પંદર દિવસમાં ચાર વખત આખો દિવસ અર્નાળા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા : પોલીસ કમિશનરને ફરિયાદ કરી
પ્રતીકાત્મક તસવીર
વિરારના ચંદનસાર વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શૉપના માલિક ભાઈઓને સ્થાનિક પોલીસ દ્વારા પંદર દિવસથી હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીનો માલ ખરીદ્યો હોવાનું કહીને તેમને ચાર-ચાર વખત આખો દિવસ અર્નાળા પોલીસ સ્ટેશનમાં બોલાવીને બેસાડી રાખ્યા અને તેમના પર ચોરીનો માલ ખરીદવાનું કબૂલ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે. સ્થાનિક પોલીસની કનડગતની જ્વેલર ભાઈઓએ ડેપ્યુટી પોલીસ કમિશનર અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. અર્નાળા પોલીસનું કહેવું છે કે ચોરીના કેસમાં ઝડપવામાં આવેલા આરોપીએ માલ વેચ્યો હોવાનું કહ્યા બાદ જ્વેલર ભાઈઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને હજી સુધી પુરાવા હાથ નથી લાગ્યા એટલે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ.
વિરાર-ઈસ્ટમાં ચંદનસાર વિસ્તારમાં આવેલા કૃષ્ણા અપાર્ટમેન્ટમાં આનણા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. અર્નાળા પોલીસે આ દુકાનના માલિકો પુષ્કર અને જમુના વેણીરામ પ્રજાપતિને ૯ મેએ ચોરીનો માલ ખરીદ્યો હોવાની નોટિસ મોકલીને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું હતું. પંદર દિવસમાં બંને ભાઈઓને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાતાં તેમણે ચાર દિવસ દુકાન બંધ રાખવી પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે ચોરીનો માલ વેચ્યો હોવાનું કહેનારા આરોપી પાસે કોઈ પુરાવો નથી એટલે પોલીસે આ ભાઈઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી. પોલીસથી પરેશાન ભાઈઓએ શ્રી વિરાર જ્વેલર્સ વેલ્ફેર અસોસિએશન, મહારાષ્ટ્ર રાજ્ય સરાફ અને સુવર્ણકાર ફેડરેશન અને પોલીસ કમિશનરને આ સંબંધે ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
પોલીસની નોટિસમાં શું લખ્યું છે?
અર્નાળા પોલીસે આનણા જ્વેલર્સના માલિકો પુષ્કર અને જમુના પ્રજાપતિને ૯ મેએ નોટિસ મોકલી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘ગુનાની તપાસ માટે હાજર રહેવું. તમને જાણ કરવામાં આવે છે કે આ પોલીસ સ્ટેશનમાં ૯ એપ્રિલે ચોરી થવા બાબતે નોંધવામાં આવેલી ફરિયાદના મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ચોરી કરેલા સોનાના દાગીના તમારી દુકાનમાં વેચ્યા છે. આથી તમે ખરીદેલા આ દાગીના લઈને અર્નાળા પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ. હાજર નહીં થાઓ તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
આખો દિવસ બેસાડી રાખ્યા
આનણા જ્વેલર્સના જમુના પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અર્નાળા પોલીસે અમે ચોરીનો માલ ખરીદ્યો હોવાની નોટિસ મોકલી છે. જોકે પોલીસ એક બાળકને લઈને જે દિવસે દુકાનમાં આવી હતી ત્યારે તેણે મેં માલ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે એ દિવસે હું મારા વતનમાં હતો એટલે દુકાનમાં હોવાનો સવાલ જ નથી થતો. પંદર દિવસમાં ચાર વખત પોલીસે અમને અનાર્ળા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. પોલીસ પાસે અમે ચોરીનો માલ ખરીદ્યો હોવાનો કોઈ પુરાવો નથી એટલે કોઈ કાર્યવાહી નથી કરતી અને અમારા પર ગુનો કબૂલ કરવા માટે દબાણ કરી રહી છે. પોલીસ જે બાળકને લઈને દુકાનમાં આવી હતી તેને અમે ઓળખતા પણ નથી. પોલીસની હેરાનગતિથી અમારે દુકાન બંધ રાખવી પડે છે.’
દબાણથી જ્વેલર્સ પરેશાન
મહારાષ્ટ્ર રાજ્ય સરાફા સુવર્ણકાર ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ ભંવર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા જ્વેલરોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ખરેખર કોઈ દુકાનદાર ચોરીનો માલ લેતો હોય તો તેની સામે પોલીસ જરૂર કાર્યવાહી કરે, પણ બીજાઓને હેરાન કરવાનું બંધ કરે. અમે ડેપ્યુટી પોલીસ કમિશનરથી લઈને પોલીસ કમિશનર સુધી આ સંબંધે ફરિયાદ કરી છે. પુરાવા હોય તો પોલીસ કાર્યવાહી કરે, પણ તેમની પાસે કોઈ પુરાવા નથી એટલે ધંધો બંધ કરીને દુકાનદારોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમના પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.’
પુરાવા બાદ કાર્યવાહી કરાશે
અર્નાળા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કલ્યાણરાવ કર્પેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોના-ચાંદીના દાગીના ચોરી કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવેલા એક સગીર આરોપીએ આનણા જ્વેલર્સમાં ચોરીના દાગીના વેચ્યા હોવાનું કહ્યા બાદ અમે આ દુકાનના માલિકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે હજી સુધી આ કેસમાં પુરાવા હાથ નથી લાગ્યા એટલે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.’

