Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪ રાજ્યોમાં MLCની ૨૮ બેઠકોની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો ભયંકર રકાસ; એક પણ બેઠક ન મળી, પહેલાં એની પાસે ૪ બેઠકો હતી

૪ રાજ્યોમાં MLCની ૨૮ બેઠકોની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો ભયંકર રકાસ; એક પણ બેઠક ન મળી, પહેલાં એની પાસે ૪ બેઠકો હતી

Published : 29 October, 2026 08:33 AM | Modified : 29 October, 2026 08:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે બેઠકો પર ચૂંટણી થઈ હતી એમાં કૉન્ગ્રેસ પાસે ૪ બેઠકો હતી પણ હવે એક પણ બેઠક મળી નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં ૪ મોટાં રાજ્યોમાં મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC)ની ૨૮ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનાં પરિણામોમાં કૉન્ગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. જે બેઠકો પર ચૂંટણી થઈ હતી એમાં કૉન્ગ્રેસ પાસે ૪ બેઠકો હતી પણ હવે એક પણ બેઠક મળી નથી.

સૌથી વધારે ચોંકાવનારું પરિણામ કર્ણાટકથી આવ્યું છે જ્યાં કૉન્ગ્રેસ સત્તાધારી પક્ષ હોવા છતાં એક પણ બેઠક મળી નથી. કર્ણાટકમાં તમામ ૪ બેઠકો પર NDAને જીત મળી છે જેમાં BJPને ૩ અને એની સહયોગી પાર્ટી જનતા દળ સેક્યુલરને એક બેઠક મળી છે.



બિહારમાં ૮ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાંથી બે બેઠકો પર BJP, એક બેઠક પર રાષ્ટ્રીય જનતા દલ (RJD), એક બેઠક પર જનસુરાજ પાર્ટી, એક બેઠક પર જનતા દલ યુનાઇટેડ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. મોડી રાત સુધી બે બેઠક પર મતગણતરી ચાલુ હતી.


મહારાષ્ટ્રમાં મહાયુતિને બે બેઠક, મહાવિકાસ આઘાડીને એક બેઠક
મહારાષ્ટ્રમાં પાંચ MLC બેઠકો માટેની ચૂંટણીમાં મહાયુતિએ બે બેઠક જીતી અને મહાવિકાસ આઘાડી (MVA)એ એક બેઠક જીતી હતી. નાગપુર ગ્રૅજ્યુએટ અને છત્રપતિ સંભાજીનગર ગ્રૅજ્યુએટ બેઠક પર મતગણતરી મોડી રાત સુધી ચાલુ હતી..

પુણે શિક્ષક બેઠક પર BJPના કૌસ્તુભ ગાવડેએ ૨૩,૧૧૭ મતોએ વિજય મેળવ્યો હતો. તેમણે કૉન્ગ્રેસના જયંત અસગાંવકર અને શિંદે જૂથ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર સચિન સનપને હરાવ્યા હતા.


અમરાવતી શિક્ષક બેઠક પર શિંદેસેનાના ઉમેદવાર કિરણ સરનાઈકે ૧૬,૬૬૩ મતો મેળવીને જીત મેળવી હતી, કૉન્ગ્રેસનાં અદિતિ પોહરે હારી ગયાં હતાં.

પુણે ગ્રૅજ્યુએટ બેઠક પર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)નાં ઉમેદવાર હર્ષદા દેશમુખે વિજય મેળવ્યો હતો. તેમણે BJPનાં ઉમેદવાર સ્મિતા જાધવને પરાજિત કર્યાં હતાં.

ઉત્તર પ્રદેશમાં BJPને ૬ બેઠક, સમાજવાદી પાર્ટીને ૩ બેઠક

ઉત્તર પ્રદેશમાં MLC ચૂંટણીમાં ૧૧માંથી ૯ બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. BJPએ ૬ બેઠકો જીતી અને સમાજવાદી પાર્ટીએ ૩ બેઠકો જીતી હતી. બે બેઠકો પર મતગણતરી ચાલુ હતી.
BJPને મેરઠ શિક્ષક, મેરઠ ગ્રૅજ્યુએટ બેઠક, બરેલી શિક્ષક, ગોરખપુર શિક્ષક, લખનઉ શિક્ષક અને આગરા ગ્રૅજ્યુએટ સીટ પર જીત મળી છે. સમાજવાદી પાર્ટીએ વારાણસી શિક્ષક, આગરા શિક્ષક અને ઝાંસી શિક્ષક બેઠક જીતી લીધી છે. એ વારાણસી ગ્રૅજ્યુએટ અને લખનઉ ગ્રૅજ્યુએટ બેઠક પર આગળ હતી. વારાણસીમાં હંગામા બાદ મતગણતરી રોકવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
કૉન્ગ્રેસ વારંવાર પોતાની હાર માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ને દોષી ઠેરવે છે અને એના વિરુદ્ધ પ્રચાર કરે છે. જોકે MLC ચૂંટણીઓ 
બૅલટ-પેપરનો ઉપયોગ કરીને યોજાઈ હતી એમાં પણ કૉન્ગ્રેસનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસની આ મુદ્દે ચૂટકી લીધી હતી. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે ‘૪ મુખ્ય રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં ૨૮ બેઠકો માટે MLC ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ બૅલટ-પેપરનો ઉપયોગ કરીને યોજાઈ હતી. અંદાજ લગાવો કે કૉન્ગ્રેસે કેટલી બેઠકો જીતી?’

ઉત્તર પ્રદેશમાં કોની જીત?
મેરઠ ગ્રૅજ્યુએટ બેઠક પર BJPના દિનેશ કુમાર ગોયલની જીત
આગરા ગ્રૅજ્યુએટ બેઠક પર BJPના ડૉ. માનવેન્દ્ર પ્રતાપ સિંહની જીત
લખનઉ શિક્ષક બેઠક પર BJPના ઉમેશ દ્વિવેદીની જીત
મેરઠ શિક્ષક બેઠક પર BJPના શ્રીચંદ શર્માની જીત
બરેલી-મુરાદાબાદ શિક્ષક બેઠક પર BJPના ડૉ. હરિ સિંહ ઢિલ્લોંની જીત
ગોરખપુર-ફૈઝાબાદ શિક્ષક બેઠક પર BJPના ધ્રુવ કુમાર ત્રિપાઠીની જીત 
અલાહાબાદ-ઝાંસી ગ્રૅજ્યુએટ બેઠક પર સમાજવાદી પાર્ટીના ડૉ. માનસિંહ યાદવની જીત
વારાણસી શિક્ષક બેઠક પર સમાજવાદી પાર્ટીના લાલ બિહારી યાદવની જીત
આગરા શિક્ષક બેઠક પર સમાજવાદી પાર્ટીના ડૉ. આકાશ અગ્રવાલની જીત 

ગોરખપુરમાં ૩૦૭ મતે BJPની જીત
ગોરખપુર શિક્ષક મતવિસ્તારમાંથી BJPના ઉમેદવાર ધ્રુવ ત્રિપાઠીએ ૩૦૭ મતોથી જીત મેળવી છે. ત્રિપાઠીને કુલ ૧૪,૮૮૭ મત મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ, સ્વતંત્ર ઉમેદવાર રાજીવ યાદવને ૧૪,૫૮૦ મત મળ્યા હતા.      

કર્ણાટકમાં પોતાના જ ગઢમાં કૉન્ગ્રેસને આકરો ફટકો
બૅલટ-પેપરથી મતદાન થયું એ છતાં વિધાનપરિષદની તમામ બેઠકો પર પરાજય

કર્ણાટકમાં સત્તારૂઢ કૉન્ગ્રેસ પાર્ટીને વિધાનપરિષદની ચૂંટણીમાં કારમો ઝટકો લાગ્યો છે. રાજ્યની તમામ ચાર બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં કૉન્ગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ સેક્યુલર (JDS) સાથે મળીને લડ્યાં હતાં. BJPએ ત્રણ અને JDSએ એક બેઠક જીતી છે. BJPના ઉમેદવારોએ ઉત્તર પૂર્વ શિક્ષક, દક્ષિણ પૂર્વ સ્નાતક અને પશ્ચિમ સ્નાતક બેઠકો જીતી છે. બૅન્ગલોર શિક્ષક બેઠક પર JDSના ઉમેદવાર એ.પી. રંગનાથે કૉન્ગ્રેસના પુટન્નાને હરાવ્યા હતા.

આ ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના સ્થાને બૅલટ-પેપરથી યોજાઈ હતી. કૉન્ગ્રેસ દેશભરમાં બૅલટ-પેપરથી ચૂંટણી કરાવવાની માગણી કરી રહી છે ત્યારે આ પરિણામો વિશે વિપક્ષે (BJP-JDS) આકરા પ્રહારો કર્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના પુત્ર અને JDSના નેતા નિખિલ કુમારસ્વામીએ કટાક્ષ કર્યો હતો કે રાહુલ ગાંધી હવે EVM પર આરોપ નહીં લગાવી શકે. તેમણે પૂછ્યું હતું કે રાજ્યની મશીનરી અને શિક્ષિત મતદાતાઓ હોવા છતાં કૉન્ગ્રેસ હવે કયું બહાનું આપશે.

અગાઉ ઑક્ટોબરમાં આસામમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કૉન્ગ્રેસની હાર થઈ હતી. ત્યારે પણ આસામના મુખ્ય પ્રધાને કટાક્ષ કર્યો હતો કે જ્યારે પણ બેલટ-પેપરથી ચૂંટણી થાય છે ત્યારે કૉન્ગ્રેસ વધુ ખરાબ રીતે હારે છે. આ પરિણામોને કૉન્ગ્રેસ માટે ખૂબ જ મોટો ફટકો મનાય છે.
                                  

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK