શિવસેના (UBT) તરફથી મનીષા કાયંદે અને અનિલ પરબએ આ આધાર પર વાંધો ઉઠાવ્યો હતો કે ભારતીય મરાઠીને બદલે હિન્દીમાં બોલે છે

ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક ધારાસભ્યએ આજે મહારાષ્ટ્ર વિધાન પરિષદ (Maharashtra Legislative Council)માં હિન્દી-મરાઠી ચર્ચાને વેગ આપ્યો હતો. તેમણે હિન્દીમાં વાત કરીને નોકરી સંબંધિત મુદ્દો ઉઠાવવાની માગ કરી હતી. મહારાષ્ટ્રમાં ગૃહની કાર્યવાહી સામાન્ય રીતે રાજ્યની સત્તાવાર ભાષા મરાઠીમાં જ થાય છે. ભાજપના સભ્ય શ્રીકાંત ભારતીયે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેટલીક ટેક કંપનીઓ નવા ભરતી થયેલા કર્મચારીઓને માત્ર ઇન્ટેન્ટ લેટર જાહેર કરી રહી છે અને તેમના જોઇનિંગ લેટરમાં વિલંબ કરી રહી છે.
શિવસેના (UBT) તરફથી મનીષા કાયંદે અને અનિલ પરબએ આ આધાર પર વાંધો ઉઠાવ્યો હતો કે ભારતીય મરાઠીને બદલે હિન્દીમાં બોલે છે. કાયંદેએ કહ્યું કે, “વિધાનસભ્ય હિન્દીમાં કેમ બોલે છે જ્યારે તે પોતે સારી રીતે મરાઠી બોલી શકે છે? આખું ગૃહ મરાઠીમાં ચાલે છે, આવા કૃત્ય પાછળનું કારણ શું છે?”
પોતાના બચાવમાં ભારતીયે કહ્યું, “હિન્દી આપણી `રાષ્ટ્રભાષા` (National language) છે, તેમાં બોલવામાં કંઈ ખોટું નથી.”
કાયંદેએ જવાબ આપ્યો કે, "હિન્દીને `રાષ્ટ્રભાષા` તરીકે માન્યતા આપવામાં આવી નથી. તેમણે ગૃહમાં આવી ખોટી માહિતી આપવી જોઈએ નહીં.” આ ક્રમમા અનિલ પરબે કહ્યું કે, “જો કોઈ હિન્દીમાં બોલે અને હું સમજવામાં નિષ્ફળ જાઉં, તો તેનો મરાઠીમાં અનુવાદ કરવાની જવાબદારી વક્તાની છે. ભારતીય દ્વારા આ પ્રકારનું વલણ સંપૂર્ણપણે બિનજરૂરી છે.”
આ પણ વાંચો: Mumbai Metro: લાઈન 2A અને 7ને અભૂતપૂર્વ પ્રતિસાદ, દરરોજ આટલા લોકો કરે છે મુસાફરી
ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણની આઠમી સૂચિ 22 ભાષાઓને માન્યતા આપે છે. કલમ 344(1) અને 351 મુજબ - આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરી આ ૨૨ ભાષાઓને માન્યતા આપવામાં આવી છે.