શારજાહની જેલમાં રહેલી ‘સડક-ટૂ’ની હિરોઇનની એક ડ્રગ્સ ભરેલી ટ્રોફી લઈ જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં ખબર પડી કે આઇસી કૉલોનીમાં રહેતા આરોપીએ ઍક્ટ્રેસની મમ્મી સાથે તેની બહેન સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા માટે જ આવું કર્યું હતું
શારજાહ ઍરપોર્ટ પર પોલીસનો સંપર્ક કરતાં પહેલાં ઍક્ટ્રેસ ક્રિસન પરેરાએ પરિવારને ટ્રોફીનો ફોટો પણ મોકલ્યો હતો.
એક ગુજરાતી સહિત અન્ય ત્રણને ફસાવવાનો પ્રયાસ થયો હતો, પણ તેઓ બચી ગયા
બદલો લેવા માટે કોઈ વ્યક્તિ કઈ હદ સુધી જઈ શકે? મુંબઈ પોલીસે એક એવી વ્યક્તિની તાજેતરમાં ધરપકડ કરી છે જેણે ત્રણ વ્યક્તિને છેતરીને તેમને ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હોય એવી ટ્રોફી અને આવા જ ડ્રગ્સવાળી કેક લઈને બે વ્યક્તિને દુબઈ મોકલી હતી, જેથી તેમની સામે બદલો લઈ શકાય. બે વ્યક્તિઓ તેની જાળમાં ફસાઈ ગઈ, જ્યારે ત્રીજી વ્યક્તિ બચી ગઈ હતી. મુંબઈ પોલીસે શારજાહ ઍરપોર્ટ પર ટ્રોફીમાં ડ્રગ્સ છુપાવીને મોકલવાના ગુનાસર એક ઍક્ટ્રેસની ધરપકડને મામલે એક વ્યક્તિ અને તેના સાથીદારની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
૨૭ વર્ષની ઍક્ટ્રેસ ક્રિસન પરેરાની ધરપકડના ‘મિડ-ડે’ના રિપોર્ટ સંદર્ભે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે વ્યક્તિની ધરપકડ કરી હતી. ઍક્ટ્રેસને આરોપી દ્વારા આંતરરાષ્ટ્રીય વેબ-સિરીઝમાં ભૂમિકા આપવાનું વચન આપીને છેતરવામાં આવી હતી. મુંબઈમાં ઘણી ચર્ચા બાદ ઑડિશન માટે તેને દુબઈ મોકલવામાં આવી હતી અને સાથે એક ટ્રોફી આપવામાં આવી હતી, જેનો ઉપયોગ ઑડિશન માટે કરવાનો હતો. ઑથોરિટીને ખબર પડી કે એમાં ડ્રગ્સ છે એથી તેની શારજાહ ઍરપોર્ટ પર ધરપકડ કરી હતી. પહેલી એપ્રિલથી તે શારજાહની જેલમાં છે.
તપાસ દરમ્યાન ખબર પડી કે આરોપીએ આવી જ છેતરપિંડી અન્ય ચાર લોકો સાથે પણ કરી હતી, જેમાં તેનો હેતુ બદલો લેવાનો હતો. ત્રણ તો દુબઈથી પાછા આવી ગયા, પરંતુ ઍક્ટ્રેસ સહિત બે જણની શારજાહમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ બોરીવલીની આઇસી કૉલોનીમાં રહેતા ૩૫ વર્ષના ઍન્થની પૉલ અને મલાડમાં બેકરીના માલિક ૩૫ વર્ષના રાજેશ બુભાટે તરીકે કરવામાં આવી છે. વળી તે એક જાણીતી બૅન્કમાં અસિસ્ટન્ટ મૅનેજર છે.
અંગત અદાવત
પૉલે ઍક્ટ્રેસની મમ્મી પ્રેમીલા સાથે થયેલા ઝઘડાનો બદલો લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમીલા અને પૉલની બહેન પાડોશી હતાં. તેમની વચ્ચે કોવિડ-19 દરમ્યાન માર્ગદર્શક સૂચનોનું પાલન ન કરવા અને પાળતુ પ્રાણીઓને લઈને વિવાદ હતો. ઍક્ટ્રેસની મમ્મી ડૉગ-લવર હતી જેને લઈને પૉલ અને તેની બહેન સાથે તેમનો ઝઘડો થયો હતો.
તપાસ દરમ્યાન ખબર પડી કે પ્રેમીલા સાથે થયેલા ઝઘડાનો બદલો પૉલે તેની દીકરીને ડ્રગ્સ સ્મગલિંગમાં દુબઈ મોકલવાના નામે ફસાવીને લીધો હતો. ઍક્ટ્રેસ જ્યારે શારજાહ પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેના નામે કોઈ હોટેલ બુક કરવામાં નથી આવી. ઍક્ટ્રેસે પોતાના પરિવારને રાજેશે મુંબઈ ઍરપોર્ટ પર આપેલી ટ્રોફીની જાણ કરી હતી અને એનો ફોટો પણ મોકલ્યો હતો. ઍક્ટ્રેસના ભાઈએ આ વિશે શારજાહ પોલીસને જાણ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેની યુએઈમાં ડ્રગ્સ લાવવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.
એકસરખી યુક્તિ
પૉલે આવી જ યુક્તિ વાપરીને કેન રૉડ્રિગ્સ, ક્લેટન રૉડ્રિગ્સ, મુનીસા અને હૃષીકેશ પંડ્યાને રોલ અથવા નોકરી અપાવવાના નામે દુબઈ મોકલ્યા હતા. રૉડ્રિગ્સને પણ મુંબઈ ઍરપોર્ટ પરથી ટ્રોફી આપવામાં આવી હતી, જે તેણે શારજાહ ઍરપોર્ટ પર ફેંકી દીધી હતી અને મુંબઈ પાછો ફર્યો હતો. પંડ્યાએ ટ્રોફી લઈ જવાની ના પાડી હતી, એ પછી ક્રિસન પરેરાને આપવામાં આવી. ક્લેટનને ડ્રગ્સ ધરાવતી કેક આપવામાં આવી, જેની શારજાહ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને શારજાહમાં પોલીસને જણાવવા જતાં પકડાઈ ગયા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું હતું કે કોઈ સિન્ડિકેટ દેખાતી નથી, માત્ર બદલો લેવા માટે જ આવું કર્યું હતું.


