BMCએ બાંદરામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વૃક્ષારોપણ કરાવ્યું
અભિનેતા અક્ષયકુમારના હાથે વૃક્ષારોપણ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મેક અર્થ ગ્રીન અગેઇન (MEGA)ના સામૂહિક પ્રયાસથી ગઈ કાલે સવારે બાંદરા-ઈસ્ટમાં ખેરવાડીમાં અભિનેતા અક્ષયકુમારના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ખેરવાડીથી ગોરેગામ સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બે ઝાડની વચ્ચે જગ્યા હતી ત્યાં ગઈ કાલે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. BMCના ગાર્ડન વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં પર્યાવરણનું સંતુલન જળવાય એ માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાંદરાથી ગોરેગામ સુધી ૩૦૦ અમલતાસ નામનાં વૃક્ષો લગાવવાનું આયોજન છે, જેના પહેલા ભાગમાં અક્ષયકુમારના હાથે વૃક્ષારોપણની શરૂઆત ખેરવાડીમાં કરવામાં આવી હતી. અક્ષયકુમારે તેનાં દિવંગત પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટિયાની સ્મૃતિમાં બે વૃક્ષ લગાવ્યાં હતાં. અમલતાસ એટલે કે ગરમાળો પ્રજાતિનાં વૃક્ષ બે વર્ષમાં મોટાં થઈ જશે અને એમાં સોનેરી ફૂલ પણ આવવા લાગશે. આ વૃક્ષમાં સોનેરી ફૂલ આવે છે એટલે એને ગોલ્ડન શાવર-ટ્રી પણ કહેવામાં આવે છે. આથી આ વૃક્ષોમાં ફૂલ આવવા માંડશે ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસવેની શોભા વધી જશે.’
મુંબઈમાં ૨૦૨૧માં તાઉતે સાઇક્લોન આવ્યું હતું ત્યારે અનેક વૃક્ષો તૂટી પડ્યાં હતાં. આ તૂટી પડેલાં વૃક્ષોની જગ્યાએ નવાં વૃક્ષો લગાવવામાં આવી રહ્યાં છે. ત્રણ વર્ષથી આવી રીતે બૉલીવુડની સેલિબ્રિટીના હાથે જુદી-જુદી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૧માં અમિતાભ બચ્ચનના હાથેથી વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી હતી.

