BJPના ઉપાધ્યક્ષ માધવ ભંડારીનો ગંભીર આરોપ : કૉન્ગ્રેસ-NCPની તત્કાલીન સરકારને હુમલો થવાની પહેલેથી જાણ હોવા છતાં તેઓ કેમ ખાળી ન શક્યા એ બદલ શંકા વ્યક્ત કરી
BJPના ઉપાધ્યક્ષ માધવ ભંડારી
મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે પાકિસ્તાનથી સમુદ્રમાર્ગે આવેલા ૧૦ આતકંવાદીઓએ સૌથી મોટો આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત સરકાર અમેરિકાથી ભારત લાવીને પૂછપરછ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. માધવ ભંડારીએ રવિવારે કહ્યું હતું કે ‘૨૬/૧૧ના આતકંવાદી હુમલા વિશે તત્કાલીન કૉન્ગ્રેસ-નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની સરકારે પ્રેસનોટ જાહેર કરી હતી જેમાં હુમલો થવાની સરકારને પાંચ મહિના પહેલાંથી જાણ હોવાનું કહેવામાં આવ્યું હતું. સરકારે કહ્યું હતું એમાંનાં ૮૫ ટકા સ્થળોએ આતકંવાદીઓ ત્રાટક્યા હતા. સરકારને પહેલેથી જાણ હતી તો એ આતંકવાદી હુમલો રોકી કેમ ન શકી? સ્થાનિક પ્રશાસન પર વગ ધરાવતી વ્યક્તિના સહયોગ વિના આટલો મોટો આતંકવાદી હુમલો ન થઈ શકે. આ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારતમાં લાવવામાં આવ્યો છે ત્યારે કૉન્ગ્રેસ અને NCPના કાર્યકરોએ આ હુમલા વિશે બોલવું જોઈએ. મેં કોઈનું નામ નથી લીધું, પણ ડેવિડ હેડલી કેવી રીતે ભાગી શક્યો એનો જવાબ આ લોકોએ આપવો જોઈએ. ૨૬/૧૧ના હુમલાને રોકવાની જવબાદરી તત્કાલીન મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનની હતી. તેમણે જવાબ આપવો જોઈએ. અજિત પવાર ગૃહપ્રધાન હતા.’

