યસ, તમે ભિવંડીમાં રહેતા ન હો કે ત્યાં તમારું કામકાજ ન હોય તો પણ જીવનજરૂરિયાતની વસ્તુઓને તમારા સુધી પહોંચાડવાનું કામ ભિવંડીએ સારી રીતે નિભાવ્યું છે.
મુંબઈ નજીકનું અવગણાયેલું છતાં અતિ કામનું સ્થળ છે ભિવંડી
યસ, તમે ભિવંડીમાં રહેતા ન હો કે ત્યાં તમારું કામકાજ ન હોય તો પણ જીવનજરૂરિયાતની વસ્તુઓને તમારા સુધી પહોંચાડવાનું કામ ભિવંડીએ સારી રીતે નિભાવ્યું છે. દર થોડા દિવસે જ્યાંના વેરહાઉસમાં આગ લાગવાની ઘટનાઓ વિશે આપણે સાંભળતા રહીએ છીએ એ ભિવંડીમાં લગભગ પચાસ હજારથી વધુ વેરહાઉસ એટલે કે ગોડાઉનો છે. એક સમયે ભારતના મૅન્ચેસ્ટર તરીકે પ્રચલિત ભિવંડી આજે માત્ર મુંબઈ જ નહીં, આખા પશ્ચિમ ભારત માટે સપ્લાય-ચેઇનનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભર્યું છે. હજારોની સંખ્યામાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સ અહીં છે અને લાખોની સંખ્યામાં રોજગાર પૂરો પાડી રહ્યું છે ત્યારે અહીંની ખૂબીઓ અને પડકારો પર ચર્ચા કરીએ...
‘ભિવંડી’. સામાન્ય રીતે આ શબ્દ સાંભળો એટલે જે મુંબઈકર જીવનમાં ક્યારેય ભિવંડી નથી ગયો તેના મનમાં પણ એક અન્ડરડેવલપ્ડ અને કોમી રમખાણોનો ગઢ ગણાતા કોઈ વિસ્તારની છબિ ઊપસી આવે અથવા માનસપટ પર એ સમાચારો ઊપસી આવે જેમાં દર અઠવાડિયે ભિવંડીના એકાદ વેરહાઉસમાં આગ લાગી એવું લખ્યું હોય. પણ શું ભિવંડી આટલા પૂરતું મર્યાદિત છે? જવાબ છે સંપૂર્ણ ના. મોટા ભાગના મુંબઈકરો એના મહત્ત્વથી અજાણ રહ્યા છે, પણ મુંબઈની રફ્તારને અને મુંબઈકરોની સુવિધાને જાળવવામાં ભિવંડીનું સ્થાન મુઠ્ઠીઊંચેરું રહ્યું છે. એક જમાનો હતો જ્યારે ભિવંડીનો વિસ્તાર કાપડની મિલોથી ધમધમતો હતો. મુંબઈની મૂળજી જેઠા માર્કેટ અને મંગળદાસ માર્કેટનો મદાર ભિવંડી પર નિર્ભર હતો. સમય બદલાયો અને કાપડની મિલોની સંખ્યા ઘટવા માંડી, પણ એનાથી ભિવંડીનો દબદબો જરાય ન ઘટ્યો, ઇન ફૅક્ટ, વધ્યો. કઈ રીતે વધ્યો તો ધીમે-ધીમે કાપડની મિલો ગોડાઉનમાં કન્વર્ટ થવા માંડી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ મોકાનું સ્થળ હોવાના નાતે ભિવંડી મોટી-મોટી કંપનીઓના માલ-સામાનને સ્ટોર કરવાનું સ્થળ બન્યું અને અહીંથી જ મોટા ભાગનો માલ ડિસ્ટ્રિબ્યુટ થવા માંડ્યો; એટલું જ નહીં, સાથે એ પણ બન્યું કે માત્ર મુંબઈ જ નહીં પણ ભારતના ઘણા હિસ્સાઓમાં નાનકડી પિનથી લઈને મોટી-મોટી મશીનરી, ગૅજેટ્સ, ફૂડ-આઇટમ્સ, ગાડી જેવી જીવનજરૂરિયાતની અને સુવિધાઓ આપનારી વસ્તુઓનું મુખ્ય સપ્લાય હબ ભિવંડી બની ગયું. અત્યારની સ્થિતિ એ છે કે ભિવંડીનો વિસ્તાર અને અહીં વેરહાઉસિસની સંખ્યા સતત વધી રહી છે. દુનિયાની ટૉપ બ્રૅન્ડ્સનાં વેરહાઉસિસ ભિવંડીમાં છે ત્યારે મુંબઈકરોના મનમાં ક્યાંક ને ક્યાંક અળખામણું રહેલું આ સેન્ટર શું કામ મહત્ત્વનું છે અને કઈ રીતે એણે આપણા જીવનને સ્મૂધ બનાવવાનું કામ કર્યું છે એ વિષય પર ચર્ચા કરીએ.
જો આવું થાય તો
જો માત્ર એક કલાક માટે ભિવંડીનાં તમામ વેરહાઉસિસ બંધ થાય અને એમાં કામ કરતા વર્કરો સ્ટ્રાઇક પર જાય તો વડા પ્રધાનની ઑફિસ સુધી વાત પહોંચે અને મામલો સુલટાવવા માટે તેમણે હસ્તક્ષેપ કરવો પડે. આ શબ્દો છે ભિવંડીમાં જ જન્મેલા, ઊછરેલા અને ૧૯૯૩થી ભિવંડીમાં આર્કિટેક્ટ અને કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે કામ કરતા તથા ભિવંડીનાં મોટા ભાગનાં વેરહાઉસિસને ડેવલપ કરવામાં પ્રાઇમ ભૂમિકા ભજવનારા દુરરાજ કામંગકર ઉર્ફે કે. કે. એન્જિનિયરના. તેઓ કહે છે, ‘યસ, ભિવંડીને મુંબઈની લાઇફલાઇન કહી શકો. આજે ૧૮ કરોડ સ્ક્વેરફુટના વિસ્તારમાં મોટા ભાગની ફાર્મા કંપનીઓ, ઑટોમોબાઇલ કંપનીઓ, ફ્લિપકાર્ટ અને ઍમૅઝૉન જેવી ઈ-કૉમર્સ કંપનીઓ જેવી અઢળક કંપનીઓ પોતાના માલનો સ્ટૉક અહીં કરે છે અને અહીંથી જ આખા મુંબઈમાં એની સપ્લાય થાય છે. તમારે ધારો કે ટીવી લેવું છે અને તમે બોરીવલીમાં રહો છો તો શક્ય છે કે એ સ્ટોર પર જો એટલા ઇંચનું ટીવી અવેલેબલ ન હોય તો ભિવંડીના સ્ટોરહાઉસ પરથી એ આવશે અને બે દિવસ પછી તમને ડિલિવરી મળશે. બહુ જ વિશાળ પાયે અહીં આખું કામકાજ ચાલે છે. તમે વિચાર કરો કે ટેસ્લાનું ભારતમાં એકમાત્ર વેરહાઉસ છે અને એ છે ભિવંડીમાં. ભિવંડીને ભારતનું ‘મૅન્ચેસ્ટર’ કહેવામાં આવે છે, કારણ કે આજે પણ મુંબઈનાં ઘણાં કાપડબજારો ભિવંડીમાં હજી અકબંધ રહેલી પાવરલૂમની મિલોમાંથી બનતા કાપડ પર નિર્ભર છે.
આજે ઇન્ટરનૅશનલ સ્ટેન્ડર્ડની સુવિધાઓ સાથેનાં વેરહાઉસિસ અહીં છે. સાડાછ લાખ સ્ક્વેરફુટથી લઈને અઢી હજાર સ્ક્વેરફુટ સુધીનાં ચાલીસ-પચાસ હજાર ગોડાઉનો, ત્રણ હજારથી વધુ નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ૮ લાખથી વધુ કર્મચારીઓથી ધમધમતા ભિવંડીનો રાજ્યની અને દેશની ઇકૉનૉમીમાં રેવન્યુની દૃષ્ટિએ પણ બહુ જ મોટો હિસ્સો છે.’
CREDA-MCHIના ભિવંડી યુનિટના પ્રેસિડન્ટ તથા ભિવંડી તાલુકા વેરહાઉસ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ અસોસિએશનના ફાઉન્ડર અને ટેક્નિકલ ઍડ્વાઇઝર કે. કે એન્જિનિયર કહે છે, ‘અગરબત્તીથી લઈને જૂતાં અને દુનિયાભરની ફૂડ-આઇટમ્સની હજારો ઇન્ડસ્ટ્રીઝ અહીં છે. આગ લાગવાની ઘટનાઓ પાછળનાં કારણોમાં મુખ્ય કારણ પણ એ જ છે કે જ્યારે વેરહાઉસ લીઝ પર કોઈ કંપની લે ત્યારે એનું જે કામકાજ એણે નોંધાવ્યું હોય એ કામકાજ તેઓ ચાર-છ મહિનામાં બદલી લે અને એમાં જો એ ફાયર-ઇક્વિપ્ડ વેરહાઉસ ન હોય તો તકલીફ થતી હોય છે. જોકે વેરહાઉસિસની સંખ્યા સામે આગની આવી ઘટનાઓનો રેશિયો જુઓ તો એ નજીવો છે. અફકોર્સ, એ ન જ લાગવી જોઈએ અને એ માટે અમે કડકાઈ સાથે પગલાં પણ લઈ રહ્યા છીએ.’
સરકારે માત્ર લૂંટવાનું કામ કર્યું
ભિવંડી પાસે આટલાં વેરહાઉસ છે પરંતુ જગ્યા અલૉટ થઈ ગયા પછી પણ ભિવંડી પાસે પોતાનું ફાયર-સ્ટેશન નથી એવી ફરિયાદ સાથે કે. કે. એન્જિનિયર કહે છે, ‘આગળ કહ્યું એમ ભિવંડી પાસેથી સરકારને ભરપૂર રેવન્યુ મળી રહી છે, પરંતુ એ પછીયે પાણી માટે અમારે ટૅન્કરો પર નિર્ભર રહેવું પડે છે. અહીં આગ લાગે તો ફાયર-બ્રિગેડ કલ્યાણ કે મુલુંડથી પહોંચે છે. અહીંથી મેજર રોડ-કનેક્ટિવિટી હોવા છતાં અહીં આજે પણ સારા રસ્તા બનાવવાનું સરકારને નથી સૂઝ્યું. ૨૦૦૭થી ભિવંડી તાલુકાના ડેવલપમેન્ટની જવાબદારી MMRDA પાસે છે અને હવે એમાં MSRDC પ્લાનિંગ ઑથોરિટી તરીકે છ મહિના પહેલાં આવી છે. આજની સરકાર ડેવલપમેન્ટની અને વિકાસની વાત કરે છે ત્યારે દેશના મહત્ત્વના સપ્લાય હબને પાયાની સુવિધાઓ નહીં આપે તો એની અસર વિકાસ પર જ પડવાની છે. આજે તમે GST લો છો, આટલાં વેરહાઉસ પાસે હાઉસ-ટૅક્સ લો છો પણ સુવિધા નથી આપતા. શું કામ? જેવો આ મુદ્દો ઉપાડીએ એટલે કાયદેસર અને ગેરકાયદે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આખી વાતને અટવાવી દેવામાં આવે છે. ઇન ફૅક્ટ, અહીં હિન્દુ-મુસ્લિમની એકતાનો પણ અનોખો નજારો તમને જોવા મળે એમ છે જ્યાં એકબીજાના બિઝનેસ વણાયેલા છે. સરકાર ધારે તો આ સ્થાનને બેસ્ટ રીતે પ્રમોટ કરી શકે એમ છે, પણ ખબર નહીં કેમ અમારા ભિવંડી સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે કારણ કે અમને ખબર છે કે ભિવંડીનું ફ્યુચર બ્રાઇટ છે.’
ઘણાં પરિવર્તનો
૪૫ વર્ષથી ભિવંડીમાં જ રહેતા અને શાહ રિયલ્ટર્સ નામે ભિવંડીનાં વેરહાઉસિસ માટે એસ્ટેટ બ્રોકર અને કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા કલ્પેશ શાહની દૃષ્ટિએ ભિવંડી માટેનો લોકોનો નજરિયો હવે બદલાયો છે. તેઓ કહે છે, ‘હું તો અહીં જ જન્મ્યો છું એટલે મને ભિવંડી ગમે એમાં નવાઈ નથી, પરંતુ ઘણા નવા બિઝનેસમેન પણ ભિવંડીમાં વેરહાઉસ વગેરે લેવા માટે તત્પર થયા છે એ પણ એટલું જ સાચું છે. ભિવંડીના ગ્રોથનો ગ્રાફ પણ મેં મારી નજરે જોયો છે. આજે અહીં આખા મુંબઈની તુલનાએ જગ્યાના ભાવ પ્રમાણમાં ઘણા ઓછા છે અને સાથે કામગારોની સુવિધા. વીજળી, પાણી પણ મળી રહે છે. એક ફૅક્ટરી રન કરવા માટે કે વેરહાઉસને સ્મૂધલી ચલાવવા માટે જે જોઈએ એ ભિવંડીમાં છે. પ્લસ તમે ઍક્સેસિબિલિટી પ્રમાણે પણ જુઓ તો થાણેથી માત્ર ૧૫ કિલોમીટર પર છે. મુંબઈ-નાશિક હાઇવે ભિવંડીથી જાય છે. સમૃદ્ધિ એક્સપ્રેસવેનું જંક્શન છે ભિવંડી. વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે, વિરાર-અલીબાગ કૉરિડોર, મુંબઈ-JNPT રોડ ભિવંડી સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને મધ્ય ભારતને જોડતા રસ્તાઓ અહીંથી પસાર થાય છે એટલે ડિસ્ટ્રિબ્યુશનનો વિચાર કરો તો પણ અહીંથી બધી જ સુવિધાઓ મળી જાય. અનોખી ટ્રાન્સપોર્ટની ઇકોસિસ્ટમને કારણે મુંબઈની સપ્લાય-ચેઇનની કરોડરજ્જુ ભિવંડી છે. એમાં સતત ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે એ બીજી મહત્ત્વની વાત. જેમ કે મેટ્રોલાઇન 5 અહીં આવી રહી છે. હા, ખરાબ રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદે બાંધકામો એ પડકારો છે; પરંતુ જે રીતે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ જોતાં ટૂંક સમયમાં આ પડકારો દૂર થશે એવું પણ દેખાય છે.’
અનેરો ઇતિહાસ છે ભિવંડીનો
આજના આધુનિક વેરહાઉસિંગ હબ ગણાતા ભિવંડીના ઇતિહાસનાં પૃષ્ઠો ઊથલાવીએ તો આઠમી સદી સાથેનું એનું કનેક્શન મળે છે. કહેવાય છે કે ભિવંડી નામ સ્થાનિક દેવી ભિવનેશ્વરી પરથી પડ્યું છે. આ દેવીનું મંદિર આજે પણ આ વિસ્તારની સાંસ્કૃતિક ઓળખ ગણાય છે. પ્રાચીન સમયમાં ભિવંડી કોકણ પ્રદેશનું એક વ્યૂહાત્મક બંદર હતું. એ સમયના વેપારીઓ અહીંથી મસાલા અને ખેતીલાયક વસ્તુઓની અવરજવર કરતા હતા. ભિવંડીના ઇતિહાસનું એક સૌથી મોટું અજાણ્યું પાસું એટલે લોનાડની ગુફાઓ. આ ગુફાઓ બૌદ્ધ યુગની પાંચમી-છઠ્ઠી સદીની છે. અહીં કોતરવામાં આવેલી આકૃતિઓ અને સ્થાપત્યો દર્શાવે છે કે એ સમયે દરિયાકિનારા અને દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચે વેપાર કરનારા મુસાફરો અને બૌદ્ધ સાધુઓ માટે આ એક મહત્ત્વનું વિરામસ્થળ હતું.
આજે ભિવંડી બે વાસ્તવિકતાઓમાં જીવે છે. એક તરફ ઍમૅઝૉન અને રિલાયન્સ જેવા દિગ્ગજોનાં અત્યાધુનિક વેરહાઉસિસ છે તો બીજી તરફ જૂના ભિવંડીની સાંકડી ગલીઓમાં વણાયેલાં નાનાં પાવરલૂમ યુનિટ્સ છે જેમણે હજી પણ પરંપરાગત કળાને જીવંત રાખી છે.
તોય ‘આઇ લવ ભિવંડી’ તો નહીં જ કહી શકાય
જન્મ્યા ત્યારથી ભિવંડીમાં જ રહેતા અને મલ્ટિનૅશનલ કંપનીમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા આશિષ ધીરજ ગુઢકા કહે છે, ‘ભિવંડીની લોકોના મગજમાં જે છબિ છે એવું સ્થાન પણ નથી. અહીં મારવાડીઓ, ગુજરાતીઓ અને મહારાષ્ટ્રિયનોની પણ બહુ જ મોટી વસ્તી છે. એટલાં બધાં જૈન દેરાસરો છે. ઍવરેજ ૧૦૦ જેટલા જૈન મહાત્મા તમને ભિવંડીમાં મળે. આજે પણ અહીં તમને શહેરની નજીક રહીને ગ્રામ્યજીવનમાં મળે એવી હૂંફ અને સોશ્યલ લાઇફ જીવવા મળી જાય છે. જોકે એ પછીયે જેમ લોકો આઇ લવ મુંબઈ કે આઇ લવ ઘાટકોપર કહેતા હોય છે એવું હું આઇ લવ ભિવંડી નથી કહી શકતો, કારણ કે હજીયે અહીં ઘણું ખૂટે છે. તમે આપસમાં એકબીજા સાથે સોશ્યલ લાઇફ જીવી શકો, પણ તમારે ફૅમિલી સાથે કોઈ પાર્કમાં જવું છે કે સારી હોટેલમાં જમવા જવું છે કે ફિલ્મ જોઈને મૉલમાં શૉપિંગ કરવું છે તો એ સગવડ અહીં નથી. અહીં સારી હૉસ્પિટલો કે સ્કૂલો પણ નથી. આ મામલામાં હજીયે ભિવંડી પછાત છે. એના માટે અમારે થાણે, મુલુંડ કે કલ્યાણ જવું પડતું હોય છે. અહીંના રસ્તાઓ ખરાબ છે જ. ટ્રકના કાફલા હોય છે અને એની વચ્ચે બહાર નીકળવું એક ચૅલેન્જ હોય છે. એ રીતે જુઓ તો લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ હજી પણ અહીં ઘણા બદલાવની જરૂર છે.’
