Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શો મસ્ટ ગો ઑન

02 August, 2022 09:03 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કેતકી રસિક દવેએ આ જ વાતને જબરદસ્ત પાળી દેખાડી અને હસબન્ડ રસિક દવેના દેહાંતના એક્ઝૅક્ટ ૭૨ કલાક પછી સ્ટેજ પર આવીને ‘ખેલ ખેલે ખૈલેયા’ નાટકનો ભવન્સમાં પહેલેથી નિર્ધારિત થયેલો શો કર્યો

ભવન્સમાં કેતકી દવેને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું

ભવન્સમાં કેતકી દવેને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું


રંગભૂમિ સાથે જોડાયેલાં ઍક્ટર્સ કેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જવાબદારી નિભાવતાં હોય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રવિવારે રાતે જાણીતાં ઍક્ટ્રેસ કેતકી દવેએ પુરવાર કર્યું હતું. ગુરુવારે રાતે તેમના હસબન્ડ અને જાણીતા ઍક્ટર રસિક દવેનું નિધન થયું અને એ પછી પણ રવિવારે કેતકીબહેન જે નાટકનાં લીડ ઍક્ટ્રેસ છે તેમણે ગુજરાતી નાટક ‘ખેલ ખેલે ખૈલેયા’નો ભવન્સ ઑડિટોરિયમનો રાતે પોણાઆઠ વાગ્યાનો શો પૂરેપૂરી નિષ્ઠાથી ભજવ્યો.

નાટકના ડિરેક્ટર કિરણ ભટ્ટે કહ્યું, ‘કેતકીએ જે પ્રકારનું પ્રોફેશનલિઝમ પુરવાર કર્યું છે એ ભાગ્યે જ કોઈ દર્શાવી શકે. કાકા કે મામા કે પછી હૉસ્પિટલમાં ઍડ્મિટ હોય એવા પેરન્ટ્સના દેહાંતના બીજા દિવસથી અમે સામાન્ય રીતે શો રદ કરી દઈએ છીએ. મારા જિગરજાન ફ્રેન્ડ એવા રસિકના દેહાંત પહેલાં જ આ શો અનાઉન્સ થઈ ગયો હતો, પણ જે પ્રકારની ઘટના બની એ જોતાં મારી શો રદ કરવાની પૂરેપૂરી તૈયારી હતી અને મેં કેતકીને પણ પૂછ્યું હતું, પણ તેણે જ ના પાડીને કહ્યું કે આ સમયે મારી આંખ સામે મમ્મી સરિતા જોષી અને હસબન્ડ રસિક દવેની ફિલોસૉફી પર જ ચાલવું છે, શો મસ્ટ ગો ઑન. નાટક અટકવું ન જોઈએ અને તેણે એ જ કરી દેખાડ્યું.’



ગુજરાતી નાટક ‘ખેલ ખેલે ખેલૈયા’ નાટકના શો માટે ઑડિયન્સની પણ માનસિક તૈયારી હતી કે કાં તો નાટક રદ થશે અને કાં તો કેતકી દવેનું રિપ્લેસમેન્ટ થયું હશે, પણ એને બદલે રવિવારે રાતે પોણાઆઠ વાગ્યે કેતકીબહેનને સ્ટેજ પર જોઈને ઑડિયન્સ પણ ગદ્ગદ થઈ ગયું હતું.


નાટક પૂરું થયા પછી કર્ટન કૉલમાં કેતકીબહેનનું કોઈ ઇન્ટ્રોડક્શન આપવું નહોતું પડ્યું. ડિરેક્ટર કિરણ ભટ્ટ પોતે ખાસ આ શો માટે ભવન્સ ગયા હતા. કિરણ ભટ્ટ કહે છે, ‘જેવું હું બોલ્યો કે નાટકનાં લીડ ઍક્ટ્રેસની ઓળખાણ આપું કે... તરત જ ઑડિયન્સ ઊભી થઈ ગઈ અને પાંચ મિનિટ સુધી સ્ટૅન્ડિંગ ઓવેશન સાથે તાળીઓના ગડગડાટથી આખું ઑડિટોરિયમ ગજવી મૂક્યું હતું. બીજું તો શું કહું હું, બસ, મારી પાસે ત્રણ જ શબ્દો છે, હૅટ્સ ઑફ કેતકી.’

કેતકી દવેને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘રસિક ક્યારેય શો રદ કરવામાં માનતા નહીં અને એ જ વાતનું મેં પાલન કર્યું છે એની મને ખુશી છે. હું જાણું છું કે એ શોને કારણે રસિક અત્યારે સૌથી વધારે ખુશ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2022 09:03 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK