ગાર્ડે તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક મારતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં વેસ્ટર્ન રેલવેના ભાઈંદર સ્ટેશન પર સ્ટૉપ હોવા છતાં ટ્રેન ઊભી નહોતી રહી અને હવે સેન્ટ્રલ રેલવેની બદલાપુર જતી એક ફાસ્ટ લોકલ ટ્રેન વિક્રોલી સ્ટેશને નિર્ધારિત સ્ટૉપ કરતાં ૪ ડબ્બા આગળ નીકળી ગઈ હતી. ગાર્ડે તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક મારતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી.
રેલવેના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ડાઉન ફાસ્ટ લાઇન પર દોડતી બદલાપુર લોકલ સાંજે ૫.૫૨ વાગ્યે વિક્રોલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૩ પર ઊભી રહેવાને બદલે ચાર ડબ્બા જેટલી આગળ નીકળી ગઈ હતી. પ્લૅટફૉર્મ પર ઊભેલા મુસાફરોએ હાથ હલાવીને ડ્રાઇવરનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેન એની ગતિએ આગળ વધી ગઈ હતી. અંતે ગાર્ડે સમયસૂચકતા વાપરીને ઇમર્જન્સી બ્રેક મારતાં ટ્રેન થંભી ગઈ હતી. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે અને આ ગંભીર બેદરકારી પાછળનાં કારણોની તપાસ હાથ ધરી છે.
