કારણ કે ચૂંટણીપંચ પાસે પ્રિન્ટ કરવા માટે એક જ મશીન છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીનું રણશિંગું વાગી ગયું છે, પણ મતદારોને આપવામાં આવતાં વોટર્સ કાર્ડના પ્રિન્ટિંગનું કામ અટકી પડ્યું છે. રાજ્યના ચૂંટણી-અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની પાસે માત્ર એક જ પ્રિન્ટર હોવાથી મુંબઈમાં છ લાખ વોટર્સ કાર્ડ પ્રિન્ટ થવાનાં બાકી છે. વોટર્સને આ કાર્ડની સૉફ્ટ કૉપી મોકલી દેવામાં આવી છે, પણ પ્રિન્ટિંગનું કામ બાકી હોવાથી એ પહોંચાડી શકાયાં નથી. આગામી ૧૫ દિવસમાં કાર્ડ પ્રિન્ટ થયા બાદ એનું વિતરણ શરૂ થશે. જેમની પાસે વોટર્સ કાર્ડની હાર્ડ કૉપી નથી તેઓ સૉફ્ટ કૉપીના આધારે મતદાન કરી શકશે.
પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મતદારોને પહોંચાડવામાં આવતાં કાર્ડમાં વિલંબ થઈ રહ્યો છે. આના કારણે પહેલી વાર મતદાન કરવાની ઇચ્છા ધરાવતા મતદારોને ચિંતા થઈ રહી છે. કેટલાક મતદારો એવી ફરિયાદ પણ કરી રહ્યા છે કે વોટર્સ કાર્ડ એક જગ્યાએ ડમ્પ કરી દેવાયાં છે. ૧૬ માર્ચે પ્રકાશિત થયેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં ૯.૨૦ કરોડ મતદારો છે અને એમાં ૧૩.૧૫ લાખ મતદારો ૮૫ વર્ષ કે એથી મોટી ઉંમરના છે.

