એક મોટરિસ્ટે અટલ સેતુ પરથી પ્રવાસ કરતી વખતે નોંધ્યું કે શિવડીથી લઈને ચિરલે દરમ્યાન પાંચ જગ્યાએ ડામર અને ખડી નાખીને પૅચવર્ક કરવામાં આવ્યું છે
અટલ સેતુ પરનું એક થીગડું (તસવીર : પ્રદીપ ધિવાર)
મુંબઈને નવી મુંબઈ સાથે જોડતા અટલ સેતુ પર દોઢ જ વર્ષના ગાળામાં ખાડા પડવા લાગ્યા છે અને એથી એના પર હવે ડામર પાથરીને પૅચવર્ક કરવામાં આવ્યું છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા ૧૭,૮૪૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૧.૮ કિલોમીટર લાંબા આ બ્રિજનો ૧૬.૫૦ કિલોમીટર ભાગ દરિયા પર છે અને ૫.૫ કિલોમીટર ભાગ જમીન પર છે.
શિવડીથી પુણે જઈ રહેલા એક મોટરિસ્ટે અટલ સેતુ પરથી પ્રવાસ કરતી વખતે નોંધ્યું કે શિવડીથી લઈને ચિરલે દરમ્યાન પાંચ જગ્યાએ ડામર અને ખડી નાખીને પૅચવર્ક કરવામાં આવ્યું છે. નામ ન આપવાની શરતે મોટરિસ્ટનું કહેવું હતું કે ‘આટલા ઓછા સમયમાં બ્રિજ પર ખાડા કઈ રીતે પડી શકે? આનો અર્થ એ થયો કે જ્યારે બ્રિજ બનાવાયો ત્યારે એની ક્વૉલિટી જાળવવામાં આવી નથી અને કામ હલકી કક્ષાનું થયું છે. આશા રાખીએ કે ઑથોરિટી આવું કામ કરનાર સામે પગલાં લેશે. વળી ક્વૉલિટી ટેસ્ટ પણ લેવી જોઈએ જેથી ખબર પડે કે હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું છે કે કેમ?’
ADVERTISEMENT
ઍક્ટિવિસ્ટનું શું કહેવું છે?
‘વૉચ ડૉગ ફાઉન્ડેશન’ના ઍક્ટિવિસ્ટ ગોડફ્રે પિમેન્ટાએ આ બાબતે કહ્યું હતું કે ‘૧૮,૦૦૦ કરોડના ખર્ચે બનાવાયેલો અટલ સેતુ બે વર્ષથી ઓછા ગાળામાં આટલો જલદી તૂટવા માંડે, ખરાબ થવા માંડે એ દેશ માટે શરમની બાબત કહેવાય. ટૅક્સપેયર જેના પૈસાથી આ બ્રિજ બન્યો છે એને ખાતરી આપવામાં આવી હતી કે આ બ્રિજ ૧૦૦ વર્ષ સુધી ટકશે. હવે ઉદ્ઘાટન થયાના ૧૮ જ મહિનામાં એના પર તિરાડો પડી રહી છે, ખાડા પડી રહ્યા છે અને ડામર ઊખડી રહ્યો છે.’
MMRDAનું શું કહેવું છે?
આ બાબતે MMRDAના અધિકારીએ કહ્યું હતું કે ‘અટલ સેતુ હાલ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ હેઠળ છે. એથી આ સમય દરમ્યાન બ્રિજ પર સર્ફેસ કરેક્શન કરવાનું હોય કે પછી રિપેર કરવાનું હોય એ પૂરેપૂરી કૉન્ટ્રૅક્ટરની જવાબદારી હોય છે. એ માટે ઑથોરિટીએ પૈસા ખર્ચવાના નથી હોતા. રૂટીન ઇન્સ્પેક્શન દરમ્યાન બ્રિજ પર કેટલાક માઇનર સર્ફેસ ઇશ્યુ જણાઈ આવ્યા હતા જે રિપેર કરી લેવાયા છે. હેવી વેહિકલ્સ જ્યારે બ્રેકડાઉન થાય, ટાયર પંક્ચર થાય ત્યારે એને ઊંચકવા માટે જૅક લગાડવામાં આવે છે એ જૅકને કારણે ત્યાં ઑઇલ ઢોળાતું હોય છે એથી રોડને નુકસાન થયું છે. હાલ મૉન્સૂનમાં વાહનચાલકોને તકલીફ ન પડે એ માટે કોલ્ડ મિક્સ વાપરીને ડામર સર્ફેસ પર પાથરવામાં આવ્યો છે. મૉન્સૂન પછી જ્યારે ઉઘાડ થશે ત્યારે કૉન્ટ્રૅક્ટર દ્વારા એનો કાયમી ઉપાય યોજવામાં આવશે.’

