધીઓ વિવિધ અંગોનું દાન કરીને કંઈકેટલાય દરદીઓને નવજીવન આપે છે, પણ આપણા દેશમાં હજી આવું ઓછું જોવા મળે છે. જોકે આ મુદ્દે હવે જાગૃતિ આવી રહી છે. છેલ્લાં ૨૪ વર્ષના આંકડા જણાવે છે કે કિડની, લીવર, હાર્ટ કે ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટે જેટલા દરદીઓની નોંધ થઈ છે એમાંથી માત્ર ૧૦ ટકા દરદીઓને અંગો પ્રાપ્ત થયાં છે. ૨૦૨૨માં ૪૭ અને ૨૦૨૩માં ૫૦ દેહદાન જોવા મળ્યાં છે. છેલ્લાં ૨૪ વર્ષમાં કુલ ૧૮,૨૨૬ દરદીઓએ ટ્રાન્સપ્લાન્ટ માટે નામ નોંધાવ્યાં છે જેમાંથી ૭૦ ટકાને કિડની જોઈએ છે. કિડની અને લીવર તો નજીકના સંબંધી આપી શકે છે, પણ હાર્ટ અને ફેફસાં માટે બ્રેઇન-ડેડ દરદીઓ પર આધાર રાખવો પડે છે. ૨૦૨૪ના આંકડાની વાત કરીએ તો ૩૫૮૬ દરદીઓને કિડની, ૫૫૧ને લીવર અને ૫૧ દરદીઓને હાર્ટની જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK