ભિવંડીમાંથી ૨.૭૪ કરોડના ગુટકા, પાન-મસાલા જપ્ત
એફડીએ, મહારાષ્ટ્રે થાણે જિલ્લાના ભિવંડી શહેરમાંથી લગભગ ૨.૭૪ કરોડ રૂપિયાની કિંમતના ગુટકા, પાન-મસાલા અને તમાકુના અન્ય પ્રતિબંધિત ઉત્પાદન જપ્ત કર્યાં છે તેમ જ આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ૧૬ અને ૧૭ જાન્યુઆરીની વચ્ચેની રાત્રિએ ભિવંડીના ખારબાઓ જિલ્લામાં આવેલા એક ગોદામ પર પાડવામાં આવેલી રેઇડમાં આ માલ જપ્ત કરાયો હતો.
રેઇડની કાર્યવાહી લગભગ ૩૦ કલાક સુધી ચાલી હતી એમ જણાવતાં એફડીએના કોંકણ વિભાગના જોઇન્ટ કમિશનર શિવાજી દેસાઈએ કહ્યું હતું કે ‘અધિકારીઓને મળેલી માહિતીના આધારે તેમણે ગોડાઉનની મુલાકાત લીધી હતી જે અત્યાર સુધી લગ્ન સમારંભ માટેના હોલ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જોકે હોલમાંથી ગુટકા, પાન-મસાલા અને અન્ય પ્રતિબંધિત તમાકુના ઉત્પાદન સાપડ્યાં હતાં, જેની કુલ કિંમત ૨,૭૪,૫૨,૭૦૦ રૂપિયા થાય છે. અધિકારીઓ દ્વારા રેઇડ વખતે ગોડાઉનમાં હાજર પ્રતિબંધિત ચીજોના વિક્રેતા અમરબહાદુર રામખિલાવન સરોજની ધરપકડ કરવામાં આવી હતી.’ પોલીસ ગોડાઉનના માલિક સહિત અન્ય ત્રણ જણની શોધ કરી રહી છે.


