૧૫ દિવસમાં આ ડિમાન્ડ માનવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી મરાઠી એકીકરણ સમિતિએ : આની સામે વેપારીઓનું કહેવું છે કે ગ્રાહક જે ભાષા સમજે છે એ ભાષાનો અમે ઉપયોગ કરીએ છીએ, બાકી APMC સાથેનો તમામ વ્યવહાર મરાઠીમાં જ કરવામાં આવે છે
મરાઠી એકીકરણ સમિતિના હોદ્દેદારોએ તેમનું નિવેદન APMCના અધિકારીઓને આપી એના પર ૧૫ દિવસમાં પગલાં લેવા જણાવ્યું છે.
નવી મુંબઈમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠીમાં લગાડવામાં આવ્યાં છે, પણ હવે મરાઠી એકીકરણ સમિતિએ એવી માગણી કરી છે કે વેપારીઓ દ્વારા બનાવવામાં આવતાં બિલ અને રેટ કાર્ડ પણ મરાઠીમાં જ હોવાં જોઈએ. તેમનું કહેવું છે કે મરાઠી ભાષાને અવગણીને અત્યારે એ ગુજરાતી અને અંગ્રેજીમાં રાખવામાં આવ્યાં છે. મરાઠી એકીકરણ સમિતિએ APMC મૅનેજમેન્ટને એ મરાઠીમાં કરવા કહ્યું છે. એની સાથે એવી ચીમકી પણ આપી છે કે APMC મૅનેજમેન્ટ શું પગલાં લે છે એ ૧૫ દિવસમાં નહીં જણાવે તો APMCના ગેટની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ADVERTISEMENT
ગુજરાતીમાં લખેલાં આ રેટ કાર્ડ મરાઠીમાં લખવાની માગણી મરાઠી એકીકરણ સમિતિએ કરી છે.
મરાઠી એકીકરણ સમિતિના નવી મુંબઈના અધ્યક્ષ યોગેશ મોહને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લાં ચાર વર્ષથી આ માગણીને લઈને ફૉલો અપ કરી રહ્યા છીએ. અમે ત્યારના APMCના સંચાલક સાથે બેઠક પણ કરી હતી. ૩૧ જાન્યુઆરીએ પણ અમે તેમને નિવેદન આપ્યું હતું. અહીં કામ કરતા વેપારીઓને શૉપ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ઍક્ટના નિયમો લાગુ પડે છે. આ સિવાય ગ્રાહક હક સંરક્ષણ કાયદા (કન્ઝ્યુમર ઍક્ટ) હેઠળ ગ્રાહક જે ભાષા સમજે એમાં બિલ આપવાં જરૂરી છે. ખેડૂતોની અને અનેક નાના વેપારીઓની અમને ફરિયાદો મળી છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને વેપારીઓ ગુજરાતીમાં બિલ આપે છે અને વેપારીએ કઈ આઇટમનો કેટલો ભાવ લગાડ્યો છે એની જાણ થતી નથી. ઘરે જઈને પછી ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી એ બાબતની તેમણે ખાતરી કરવી પડે છે. વેપારીઓ વર્ષોથી અહીં ધંધો કરે છે પણ મરાઠીનો ઉપયોગ નથી કરતા અને ગુજરાતીમાં લખે છે, જેનો મહારાષ્ટ્ર સાથે કોઈ સંબંધ નથી. એથી અમે માગણી કરી છે કે બિલ અને રેટ કાર્ડ પણ મરાઠીમાં જ હોવાં જોઈએ.’
મરાઠી એકીકરણ સમિતિની આ માગણી વિશે માહિતી આપતાં APMCના દાણાબજારના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરાઠીમાં દુકાનનાં નામનાં પાટિયાં લખવાનો તો અમે અમલ કરી જ રહ્યા છીએ. બીજું, અમારી દુકાનો કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ છે. અમારે ત્યાં કમ્પ્યુટરમાં બિલ બને છે અને એની પ્રિન્ટ અંગ્રેજીમાં આવે છે. જ્યાં સુધી રેટ કાર્ડની ભાષાનો સવાલ છે તો અમારો ગ્રાહક જે ભાષા સમજે એ ભાષામાં અમે એને લગાડીએ છીએ. મરાઠી એકીકરણની માગણીની અમને જાણ છે. APMC સાથે જે પણ વ્યવહાર અમારે કરવાનો હોય છે એ અમે મરાઠીમાં જ કરીએ છીએ. એના માટે જે પણ શક્ય હોય એ પગલાં અમે લેતા હોઈએ છીએ.’
આ સંદર્ભે APMCના સેક્રેટરી ડૉ. પી. એલ. ખંડાગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરાઠી એકીકરણ સમિતિની આ રીતની માગણીનો અમને પત્ર મળ્યો છે. એની સાથે જ પ્રશાસને પણ આ બાબતનો સર્ક્યુલર મોકલાવ્યો છે. ટૂંક સમયમાં એક પરિપત્ર બહાર પાડી વેપારીઓને બીજા નિયમોની સાથે આ નિયમોનું પાલન કરવાનું પણ કહેવામાં આવશે.’


