પીયૂષ ગોયલે શૅર કર્યો ૪૦ વર્ષ જૂનો એક રસપ્રદ કિસ્સો
પીયૂષ ગોયલ, બાળાસાહેબ ઠાકરે
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભારતીય જનતા પાર્ટી (BJP)માં નેતાઓની ઇનકમિંગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેટલાક નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ છે તેમને BJPમાં જોડાયા બાદ ક્લીન-ચિટ આપવામાં આવી રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે. બીજા શબ્દોમાં BJP વૉશિંગ મશીન છે જેમાં બધાં પાપ ધોવાઈ જાય છે એવી ટિપ્પણી થઈ રહી છે. આ સંબંધે BJPના કેન્દ્રીય પ્રધાન અને મુંબઈ નૉર્થ લોકસભા બેઠકના ઉમેદવાર પીયૂષ ગોયલે શનિવારે એક મરાઠી ન્યુઝ-ચૅનલના કાર્યક્રમમાં ૪૦ વર્ષ જૂનો રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મારા ઘરે ૧૯૮૪માં પહેલું વૉશિંગ મશીન આવેલું. એ સમયે મારા સાયનના ઘરે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે આવ્યા હતા. અટલ બિહારી વાજપેયી અમારા ઘરે આવ્યા હતા તેમને મળવા બાળાસાહેબ આવ્યા હતા. અટલજી આરામમાં હતા એટલે હું તેમને બોલાવવા ગયો હતો અને બાળાસાહેબ ડ્રૉઇંગ-રૂમમાં મારા ભાઈ સાથે ઘર જોઈ રહ્યા હતા. તેમના ધ્યાનમાં અમારા ઘરનું વૉશિંગ મશીન અને ડ્રાયર આવ્યાં હતાં. એ જોઈને બાળાસાહેબને ખૂબ કુતૂહલ થયું હતું. તેમણે પહેલી વખત વૉશિંગ મશીન જોયું હતું એટલે મશીન ખોલીને જોવાની સાથે એ કેવી રીતે કામ કરે છે એવું પૂછ્યું હતું. મારા ભાઈ વિદેશથી આ મશીન લાવ્યાં હતાં. એ સમયમાં વૉશિંગ મશીન નવાં-નવાં માર્કેટમાં આવ્યાં હતાં.’

