આ કહેવત બોરીવલીના ભાવિન ગાંધીને બરાબર લાગુ પડી : પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવા જતાં થયેલા સાઇબર ફ્રૉડમાં તેણે ૬.૪૯ લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર
લૉકડાઉન પછી શિક્ષિત યુવાનો પાર્ટટાઇમ કરીને વધુ પૈસા કમાવા માગે છે, જે હાલમાં સાઇબર છેતરપિંડી કરનારા ગઠિયાઓની મહત્ત્વની મોડસ ઑપરેન્ડી બની રહી છે. બોરીવલીમાં રહેતો શિક્ષિત યુવાન પાર્ટટાઇમ કામ કરવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો ત્યારે ત્યાં મળેલા નંબર પર સંપર્ક કરતાં તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો. એમાં તેણે આશરે ૬.૪૯ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં કરી હતી.
બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલા શાસ્ત્રીનગરની એક સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૪૨ વર્ષના ભાવિન ગાંધીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૬ માર્ચે સાંજે પાંચ વાગ્યે તેમણે ગૂગલ પર પાર્ટટાઇમ નોકરી માટે સર્ચ કર્યું હતું. એમાં મળેલા નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. એ કરતાં પહેલાં ૭,૦૦૦ રૂપિયા ઍપ્લિકેશનમાં ઍડ કરવા કહેવામાં આવ્યું હતું. એ પછી ટાસ્ક આપવામાં આવ્યો હતો જે ભાવિને પૂરો કર્યો હતો. સાઇબર ગઠિયાએ ધીરે-ધીરે કરીને ભાવિન પાસેથી આશરે ૬.૪૯ લાખ રૂપિયા ઍપ્લિકેશનમાં ઍડ કરાવ્યા હતા, જે પૈસા કાઢવા જતાં પાછા નીકળ્યા નહોતા. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઍપ્લિકેશનમાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે એ કયા અકાઉન્ટમાં જમા થયા છે એની શોધ કરવામાં આવી રહી છે.’