મિલકામદારોને મુંબઈમાં જ ઘર મળવું જોઈએ એમ જણાવતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું...
ગઈ કાલે આઝાદ મેદાનમાં મિલકામદારોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરે.
વાંગણી અને શેલુમાં નહીં, પણ મુંબઈમાં જ ઘર આપવામાં આવે એવી માગણી સાથે મિલકામદારોએ બુધવારે આંદોલન કર્યું હતું. રાજ્યનાં ૧૪ મિલકામદાર સંગઠનોએ મળીને રાણીબાગથી આઝાદ મેદાન સુધી મોરચો કાઢીને આઝાદ મેદાનમાં આંદોલન કર્યું હતું જેમને ટેકો આપવા માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, તેમના દીકરા આદિત્ય ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના અન્ય નેતાઓ આઝાદ મેદાન પહોંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘સત્તાધીશોને મુંબઈને લૂંટવાની જ ખબર પડે છે. મિલકામદારોના ઇતિહાસની તેમને ખબર નથી. મિલકામદારોએ મહારાષ્ટ્ર માટે તેમનું લોહી વહાવ્યું છે. તેમના માટે મુંબઈમાં જ ઘર હોવું જોઈએ. ધારાવીના લોકોને જ ધારાવીમાં રહેવા માટે અપાત્ર ગણવામાં આવે છે. મિલકામદારો અને મરાઠી લોકોને મુંબઈ બહાર છેક વાંગણી અને શેલુમાં ઘર આપી દેવામાં આવે છે. એના કરતાં અદાણીને કહો કે વાંગણી અને શેલુમાં ટાવર બનાવે અને ધારાવીમાં મિલકામદારોને ઘર આપે.’
ADVERTISEMENT
રાષ્ટ્રીય મિલ મજૂર સંઘના અધ્યક્ષ સચિન આહિરે આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. કુલ ૧.૭૫ લાખ મિલકામદારોમાંથી ૨૫,૦૦૦ને મુંબઈમાં અને બાકીના લોકોને મુંબઈ બહાર ઘર આપવામાં આવશે જેમાંથી ૮૧,૦૦૦ કામદારોને વાંગણી અને શેલુમાં ઘર આપવાનો પ્રસ્તાવ છે જેના વિરોધમાં કામદારોએ આંદોલન કર્યું હતું.

