અમેરિકાની પ્રાઇવેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઇ-અપ કરીને મુંબઈ ઉપરાંત અમદાવાદમાં પણ હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ બનાવવામાં આવશે
ગૌતમ અદાણી
કાંદિવલીમાં ૭ એકરના પ્લૉટમાં ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૦૦ બેડની સૌથી મોટી પ્રાઇવેટ હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ ઊભી કરવાના પ્રોજેક્ટ સાથે અદાણી ગ્રુપ હેલ્થકૅર સેક્ટરમાં ઝંપલાવશે. અદાણી ગ્રુપે સોમવારે જાહેર કર્યું હતું કે અમેરિકાની મેયો ક્લિનિક સાથે ટાઇ-અપ કરીને એ મુંબઈ અને અમદાવાદમાં મળીને કુલ ૬૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૧૦૦૦ બેડની બે હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ શરૂ કરશે. મેયો ક્લિનિક અમેરિકાની પ્રાઇવેટ ઍકૅડેમિક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે.
અદાણી ગ્રુપના ચૅરપર્સન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં મારા પરિવારે હેલ્થકૅર, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયા કમિટ કરીને મને ૬૦મી વર્ષગાંઠની ગિફ્ટ આપી હતી. અમે ભારતમાં અત્યાધુનિક ચિકિત્સામાં નવીનતા સાથે સ્વસ્થ અને મજબૂત ભારત બનાવવા માટેનું મિશન શરૂ કરી રહ્યા છીએ. આ તો હજી શરૂઆત છે.’
ADVERTISEMENT
અદાણી ગ્રુપ કાંદિવલીમાં નવી હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ ઉપરાંત નવી મુંબઈમાં બની રહેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે ઉળવેમાં પણ હૉસ્પિટલ બનાવવાનો પ્લાન ધરાવે છે. કાંદિવલીમાં બનાવવામાં આવનારી હૉસ્પિટલમાં સમાજના તમામ વર્ગના લોકો માટે બેડની વ્યવસ્થા હશે. અદાણી મેડિકલ કૉલેજમાં શરૂઆતમાં ૧૫૦ અન્ડરગ્રૅજ્યુએટ્સ અને ૮૦ રેસિડન્ટ ડૉક્ટર અને ૪૦થી વધુ કર્મચારીઓ હશે.


