BKCમાં ૪ દિવસ બપોરથી રાત સુધી અનેક રસ્તાઓ પર પ્રવેશબંધી
ગઈ કાલે રાત્રે BKCમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરનો અને આસપાસના રસ્તાઓનો ઝગમગાટ. (*તસવીર - અતુલ કાંબળે)
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે આજે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં છે ત્યારે દેશ-વિદેશના અનેક વેરી-વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન (VVIP) એમાં ભાગ લેવા આવવાના છે. એથી ટ્રાફિક સ્મૂધ રહે એ માટે BKCમાં આજથી ૧૫ જુલાઈ સુધી કેટલાય માર્ગો પર ટ્રાફિકનાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. આ નિયંત્રણો ચારેય દિવસ બપોરે ૧ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ નિયંત્રણોના ભાગરૂપે અનેક માર્ગો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આજે લગ્ન છે અને એ પછી બે દિવસ રિસેપ્શન ચાલશે અને ત્યાર બાદ સોમવારે અંબાણી પરિવારના ઘરના સ્ટાફ માટે અલાયદું રિસેપ્શન રાખવામાં આવ્યું છે.
BKCમાં અનેક પ્રાઇવેટ કંપનીઓની ઑફિસો આવેલી છે. વળી અહીં પહોંચવા માટે બાય રોડ જ આવવું પડે છે. એમાં અંબાણી પરિવારનાં લગ્નને કારણે ટ્રાફિક-રિસ્ટ્રિક્શન્સ અને ડાઇવર્ઝન મુકાયાં હોવાથી કર્મચારીઓને ઑફિસ આવવામાં મુશ્કેલી થઈ શકે એવી શક્યતા હોવાથી ઘણીબધી ઑફિસોએ આજે કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાની છૂટ આપી છે.
ADVERTISEMENT
આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન થઈ રહ્યાં છે એમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ રકમ અંબાણી પરિવારની સંપત્તિનો માત્ર અડધો ટકો જ છે.


