Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

બંધને કરો બંધ

Published : 10 October, 2021 08:55 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ધંધાપાણી માંડ-માંડ પાટે ચડ્યા છે ત્યાં રાજકારણીઓના બંધના ભવાડાથી ભડકેલા વેપારીઓ સોમવારના બંધમાં ધરાર નહીં જોડાય : તહેવારોમાં આ વખતે નીકળેલી ચિક્કાર ઘરાકીને છોડવા માટે વેપારીઓ નથી તૈયાર

હંમેશની જેમ ધમધમતી એપીએમસી માર્કેટ અને રીટેલ ટ્રાન્સપોર્ટ અસોસિએશન ઑફ નવી મુંબઈનું સોમવારે કામ ચાલુ હોવાનું ગઈ કાલે મુકાયેલું બોર્ડ

હંમેશની જેમ ધમધમતી એપીએમસી માર્કેટ અને રીટેલ ટ્રાન્સપોર્ટ અસોસિએશન ઑફ નવી મુંબઈનું સોમવારે કામ ચાલુ હોવાનું ગઈ કાલે મુકાયેલું બોર્ડ


મહારાષ્ટ્રની શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડી સરકારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં ખેડૂતોનાં મોતના વિરોધમાં આવતી કાલે સોમવારે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. બુધવારે સરકારે કૅબિનેટમાં આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતો ઠરાવ પસાર કરીને ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપીને સોમવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું હતું. જોકે મહારાષ્ટ્રનાં વેપારી સંગઠનોએ કોરોનાના લૉકડાઉન પછી મુંબઈ અને મહારાષ્ટ્ર અનલૉક થતાં માંડ વ્યાપારની ગાડી પાટા પર ચડી છે ત્યારે તહેવારોમાં ઘરાકીને સમયે બંધમાં નહીં જોડાવાનો નિર્ણય લીધો હતો.

આ બાબતની માહિતી આપતાં ગ્રેન, રાઇસ ઍન્ડ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બંધમાંથી જીવનાવશ્યક વસ્તુઓને બાકાત રાખવામાં આવી છે. આમ છતાં નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટને બંધ રાખવા માટે અમને કહેવામાં આવ્યું છે. જોકે અત્યારના તહેવારોના સમયે ઘણા લાંબા સમય પછી ઘરાકી ખૂલી છે. એવા સમયે વેપારીઓ આ બંધમાં જોડાવા તૈયાર નથી. આથી એપીએમસીના દાણાબજારના વેપારીઓ આ બંધમાં જોડાશે નહીં એવો અમે નિર્ણય લીધો છે.’



બે-બે લૉકડાઉન પછી આર્થિક મોરચે લગભગ બધાં જ ક્ષેત્રોના વેપારીઓએ ઘણું બધું નુકસાન સહન કર્યું છે એટલે આવા સમયે હવે કોઈ બંધ વેપારીઓને પોસાય એમ નથી એમ જણાવતાં ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના જનરલ સેક્રેટરી અને ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના પ્રેસિડન્ટ મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણાં બધાં સેક્ટરો જેમ કે હૉસ્પિટાલિટી સેક્ટર, ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ, બૅન્ક્વેટ હૉલ, ડીજે પાર્ટી, મૅરેજ પ્રસંગોનાં કપડાં, ડેકોરેશન વગેરેના દુકાનદારો-વ્યાવસાયિકો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યા છે. અનેક વેપારીઓ તો તેમની ઓરિજિનલ લાઇનમાંથી બહાર આવીને અન્ય ક્ષેત્રમાં સંઘર્ષ કરીને ફરીથી બેઠા થવા ઝઝૂમી રહ્યા છે. નવરાત્રિથી ઘરાકીમાં તેજી આવી છે ત્યારે એમાં બંધ રાખીને બ્રેક આપવો ખૂબ જ આકરો પડી શકે એમ છે ત્યારે મહારાષ્ટ્ર બંધમાં જોડાવું તેમના માટે અશક્ય છે.’


ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સોમવારના બંધમાં જોડાવાના નથી. આમ છતાં અમારા અસોસિએશન તરફથી અમે મહારાષ્ટ્ર બંધમાં જોડાવાની કે ન જોડાવાની કોઈ જ પ્રકારની અપીલ અમારા સંગઠન સાથે સંકળાયેલા વેપારીઓને કે વેપારી સંગઠનોને કરી નથી.’

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ વીરેન શાહે પણ સોમવારના બંધમાં રીટેલરો જોડાશે નહીં એમ જણાવ્યું હતું.


અમુક રીટેલ દુકાનોના વેપારીઓએ સોમવારના બંધમાં જોડાવાનો ઇનકાર કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ન કરીએ. એટલે અમે અત્યારે દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે, પણ એ બાબતની કોઈ ઑફિશ્યલી જાહેરાત કરી નથી. સોમવારે જો બળજબરીથી બંધ કરાવવામાં આવે તો અમારી પાસે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ પણ નથી.’

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2021 08:55 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK