Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોટું પરાક્રમ કર્યું હોય એવું અનિલ દેશમુખનું જેલની બહાર થયું સ્વાગત

મોટું પરાક્રમ કર્યું હોય એવું અનિલ દેશમુખનું જેલની બહાર થયું સ્વાગત

Published : 29 December, 2022 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ કરોડની ખંડણીના આરોપી એનસીપીના નેતાને મળવા માટે અજિત પવાર સરકારી વિમાનમાં મુંબઈ આવ્યા : સુપ્રિયા સુળે, જયંત પાટીલ, પ્રફુલ પટેલ, દિલીપ વળસે પાટીલ, છગન ભુજબળ સહિતના નેતાઓ પણ આર્થર રોડ જેલની બહાર હાજર રહ્યા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગઈ કાલે જામીન પર જેલમાંથી છૂટ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.  સમીર માર્કન્ડે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગઈ કાલે જામીન પર જેલમાંથી છૂટ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમીર માર્કન્ડે


મુંબઈ : ૧૦૦ કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં જેલમાં બંધ એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખને જામીન મળતાં તેઓ ગઈ કાલે મુંબઈની આર્થર રોડ જેલની બહાર આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે તેમને મળવા માટે નાગપુરમાં શિયાળુ સત્રમાંથી વિરોધ પક્ષના નેતા અને એનસીપીના નેતા અજિત પવાર રાજ્ય સરકારના વિમાનમાં મુંબઈ પહોંચ્યા હતા. અનિલ દેશમુખ ગઈ કાલે સાંજે આર્થર રોડ જેલની બહાર આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે સુપ્રિયા સુળે, જયંત પાટીલ, પ્રફુલ પટેલ, દિલીપ વળસે પાટીલ, છગન ભુજબળ સહિતના નેતાઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અનિલ દેશમુખ કોઈ મોટું પરાક્રમ કરીને આવી રહ્યા હોય એવી તૈયારી એનસીપીએ જેલની બહાર કરી હતી. અનિલ દેશમુખ ૧૩ મહિના અને ૨૬ દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા હતા. કોર્ટે અનિલ દેશમુખને મુંબઈ ન છોડવાની શરતે જામીન આપ્યા છે એટલે તેઓ મુંબઈ છોડી નહીં શકે.

નાગપુરમાં અત્યારે રાજ્યની વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એ છોડીને એનસીપીના નેતા અને વિરોધ પક્ષના નેતા અજિત પવાર ગઈ કાલે રાજ્ય સરકારના વિમાનમાં બપોર બાદ મુંબઈ પહોંચ્યા હતા. પત્રકારોએ તેમને આ વિશે પૂછતાં અજિત પવારે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષના નેતા હોવાથી તેમને સરકારી વિમાનનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અનિલ દેશમુખ જેલની બહાર આવી રહ્યા છે એટલે તેમને મળવા માટે હું મુંબઈ જઈ રહ્યો છું. મેં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ વિશે વાત કરી ત્યારે તેમણે મને રાજ્ય સરકારનું વિમાન ઉપલબ્ધ કરાવી આપ્યું હતું.’
એનસીપીના મોટા નેતાઓની સાથે અસંખ્ય કાર્યકરો ગઈ કાલે આર્થર રોડ જેલની બહાર જોવા મળ્યા હતા. જેલની બહાર આવ્યા બાદ અનિલ દેશમુખ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગયા હતા. આ સમયે એનસીપી દ્વારા આર્થર રોડ જેલથી સિદ્ધિવિનાયક મંદિર સુધી બાઇક-રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



ઉલ્લેખનીય છે કે એનસીપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવાનો આરોપ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડી અને સીબીઆઇ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી.


મુંબઈ કોઈના બાપની નથી

કર્ણાટકના પ્રધાન સી. એન. અશ્વથ્ય નારાયણે મુંબઈમાં ૨૦ ટકા લોકો કર્ણાટકના રહેતા હોવાથી આ શહેરને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવાની માગણી કરી છે. એટલું જ નહીં, કર્ણાટકના કાયદાપ્રધાન માધુ સ્વામી અને વિધાનસભ્ય લક્ષ્મણ સૌદીએ તો મુંબઈ કર્ણાટકનું હોવાનો દાવો કર્યો છે. આ વિશે ગઈ કાલે રાજ્યના શિયાળુ અધિવેશનમાં પડઘા પડ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કર્ણાટકના પ્રધાનોએ જે કહ્યું છે એમાં સત્ય નથી. મુંબઈ મહારાષ્ટ્રનું છે. મુંબઈ કોઈના બાપનું નથી. કર્ણાટકના નેતાઓના આવા દાવા ચલાવી નહીં લેવાય. કર્ણાટકના પ્રધાનોનાં આ વિવાદાસ્પદ નિવેદનો અને દાવાની માહિતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવશે. આ સિવાય કર્ણાટક સરકારને પણ વિરોધ કરતો પત્ર લખવામાં આવશે.’


કર્ણાટકના પ્રધાન સી. એન. અશ્વથ્ય નારાયણે ગઈ કાલે કહ્યું હતું કે મુંબઈમાં ૨૦ ટકા વસ્તી કર્ણાટકના લોકોની છે. આથી મુંબઈને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવું જોઈએ. શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બે દિવસ પહેલાં નાગપુર અધિવેશનમાં કહ્યું હતું કે કર્ણાટકના સીમા વિવાદવાળા વિસ્તારનો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં નિકાલ ન આવે ત્યાં સુધી એને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવો જોઈએ.

મહાવિકાસ આઘાડીના નેતાઓએ મહાપુરુષોનું અપમાન કરેલું

વિરોધ પક્ષો દ્વારા મહાપુરુષોનું અપમાન કરવા બાબતે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વિધાનસભામાં મહાવિકાસ આઘાડીના કેટલા નેતાઓએ મહાપુરુષોનું અપમાન કર્યું હતું એની યાદી વાંચી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘રાજ્યપાલ અને ચંદ્રકાંત પાટીલે છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફુલે, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનું તમે કહી રહ્યા છો ત્યારે તમે મહાવિકાસ આઘાડીઓનાં નિવેદનો કેમ નજરઅંદાજ કરો છો? સુષમા અંધારેએ સંતોનું અપમાન કર્યું, અમોલ મિટકરી વિઠ્ઠલની તુલના શરદ પવાર સાથે કરે છે, સંજય રાઉતની માતાની તુલના જીજાઉ સાથે કરાય છે, અફઝલ ખાનનું સૈન્ય મોકલો એમ કહીને વિરોધીઓ પોતાને છત્રપતિ શિવાજી માની રહ્યા છેસ ઉદયનરાજે ભોસલે છત્રપતિના વંશજ હોવા સામે શંકા કરી રહ્યા છો, ‘સામના’ના લેખમાં છત્રપતિને બદલે શિવાજી શિવાજી લખવામાં આવે છે. આ શું મહાપુરુષોનું અપમાન નથી?’

સુભાષ દેસાઈએ ૧૨૦ કરોડનું જમીનકૌભાંડ કર્યાનો આરોપ

ઔરંગાબાદના એમઆઇએમના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા સુભાષ દેસાઈ પર ૧૨૦ કરોડ રૂપિયાનું જમીનકૌભાંડ કરવાનો આરોપ મૂક્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં ઇમ્તિયાઝ જલીલે દાવો કર્યો હતો કે ‘ચિકલધાણા ઇન્ડસ્ટ્રિયલ ભાગમાં બાવન પ્લૉટ રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. આમાં સૌથી મોટો એજન્ટ સુભાષ દેસાઈનો પુત્ર હતો. આથી આ બાબતની એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવવી જોઈએ. તપાસ થશે તો સુભાષ દેસાઈ જેલમાં જશે. આ લૅન્ડ કન્વર્ઝન થયું ત્યારે સુભાષ દેસાઈ ઉદ્યોગપ્રધાન હતા. રાજ્યમાં અત્યાર સુધી ૩૨ હજાર એકર જમીન ૧૫ વર્ષમાં ઇન્ડસ્ટ્રિયલ કન્વર્ઝન થઈ છે. તત્કાલીન ઉદ્યોગપ્રધાન નારાયણ રાણેના સમયમાં પણ આવું થયું છે એટલે તેમની પણ તપાસ થવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2022 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK