આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં નવી સરકારની સ્થાપના થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી સતત પાછળ ધકેલવામાં આવી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા આડે કોઈ મુશ્કેલી ન હોવાનો સંકેત શનિવારે આપ્યો હતો. આથી મુંબઈ અને થાણે સહિત રાજ્યભરની ૫૧ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને ગ્રામપંચાયતની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ શકે છે.
એક બિનસરકારી સંસ્થાએ મુંબઈ અને થાણે મહાનગરપાલિકાની ચૂંટણી વહેલી તકે યોજવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ અરજીની શનિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે સંબંધિતોને ચૂંટણી યોજવામાં આવતી અડચણો દૂર કરવાના નિર્દેશ આપ્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા સામે કોઈ પણ કોર્ટે સ્ટે નથી આપ્યો. સૂત્રો મુજબ મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળ્યો છે એટલે જનતાનો મૂડ તેમની બાજુએ છે એવી ગણતરીથી ટૂંક સમયમાં જ રાજ્યની તમામ મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતાઓ છે. ચૂંટણીની તૈયારી કરવા માટે એકાદ મહિનો લાગશે એટલે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. બીજું, માર્ચ મહિનામાં સ્કૂલ-કૉલેજમાં એક્ઝામ્સ હોય છે એટલે ચૂંટણી યોજવી શક્ય નથી અને એપ્રિલ-મે મહિનામાં વેકેશન હશે. આ સમયે લોકો બહારગામ ઊપડી જતા હોય છે એટલે પણ ચૂંટણીમાં મુશ્કેલી આવી શકે છે. આથી ફેબ્રુઆરીમાં જો ચૂંટણી ન થાય તો જૂન મહિના સુધી રાહ જોવી પડશે.


