Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠાકરેએ અણ્ણાને ‘વાકડા તોંડાચા ગાંધી’ ઉપમા આપી હતી, વાગ્યુદ્ધ ફરી ભડક્યું

ઠાકરેએ અણ્ણાને ‘વાકડા તોંડાચા ગાંધી’ ઉપમા આપી હતી, વાગ્યુદ્ધ ફરી ભડક્યું

08 October, 2011 04:46 PM IST |

ઠાકરેએ અણ્ણાને ‘વાકડા તોંડાચા ગાંધી’ ઉપમા આપી હતી, વાગ્યુદ્ધ ફરી ભડક્યું

ઠાકરેએ અણ્ણાને ‘વાકડા તોંડાચા ગાંધી’ ઉપમા આપી હતી, વાગ્યુદ્ધ ફરી ભડક્યું


 



સેનાસુપ્રીમોની બુદ્ધિ સાઠે નાઠી ગઈ હોવાનું કહેનારા હઝારેને વેર નહીં બાંધવાની ચેતવણી


બાળ ઠાકરેએ દશેરાની રૅલીમાં અણ્ણા હઝારેના આંદોલન અને તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા જલસા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘અણ્ણા માટે મને આદર છે, પણ તેમના આંદોલનને નામે એક મહિનો આખા દેશમાં ધમાલ ચાલી રહી હતી. (અરવિંદ) કેજરીવાલના શરીરમાં માતાજી આવ્યાં હતાં અને પેલી (કિરણ) બેદી વિચારનાં બૈદાં (ઈંડાં) મૂકતી હતી. બહાર ઉપવાસ ચાલી રહ્યા હતા અને અંદર તેમના કાર્યકરો જૂસ, સમોસાં, પુલાવ આરોગી રહ્યા હતા. અણ્ણા, આવી રીતે ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવશે નહીં; તમારી જાળ ફાટી જશે અને માછલાં બહાર નીકળી જશે.’

બાળ ઠાકરેના નિવેદન પર અણ્ણા હઝારેએ ગઈ કાલે અત્યંત તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘સાઠે બુદ્ધિ નાઠે છે એમ કહેવાય છે. આવું જ કંઈ બાળાસાહેબ સાથે થયું હોવાનું લાગે છે. ઉંમર વધી ગઈ હોવાથી તેઓ કંઈ પણ અસંબદ્ધ બડબડ કરી રહ્યા છે.’

પોતાના અનશનને કારણે જ રાજ્યની શિવસેના-બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ની યુતિ સરકાર સત્તામાંથી ગઈ હતી એની યાદ અપાવવાનું પણ તેઓ ભૂલ્યા નહોતા.

અણ્ણાની આવી ટીકાથી તમતમી ઊઠેલા બાળ ઠાકરે વતી શિવસેનાના નેતા સંસદસભ્ય સંજય રાઉતે એક અખબારી નિવેદન બહાર પાડીને તેમની ટીકાનો જવાબ આપ્યો હતો. આ નિવેદનમાં બાળ ઠાકરે વતી એમ કહેવામાં આવ્યું છે કે ‘અણ્ણા જે કંઈ બોલ્યા છે એનો જવાબ અમે આપી શકીએ છીએ, કેમ કે અમે કંઈ ગાંધીવાદી નથી. અમારી વધતી ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી અમે અણ્ણાને કહીએ છીએ કે હા, અમારી ઉંમર વધી રહી છે, પરંતુ તમે ઉંમરમાં નાના છો એટલે આ બાલિશતા તમને શોભતી નથી. લેવાદેવા વગર અમારી સાથે વેર કરવાની ઝંઝટમાં પડશો નહીં.’

અણ્ણા-ઠાકરે યુદ્ધનો ઇતિહાસ

સામાજિક કાર્યકર અણ્ણા હઝારે અને શિવસેનાના વડા બાળ ઠાકરે વચ્ચેનું વાગ્યુદ્ધ પ્રથમ વખતનું નથી. આ પહેલાં પણ બન્ને વચ્ચે ભારે વાગ્યુદ્ધ થયું હતું. રાજ્યમાં શિવસેના-બીજેપી યુતિની સરકાર હતી ત્યારે અણ્ણા હઝારે સરકારમાં રહેલા ભ્રષ્ટ પ્રધાનોના વિરોધમાં અનશન પર બેઠા હતા અને ત્યારે બાળ ઠાકરેએ તેમને ‘વાકડા તોંડાચા ગાંધી’ - વાંકા મોઢાના ગાંધીની ઉપમા આપી હતી. જોકે તાજેતરમાં જનલોકપાલ બિલની માગણી સાથે અણ્ણા હઝારે દિલ્હીમાં અનશન પર બેઠા ત્યારે બાળ ઠાકરેએ તેમના અનશનને સમર્થન જાહેર કર્યું હતું. ત્યારે એવી અટકળ જાગી હતી કે બન્ને પક્ષે પાછી માંડવાળ થઈ ગઈ છે, પરંતુ ગઈ કાલની ટપાટપી બાદ બન્ને વચ્ચે વાગ્યુદ્ધનો બીજો દોર શરૂ થયો હોવાનું મનાઈ રહ્યું છે.

હરિયાણામાં અણ્ણાએ વિડિયો બહાર પાડીને કૉન્ગ્રેસ વિરુદ્ધ કર્યો પ્રચાર

ભ્રષ્ટાચારવિરોધી આંદોલનકર્તા અણ્ણા હઝારેએ એક વિડિયો-સી.ડી. બહાર પાડીને લોકોને એવી અપીલ કરી છે કે હરિયાણાના હિસાર ખાતે આવી રહેલી ચૂંટણીમાં તેમણે કૉન્ગ્રેસને મત આપવો નહીં. હિસારની સંસદીય બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં જીતવાનું આમ પણ કૉન્ગ્રેસ માટે અઘરું હતું. કેમ કે આ વિસ્તાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભજનલાલનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર હવે તેમના પુત્ર કુલદીપ બિશ્નોઈ લડી રહ્યા છે. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપ્રકાશ મેદાનમાં ઊતર્યા છે. એમાંય અણ્ણાએ ૧૦ મિનિટ લાંબી સી.ડી.માં જનલોકપાલ બિલ લાવવામાં નિષ્ફળ ગઈ હોવાથી હિસારની બેઠક પર કૉન્ગ્રેસને વોટ ન આપવાની અપીલ કરતાં હવે કૉન્ગ્રેસ માટે આ બેઠક જીતવાનું વધુ અઘરું બનશે. અણ્ણા પોતે હિસારમાં કૉન્ગ્રેસવિરોધી ઝુંબેશ માટે જવાના નથી, પરંતુ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ગોપાલ રાય અને નવીન જયહિન્દ જેવા કાર્યકર્તાઓ આજે હિસાર જવા નીકળી જશે અને પ્રચારઝુંબેશ પૂર્ણ થવા સુધી એટલે કે ૧૦ ઑક્ટોબર સુધી ત્યાં રહેશે.

શિવસેનાની દશેરા રૅલીના આયોજક નેતાઓ સામે એફઆઇઆર

શિવસેનાની દશેરા રૅલીના આયોજકો સામે ધ્વનિપ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મે‍શન રર્પિોટ) દાખલ કરવામાં આવી છે. શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર શિરીષ ગાયકવાડે કહ્યું હતું કે ‘દશેરા રૅલીનું આયોજન કરનારા શિવસેનાના વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય અનિલ પરબ, પાર્ટીના દાદર વિસ્તારની શાખાના વડા મિલિંદ વૈદ્ય અને પાર્ટીના સેક્રેટરી દિવાકર બોરકર સામે ધ્વનિપ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

બૉમ્બે હાઈ ર્કોટે‍ ગયા વર્ષે‍ શિવાજી પાર્કને સાઇલન્સ ઝોન જાહેર કર્યા બાદ ૪૦ વર્ષથી દશેરા રૅલીનું આયોજન કરતી શિવસેનાને પોલીસે પરવાનગી નકારી કાઢી હતી. બાદમાં પરબે હાઈ ર્કોટમાં અરજી કરી હતી અને તેમને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરીને રૅલીનું આયોજન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી. એમાં સાઇલન્સ ઝોનમાં ધ્વનિની મહત્તમ મર્યાદા ૫૫ ડેસિબલની નક્કી કરવામાં આવી છે. શિરીષ ગાયકવાડે કહ્યું હતું કે ‘અમે ધ્વનિપ્રદૂષણનું સ્તર માપ્યું ત્યારે અમને જોવા મળ્યું હતું કે દશેરાની રૅલી દરમ્યાન સાંજે ૬.૪૫થી લઈને રાતે ૯.૨૧ વાગ્યાની વચ્ચે અનેક વખત ધ્વનિપ્રદૂષણનું સ્તર ૫૫ ડેસિબલને વટાવી ગયું હતું. આથી અમે રૅલીના આયોજકો સામે ગુનો નોંધ્યો છે.’

મુંબઈને કોઈ વિખૂટું પાડવા માગતું નથી : અજિત પવાર

મુંબઈને મહારાષ્ટ્રથી વિખૂટું પાડવાનો પ્રયાસ કરનારાને પિસ્તોલ લઈને ગોળી મારી દઈશ એવા શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘કોઈ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. જેવા સાથે તેવી ભાષામાં વાત કરતાં અમને પણ આવડે છે, પણ અમારી સંસ્કૃતિ એવી નથી. શિવસેના પાસે વિકાસના મુદ્દા ન હોવાથી લોકોને ગેરમાર્ગે‍ દોરવાનો પ્રયાસ કરે છે. કૉન્ગ્રેસનાં વડા સોનિયા ગાંધી અને ચીફ મિનિસ્ટરની ટીકા કરીને લોકોની તાળીઓ મેળવવાનું જ તેમને આવડે છે.’

દાદરનું નહીં તો મુંબઈ સેન્ટ્રલનું નામ બદલો : રામદાસ આઠવલે

દાદર રેલવે-સ્ટેશનનું નામ નહીં બદલવામાં આવે એવા શિવસેનાના વડા બાળ ઠાકરેના જોરદાર નિવેદન બાદ આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે)ના નેતા રામદાસ આઠવલેએ તરત જ પલટી મારતાં કહ્યું હતું કે ‘મેં દાદર સ્ટેશનનું નહીં, પરંતુ મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનનું નામ બદલવાની માગણી કરી હતી અને એનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર આપવાની માગણી કરી હતી. દાદર જેવા નાના સ્ટેશનનું નામ બદલવાની માગણી મેં ક્યારેય કરી જ નહોતી.’

મીરા-ભાઈંદરમાં મોરચો

મીરા-ભાઈંદરમાં રિક્ષાવાળાઓ દ્વારા થતી લોકોની છેતરપિંડીના વિરોધમાં આજે સાંજે પાંચ વાગ્યે મીરા રોડ સ્ટેશનની બહાર પબ્લિક અવેરનેસ તેમ જ આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી)ને લોકોની કમ્પ્લેઇન્ટ્સ પહોંચાડવા ટીમ અણ્ણા દ્વારા મોરચો કાઢવામાં આવશે. અગાઉ રિક્ષાવાળાઓ વિરુદ્ધ સિગ્નેચર ઝુંબેશ પણ ચલાવાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2011 04:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK